• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

પચ્ચીસ લાખનું ગ્રા.પં.માં ભંડોળ હોવા છતાં તળાવની ભારે દુર્દશા

દયાપર (તા. લખપત), તા. 7 : તાલુકાના મુખ્ય મથક અને સમૃદ્ધ પંચાયત ધરાવતા દયાપરમાં ગામના બસ સ્ટેશન પાસે જ ઐતિહાસિક બાંયાસર તળાવ આવેલું છે. ગતવર્ષે તળાવના નામની તખ્તી અનાવરણ થયું અને હાલમાં તળાવ ઓગની જતાં વધામણાં પણ થયાં, પરંતુ સ્થાનિક લોકોને તળાવને જોઇ વેદના થઇ. ઐતિહાસિક તળાવમાં પાણી ભરાય તે પહેલાં ચોમાસાં આગળ આ તળાવને  સાફ કરી દેવાયું હોત તો સોનામાં સુગંધ ભળે તેમ હતું. પરંતુ ડેમના તળિયે ગાંડા બાવળિયા તેમજ ફરતી પાળમાં પણ ગાંડા બાવળિયાનું સામ્રાજ્ય વધી જતાં દયાપરનું શણગાર સમું બાંયાસર તળાવ જોઇ પ્રકૃતિપ્રેમીઓને દુ:ખાય છે કે, ગ્રામ પંચાયત પાસે 25 લાખની રકમ હોવા છતાં સાવ સામાન્ય સફાઇ કામ પણ ન થઇ શક્યું ! એટલું જ નહીં ગામ સાથે લાગણી ધરાવતા બહાર વસતા ગ્રામજનોએ `ફેસબુક' પર તળાવની દુર્દશા બાબતે નારાજગી જાહેર કરી હતી. વર્ષો પહેલાં ગામની બધી જ જ્ઞાતિઓ સાથે રહી શ્રમયજ્ઞ દ્વારા આ તળાવને સાફ કર્યાના દાખલા છે, પરંતુ હવે બાવળિયો એટલો વધ્યો કે શ્રમયજ્ઞ મુશ્કેલ છે. મશિનરીથી જ થાય પરંતુ ગ્રામ પંચાયત દ્વારા ગામની શેરીઓમાં પણ પૂરતી સફાઇ થતી નથી. શેરીમાં વરસાદી ખાડા પડતાં ઘણા વડીલોને રાત્રે મુશ્કેલી થાય છે. શેરીઓમાં આંકડા, બાવળ ઊભા છે. છતાં કોઇ સફાઇ કે શેરીમાં માટી મોરમ નખાવી સુંદર બનાવવા પ્રયાસ થતા નથી. અગાઉ બે વર્ષ પહેલાં ગ્રા.પં.ની ગ્રામસભામાં સરપંચ દ્વારા તળાવને શણગારવામાં આવશે તેવી ખાતરી આપી જે પોકળ ગઇ છે. આ બાબતે સરપંચ પ્રતિનિધિ હસમુખભાઇ પટેલનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, તળાવની સફાઇ જે.સી.બી.થી થઇ શકે તેમ નથી. તેમાં હિટાચી મશિન જોઇએ અને તળાવ શણગારવા જે-તે સમય કાર્યપાલક ઇજનેર દ્વારા સર્વેનું કામ હાથ ધરાયું હતું, પરંતુ તે પછી કશું થયું નથી. તળાવ બ્યૂટીફિકેશન કામમાં પાણી સંગ્રહ શક્તિ વધારવા ઉત્તર બાજુ વધુ વિસ્તાર કરવો, પાળા, માટીકામ વિગેરેનો સમાવેશ થાય છે. આ બાબતે પત્રવ્યવહાર પણ કરાયો છે. હજુ કામ ચાલુ થયું નથી. ખરેખર આ તળાવમાં અંદર આવવા પગથિયા બનાવાય, ચારેય બાજુ લાઇટીંગ, બેસવા બેન્ચ ગોઠવણી તળાવની પાળ પર સોલાર સિસ્ટમ, રેલીંગ વિગેરે તથા બગીચાનું આયોજન થાય તો લોકો માટે ફરવાનું સ્થળ બની જાય. તળાવની આવ કોઝવે પરથી આવે છે, ત્યાં બોક્સ કલવર્ટ (પુલ) બનાવાય જેથી વરસાદમાં  હાઇવે ચાલુ રહે, પરંતુ વર્ષોથી તળાવના શણગારની વાત ચૂંટણી વખતે આવે છે પછી કોઇ યાદ કરતું નથી તે દિવા જેવું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang