• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

દર્દીઓનાં નમૂના ગાંધીનગર મોકલાયા

દયાપર (તા. લખપત), તા. 7 : છેવાડાના લખપત તાલુકામાં કોઇ ભેદી રોગ કે વાયરસના કારણે ગામડાઓમાં મોતની ઘટનાના સિલસિલાએ લોકોમાં ચિંતા ઊભી કરી દીધી છે. તેની વચ્ચે આરોગ્ય તંત્રની ટીમો તાલુકામાં પહોંચી નમૂના લઇ ગાંધીનગર મોકલાવ્યા હતા. આ બાબતે સામૂહિક આરોગ્ય કેન્દ્રના મુખ્ય તબીબ ડો. લોદશનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, ભેખડાના દર્દીઓ અહીં સારવાર માટે આવ્યા હતા. તાવ, હાંફ ચડવી, પસીનો વળવો આવા લક્ષણો દર્દીઓમાં દેખાય છે. મોરગરના 40 વર્ષના યુવાનને પણ ત્રણ દિવસ તાવ આવ્યો અને મોત થયું હતું. ઉપરાંત અન્ય ગામડાઓમાં પણ મોતના કિસ્સા બન્યા છે. આજે જી.કે. જનરલ હોસ્પિટલના કર્મચારીઓ અને જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી ડો. કેશવકુમારે ભેખડા વિસ્તારની મુલાકાત લઇ નમૂના લીધા હતા અને તેને ગાંધીનગર મોકલાવાયા છે જેનું પરીક્ષણ થયા પછી સાચું કારણ જાણી શકાશે. આમાં તમામ દર્દીઓનાં લક્ષણ?એકસરખા જોવા મળે છે એમ કહ્યું હતું. શ્વાસનળીમાં તકલીફ, પરસેવો વળવો, હાંફ થવી, તાવ આવવો આવા લક્ષણ જો ન્યુમોનિયા હોય તો તેની સારવાર પછી તે ઘાતક નીવડતો નથી, પરંતુ આ તો સારવાર લીધા પછી પણ ઘાતક હોતાં તેની ચકાસણી થઇ રહી છે કે તે ચાંદીપુરા રોગ છે કે અન્ય નવો વાયરસ ? તે નિરીક્ષણ થયા બાદ જાણી શકાશે. ચિંતિત ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ અસરગ્રસ્ત ભેખડાની મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચના આપી હતી. રોગ નિયંત્રણ અધિકારી ડો. કેશવકુમારનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, મેડિકલ કોલેજના તજજ્ઞ તબીબોની ટીમ સાથે ભેખડાની મુલાકાત લીધી હતી. ક્યો રોગ છે તે જણાતું નથી પરંતુ રિપોર્ટ આવી જાય પછી જ ખ્યાલ આવી શકે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang