અંજાર, તા. 3 : શહેરમાં વીજકર્મીની ફરજમાં રુકાવટના બનાવ બાદ
વીજકર્મીઓએ મેનેજમેન્ટ સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો, ત્યારે સંઘના પ્રમુખે મધ્યસ્થી કરી
સમાધાન કરાવ્યું હતું. અંજારમાં વીજકર્મીઓને બંધક બનાવી તેમની ફરજમાં રુકાવટ, ધાકધમકીના
પ્રકરણમાં અધિકારીએ ફરિયાદ નોંધાવવાની જગ્યાએ નાના કર્મચારીને ફરિયાદ નોંધાવવા દબાણ કર્યું હતું, જેથી માથાભારે
આરોપીઓના ભયના ઓથાર તળે આ કર્મીઓ આવી ગયા છે. આરોપીઓએ પોલીસ મથકમાં પણ વીજકર્મીઓ સાથે
ધાકધમકી કરી હતી. તેવી રજૂઆત સંઘના કાર્યકારી પ્રમુખ વાસણભાઇ આહીર, સેક્રેટરી જનરલ
બળદેવભાઇ પટેલ સમક્ષ કરાઇ હતી. આ હોદ્દેદારોના આદેશ બાદ 250થી 300 વીજકર્મીએ મેનેજમેન્ટ
સમક્ષ રજૂઆત કરી હતી. સંગઠને મુખ્ય ઇજનેર શ્રી ચૌધરીને આ અંગે જાણ કરી હતી અને આવી
ભૂલ ન થાય તેવી તાકીદ કરવામાં આવી હતી. તેમણે?ખાતરી આપી હતી અને પોલીસમાં રજૂઆત કરવા
કાર્યપાલક ઇજનેર ભાવનાબેન શર્મા તથા અન્ય કર્મીઓને મોકલવામાં આવ્યા હતા. 24 કલાક લોકોને
વીજળી મળી રહે તે માટે વીજકર્મીઓ ફરજ બજાવી રહ્યા છે, ત્યારે આવા અનિચ્છનીય બનાવ ન
બને તથા બને તો પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરશે તેવી ખાતરી ડીવાયએસપી મુકેશ ચૌધરીએ
આપી હતી. અંજારમાં બનેલા બનાવમાં આરોપીઓને તાત્કાલિક પકડી પાડવાની માંગ કરાઇ હતી. નાના
વીજકર્મીઓના પ્રશ્નોનો નિવેડો આવતાં આનંદની લાગણી પ્રસરી હતી, તેવું અખિલ ગુજરાત વિદ્યુત
કામદાર સંઘની યાદીમાં જણાવાયું હતું