• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

હેકડી રાત જો બરો આયો ને છોકરા વટાય વ્યા...

માતાનામઢ, તા. 7 : લખપત તાલુકાના ભેખડા ગામે છેલ્લા ચાર દિવસમાં ભેદી બિમારી બાદ પાંચના મૃત્યુ થતાં જત સમાજ સહિત આખા તાલુકામાં ગમગીની છવાઇ હતી. તાવ આવ્યા બાદ આ દર્દીઓનાં મૃત્યુ થયા છે તેવી વાત તાલુકાભરમાં ચર્ચાતાં આજે કચ્છમિત્રે ભેખડા ગામની મુલાકાત લીધી હતી. દયાપરથી જત સમાજના અગ્રણી અલીભાઇ જતને સાથે રાખી ભેખડા ગામે પ્રવેશ કરતાં નાનકડા એવા ગામમાં આરોગ્ય વિભાગની બે એમ્બ્યુલન્સ સાથે ટીમ નજરે પડી હતી. આક્રંદ વચ્ચે વિધવા માતાના યુવાન બે પુત્ર જેના લગ્ન આસો માસે નક્કી થયા હતા તે હતભાગી બંને સગાં ભાઇઓનાં જનાતા ઉઠતાં શોક ફેલાયો હતો. મૃત્યુ પામનાર 18 વર્ષીય જત શકુર મામદ, 20 વર્ષીય જુનુસ મામદ જત, 18 વર્ષના મુસ્તાક લુકમાન જત, જત સુલેમાન લાણા (ઉ.વ. 50) તેમજ અમીનાબાઇ જત (ઉ.વ. 7)નો સમાવેશ થાય છે. ચાર જણને ન્યુમોનિયા તાવ આવ્યા બાદ મૃત્યુ પામ્યા છે તેમજ સુલેમાન લાણા જતનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે તેવું ગ્રામજનોએ કહ્યું હતું. તાવના દર્દીઓને પહેલાં સારવાર માટે વર્માનગર ખાતે ખાનગી દવાખાનામાં દાખલ કરાયો હતો. ત્યાં દર્દીઓને ફરક ન પડતાં દયાપર સી.એચ.સી., ત્યાંથી ભુજ જનરલ હોસ્પિટલ રિફર કરાયા હતા. ત્યાંથી એક દર્દીને અમદાવાદ સુધી સારવાર માટે લઇ ગયા હતા. ક્યાંય કરતાં ક્યાંય પણ દર્દીઓને તાવ ન મટતાં તેમનું મૃત્યુ થયું હતું તેવું ગ્રામજનો કહી રહ્યા છે. જિલ્લા પંચાયતના સભ્ય મામદ જુંગ જતે જણાવ્યું હતું કે, આ ક્યા પ્રકારની બિમારી છે ? એ સમજાતું નથી. સચોટ નિદાન ડોક્ટરો કરી શક્યા નથી એવું લાગી રહ્યું છે. સવારે ભેખડા ગામની બાજુમાં આવેલા સાન્ધ્રો ગામે એક 12 વર્ષીય આધમ જાકીર હુસેન જતનું મૃત્યુ થયું હતું. તે આધમ જતના દાદા ખેરૂ જત જે જત સમાજના પીઢ અગ્રણી છે તેમણે જણાવ્યું કે, હેકડી રાત બરો આયો, સવાર જો વરાય વ્યો, હિ તાવ કેડો આય... ? આ વાત કરતાં કરતાં ખેરમામદની આંખો ભીની થઇ ગઇ હતી. લોકોના મનમાં અને મુખે એક જ વાત છે કે આ તાવ ક્યા પ્રકારનો છે ? જેની સારવાર ભુજ-અમદાવાદ સુધી ન થઇ. બિમારીમાં મૃત્યુ પામનાર દર્દીઓને તાવ, શરદી, કફ, ન્યુમોનિયાની સાથે યુવાન દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઇ હતી, શ્વાસોશ્વાસમાં તકલીફ પડી હતી, ફેફસાં-લીવર સહિતને નુકસાન થતાં દર્દીઓ મોતને ભેટયા છે તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. આ બાબતે દયાપર સી.એસ.સી.ના ડો. લોદરાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, આ દર્દીઓને ન્યુમોનિયાની અસર હોવાથી ભુજ મોકલવામાં આવ્યા હતા. ચોમાસા દરમ્યાન રોજના 50થી 100 ઓપીડી તાવ-ઉધરસ-શરદીની થાય છે. ફીવરનું પ્રમાણ વધુ દર્દીઓમાં દેખાય છે તેવું તેમણે જણાવ્યું હતું. તાલુકાની એકમાત્ર સી.એચ.સી. હોસ્પિટલમાં એકમાત્ર ડોક્ટર છે, બાકીના ડોક્ટર ઓફ ઘટ છે. .... હંગામી ધોરણે ચારથી પાંચ એમ.બી.બી.એસ. ડોક્ટરોની નિમણૂક કરાય એવી માંગ ઉઠી હતી. તાલુકા કોંગ્રેસના અગ્રણી મામદભાઇ જત, દેશુભા જાડેજા, ઇબ્રાહીમ કુંભાર, અલીભાઇ જત તેમજ હુસેન રાયમાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, આરોગ્યની સેવા તાલુકામાં ખાડે ગઇ છે, તાવમાં લોકો મૃત્યુ પામી રહ્યા છે, દર્દીઓને ભુજ-અમદાવાદ-રાજકોટ  સુધી સારવાર માટે જવું પડે છે. આવું ઓરમાયું વર્તન લખપત તાલુકા માટે શા માટે ? તેવો સવાલ તંત્ર?સામે ઉઠાવ્યો હતો સાથે સી.એચ.સી. હોસ્પિટલમાં ડોક્ટર સહિતનો સ્ટાફ પૂરતો રાખી આરોગ્ય સુવિધા વધારવા માંગ કરી હતી. આજે બપોર બાદ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા મૃતક પરિજનોને મળવા ભેખડા ગામે ગયા હતા, ત્યાં હતભાગી પરિજનોને સાંત્વના આપી હતી. તાલુકામાં તાવની મોકાણ વચ્ચે આજે તાલુકાના મેડી ગામે તાવનાં દર્દી જત અબ્દુલા સિધિકનું મૃત્યુ થયું હતું તેમજ મોરગરવાંઢના 48 વર્ષીય મુકિમ હિયાત જતનું બે દિવસ તાવ આવતાં મોત થયું હતું તેવું અલીભાઇ જતે જણાવ્યું હતું. અખિલ કચ્છ જત સમાજના ઉપપ્રમુખ જત મામદ રહીમ અસમામદે દુ:ખ વ્યક્ત સાથે જણાવ્યું હતું કે, જત સમાજના એકસાથે તાવ જેવી બિમારીથી આઠ વ્યક્તિનાં મોત થયા છે. તાલુકામાં આરોગ્ય વિભાગ ક્યા પ્રકારનો તાવ દર્દીઓને હતો તેની માહિતી આપી શકતો નથી. સમગ્ર વહીવટી તંત્ર આ ભેદી તાવની ઓળખ જલ્દી કરે તેવી તેમણે માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાંદીપુરા વાયરસના તાવના કારણે ગુજરાતમાં અનેક બાળકો મૃત્યુ પામ્યા છે. અહીં લખપત તાલુકામાં આઠ પૈકી બે મૃતક એક સાત વર્ષની બાળકી હતી તેમજ સાન્ધ્રોનો એક 12 વર્ષીય બાળક તાવથી મૃત્યુ પામ્યા છે, શું ચાંદીપુરા વાયરસ યુવાનોને થઇ?શકે છે ? એ પ્રશ્ન પણ ઉઠયો હતો. ભેખડામાં 50 ટકાથી વધુ ઘર માટી-વાંસના બનેલા છે. ગારા-છાણનો લીંપણ અહીં અનેક ઘરમાં દેખાઇ આવે છે તેવા કાચા મકાનો છે. શું આવા માટીના લીંપણમાં ચાંદીપુરા વાયરસ અહીં માથું ઊંચકી રહ્યો છે તે તપાસનો વિષય છે. ભેખડા ગ્રામજનોએ જણાવ્યું હતું કે, છેલ્લે 22 ઓગસ્ટે પીવાનું પાણી આવ્યું છે. ત્યારબાદ આજે પાણીનો ટેન્કર આવ્યો હતો. અમો નાછૂટક તળાવનું પાલર પાણી પી રહ્યા છીએ. જે તળાવના કોઠા ઉપર અમારું પશુધન પાણી પીવે છે તે કોઠા ઉપરથી અમો ઘર વપરાશ તેમજ પીવાનું પાણી લઇને કામ ચલાવીએ છીએ. નર્મદાનું પાણી વહેલી તકે મળે તે જરૂરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang