• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

પોલીસનો `તેરા તુજકો અર્પણ' પ્રોજેક્ટ

ભુજ, તા. 7 : ચોરી તેમજ છેતરપિંડી-ઠગાઈમાં ગયેલો મુદ્દામાલ પરત કરવાની પ્રક્રિયા જટિલ છે, પરંતુ રાજ્ય પોલીસે તેને સરળ બનાવી વહેલીતકે ભોગ બનેલાઓને તેઓનો મુદ્દામાલ પરત કરવા `તેરા તુજકો અર્પણ' પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જેના અંગર્તત આજે ભુજમાં 97ને તથા ગઈકાલે મુંદરા-માંડવી ક્ષેત્રના 70 ભોગગ્રસ્તને મુદ્દામાલ પરત કરી `પોલીસ પ્રજાનો મિત્ર' છે તે ઉક્તિને સાર્થક કરી હતી. ભુજ વિભાગના નાયબ પોલીસ અધીક્ષકના અધ્યક્ષસ્થાને આજે ભુજ તાલીમ ભવન ખાતે યોજાયેલા `તેરા તુજકો અર્પણ' કાર્યક્રમમાં શ્રી જાડેજો જણાવ્યું હતું કે, રાજ્યના ડીજીપી વિકાસ સહાયની સૂચનાથી અને બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા તથા જિલ્લા પોલીસ અધીક્ષક સાગર બાગમારનાં માર્ગદર્શન હેઠળ મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવાની જટિલ પ્રક્રિયાને સરળ બનાવી લોકોને તેમનો મુદ્દામાલ પરત કરવા તેરા તુજકો અર્પણ પ્રોજેક્ટ હેઠળ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા લોકોને મદદરૂપ થવા પ્રયાસ કરાઈ રહ્યો છે. કોર્ટ દ્વારા અનુમતિની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજે ભુજના એ અને બી, માધાપર, પદ્ધર, માનકૂવા અને ખાવડા પોલીસ મથકના 102 જેટલા વિવિધ ગુનાકામે કબજે કરાયેલો મુદ્દામાલ 97 ભોગ બનનારને પરત કરાયો હતો. આ ઉપરાંત ગઈકાલે પણ નાયબ પોલીસ અધીક્ષક શ્રી જાડેજાના અધ્યક્ષસ્થાને પ્રાગપરના અહિંસાધામ ખાતે પણ આવો જ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુંદરા તથા માંડવી તાલુકાના સાત પોલીસ મથકે 70 ગુનાનો મુદ્દામાલ મૂળ માલિકને પરત અપાયો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang