• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

અંજારમાં વરસાદી પાણીની લાઈનમાં ગેરરીતિના આક્ષેપો

અંજાર, તા. 5 : અહીંની સુધરાઈમાં  થોડા  વર્ષો  અગાઉ કોમ્યુનિટી શૌચાલય  નિર્માણમાં ભ્રષ્ટાચારને લઈને  મામલો છેક  લાંચ રુશ્વત બ્યૂરો સુધી પહોંચ્યો હતો. તેવામાં  શહેરમાં પાલિકા દ્વારા  વરસાદી પાણીના નિકાલ  માટેની  લાઈનનાં  કામમાં પૂર્ણ કક્ષાનું કામ   ન  કરી નાણાં મેળવી   ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો ઊઠ્યા છે. બહુમતી સાથે  સત્તાપક્ષ ભાજપે છેલ્લા કેટલાય વર્ષોથી  અંજાર નગરપાલિકા શાસનનો દોર સંભાળ્યો છે. થોડા-થોડા  સમયે પાલિકાના વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર  થતો હોવાનો  આક્ષેપોભર્યો ગણગણાટ  સમયાંતરે  સાંભળવા મળી રહ્યો છે. પાલિકા દ્વારા અંજાર સ્ટેડિયમમાં ભરાતાં વરસાદી પાણીને કાઢવા માટે  લાઈન નાખવા માટે કામગીરી હાથ ધરાઈ હતી. આ કામ  અંદાજિત 23 લાખનું હોવાનું મનાઈ રહ્યું છે.   આ પ્રકલ્પ તળે સ્ટેડિયમથી  ગોવિંદા મોલ થઈ  રઘુવીર એન્ટરપ્રાઈઝ પાછળના  ભાગેની લાઈન સુધી  વરસાદી પાણીના નિકાલ માટે લાઈન નાખવામાં આવી હતી, જેને કારણે થોડા મહિના પહેલાં બનેલા રસ્તાની હાલત ખસ્તા બની હતી. આ લાઈન ઉપર પી.સી.સી. (સિમેન્ટની ક્રોંકિટ)નું  કામ થયું હોવા છતાં સંબંધિત એજન્સીને પાલિકા?દ્વારા નાણાંની ચૂકવણી કરી દેવામાં આવી હોવાના  આક્ષેપો ઊઠયા છે. સુધરાઈના કેટલાક નગરસેવકો આ ભ્રષ્ટાચારને છતો  પાડવા માટે લાંબા સમયથી મહેનત કરી રહ્યા છે. સત્તાપક્ષના અગ્રણીઓના ડરનાં  કારણે નામ ન આપવાની શરતે નગરસેવકોએ પાલિકામાં આવા અનેક ભ્રષ્ટાચાર ચાલતા હોવાની રાવ  આપી હતી. આ કામ જ્યાં કરાયું ત્યાંથી નજીક જ ધારાસભ્યનું કાર્યાલય આવેલું હોવાન વાત પણ લોકોમાં ચર્ચાઈ રહી છે. અહીં રસ્તાની ખસ્તા હાલત મુદ્દે કંટાળી સ્થાનિકોએ સંબંધિતો સમક્ષ રજૂઆત પણ કરી હતી. લાઈન ખોદ્યા બાદ ઉપર પી.સી.સી.નું કામ ન કરી   રૂા. 3થી 4 લાખનો કથિત ભ્રષ્ટાચાર  આચરવામાં આવ્યો હોવાનો ગણગણાટ ઊઠયો છે. લાઈનમાં નીચેના ભાગે પી.સી.સી. થઈ હશે કે કેમ તે તલસ્પર્શી તપાસમાં જ બહાર  આવી શકે.  આ કામ માટે પાલિકાના મુખ્ય અધિકારી, એન્જિનીયર સહિતનાની જવાબદારી નક્કી  થઈ શકે છે. અબલત્ત વરસાદી પાણીની લાઈન સહિતના અનેક પ્રકલ્પમાં આ જ પ્રકારે ગેરીરિતીનો નહીં  હોય તે તપાસનો વિષય છે. આ કારસ્તાન ઢાંકવા માટે અહીં ડામરનો રસ્તો પણ મંજૂર કરવામાં આવ્યો છે.  સુધરાઈમાં ઉપરની આવકનો રસ ચાખી ગયેલા અમુક કર્મચારીઓ સત્તાપક્ષના સભ્યોને  છાનેછૂપે વર્ષોથી વ્યવહાર કરી નાખે છે. પાલિકાના મુખ્ય અધિકારીને રાજકોટ પ્રાદેશિક કચેરીની જવાબદારી  હોવાથી   અંજાર નગરપાલિકામાં પૂરતો સમય આપી  શકતા નથી, જેનો લાભ  ભ્રષ્ટાચાર કરનારા તત્ત્વો લઈ રહ્યા છે, તો બીજી બાજુ સત્તાપક્ષ દર  વખત નાના કર્મચારીઓ ઉપર ઠીકરું ફોડી મામલો યેનકેન પ્રકારે થાળે પાડતા હોવાનો સિનારિયો અનેક કિસ્સામાં જોવા મળ્યો છે. જો  આ ગેરીરિતી મુદ્દે  અંજાર ધારાસભ્ય અને જિલ્લા ભાજપ  સંબંધિતોની જવાબદારી નક્કી કરી  તેના ઉપર કેવા પગલાં લેશે  તેના ઉપર સૌની મીટ મંડાઈ છે. પાલિકાના મુખ્ય અધિકારી  પારસ મકવાણાનો સંપર્ક કરતાં  તેમણે પ્રથમ તબકકે રાજકોટ  છું કહી  જવાબ આપવાનું ટાળ્યુ હતું. ત્યારબાદ વધુ એક વખત તેમનો સંર્પક કરતાં તેમણે તપાસ કરાવું છું તેમ કહી પોતાનો બચાવ કર્યો હતો. કચ્છમિત્રની પૂછપરછ બાદ હાલમાં બાકી રખાયેલાં કામ પૂર્ણ કરવા હિલચાલ  જોવા મળી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang