• બુધવાર, 15 મે, 2024

પાલનપુર પાસે ભારે વીજરેષા તૂટતાં ધડાકાથી લોકોમાં અફરાતફરી

નિરોણા (પાવરપટ્ટી), તા. 28 : પાવરપટ્ટીના  પાલનપુર ગામની દક્ષિણે આવેલી બાડી અને માલધારી રહેણાંક વિસ્તાર વચ્ચે રાત્રે ગામની વીજલાઇન ઉપરથી પસાર થતી ભારે વીજરેષા તૂટી પડતાં શોટસર્કિટના ભારે ધડાકા ભડાકા વચ્ચે લોકોમાં ડર સાથે અફરા-તફરી મચી જવા પામી હતી. જોકે, સદ્ભાગ્યે લોકો ઘરમાં હોઇ મોટી દુર્ઘટના થતી અટકી હતી. વિસ્તારના પાલનપુર (બાડી)ને અડીને કેન્દ્ર સરકારના ગ્રીન એનર્જી કોરિડોર પ્રોજેક્ટ છેલ્લાં કેટલાક વર્ષોથી કાર્યરત છે. 765 કે.વી.ની ક્ષમતાવાળા પ્રોજેક્ટમાં પશ્ચિમ કચ્છના વિસ્તારોમાંથી અનેક મોટા ટાવર ઊભા કરી પહોંચાડવામાં આવી છે. પ્રોજેક્ટ નજીક ગામની ઉત્તર ખેડવાણ અને દક્ષિણે ડુંગરાળના પહાડી વિસ્તારમાંથી અનેક વીજલાઇનો આડેધડ ઊભી કર્યા પછી હાલ ગામ લાઇનોની વચ્ચે આવી ગયેલું છે. વહેલી સવારે લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા. કચ્છમિત્રે ઘટનાસ્થળની મુલાકાત લીધી ત્યારે નિરોણા પોલીસ સ્ટેશનના કર્મચારીઓની રૂબરૂમાં વીજ કર્મચારીઓ તૂટેલા તારને સલામત સ્થળે ખસેડવાની કામગીરીમાં  જોડાયા હતા. ગામના માલધારી રશીદ મુતવાએ પણ કહ્યું હતું કે, ખાનગી વીજ કંપનીની લાઇનો ગામના રહેણાંક વિસ્તારથી દૂર પસાર કરવાની જોગવાઇ છે, પરંતુ સુઝલોન કંપનીએ ગામના રહેણાંક વિસ્તારની નજીકમાંથી લાઇન કાઢી જતાં ભવિષ્યમાં લાઇન લોકો માટે મહા મુશ્કેલી સર્જી શકે છે. લાઇન નીકળી ત્યારે  કંપનીએ ગામલોકોને  મામૂલી વળતર ચૂકવી વિશ્વાસઘાત કર્યો છે. ગામના સરપંચ પ્રવીણભાઇ પટેલે બાબતે નાયબ કલેક્ટરને લેખિતમાં જાણ કર્યા પછી નાયબ કલેક્ટરએ નખત્રાણા મામલતદારને પત્ર પાઠવી સંબંધિત વીજ કંપની સામે કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું છે. છતાં આજ સુધી કોઇ કાર્યવાહી હાથ ધરાઇ નથી. ભવિષ્યમાં જોખમી સિલસિલો અટકશે નહીં તો  સંબંધિત કંપની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તેવી ચીમકી આપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang