ભુજ, તા. 21 : વલ્લભ વિદ્યાનગરની સીવીએમ યુનિવર્સિટીમાં
એસોસીએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ (અઈંઞ) દ્વારા આયોજિત 39મા આંતર-યુનિવર્સિટી પશ્ચિમ ઝોન યુવા મહોત્સવ
- પશ્ચિમાંચલ યુનિફેસ્ટમાં વિદ્યાર્થીઓએ લોકનૃત્યમાં ઉત્સાહ, સર્જનાત્મકતા અને શિસ્તબદ્ધ રજૂઆત દ્વારા નોંધપાત્ર
પ્રદર્શન કરી પાંચમું સ્થાન હાંસલ કર્યું છે. પશ્ચિમ ઝોન સ્તરના આ પ્રતિષ્ઠિત મહોત્સવમાં
કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ લોકનૃત્ય સ્પર્ધામાં કલાત્મક અભિવ્યક્તિ, પરંપરાગત વેશભૂષા અને સુમેળભર્યા તાલમેલ સાથે રજૂઆત કરી વીસ વર્ષે આ સફળતા
મેળવી હતી. કચ્છ યુનિવર્સિટીના કુલ 55 વિદ્યાર્થીના જૂથે લોકનૃત્ય સહિત વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ પોતાની
પ્રતિભા અને ટીમ ભાવનાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. વિવિધ 33 યુનિવર્સિટીમાંથી 1600 જેટલા વિદ્યાર્થીએ જુદી-જુદી
શ્રેણીમાં કલાત્મક અભિવ્યક્તિ કરી હતી. વિવિધ પ્રાંતોની સંસ્કૃતિઓ સાથેનો સંપર્ક અને
પરસ્પર સંવાદે વિદ્યાર્થીઓના દૃષ્ટિકોણને વધુ વિસ્તૃત બનાવ્યો હતો. મહોત્સવ પૂર્વે
યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલે વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રેરણા
આપી સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી. કુલસચિવ ડો. અનિલ ગોરે પણ તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને
અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, આવા મંચો
વિદ્યાર્થીઓની છુપાયેલી પ્રતિભાને ઉજાગર કરે છે અને સંસ્થાની ઓળખને રાષ્ટ્રીય સ્તરે
મજબૂત બનાવે છે. સાંસ્કૃતિક સંયોજક ડો. શીતલ બાટી તેમજ ટીમ મેનેજર્સ પૂજા જોષી અને
ડો. રવિ કોટકનાં માર્ગદર્શનથી ભાગીદારી સફળ બની હતી