• બુધવાર, 15 મે, 2024

પહેલાં ગૌદાન, પછી કન્યાદાન

ઉંમર ખત્રી દ્વારા : મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 28 :  ગામની ગૌસેવા સમિતિ દ્વારા નીરણ કેન્દ્ર શરૂ થશે એવો સાદ પડે કે ગામની ગૌસેવા, નીરણ કેન્દ્રની સમિતિ ભેગી થાય અને ગાયોના ચારા માટેનું આયોજન ઘડે. કચ્છમાં આવું ભાગ્યે ગામ હશે કે જ્યાં નીરણ કેન્દ્ર ફાગણી અમાસના શરૂ થાય, અને જ્યાં સુધી ભગવાન રીઝે ત્યાં સુધી અબોલા જીવો માટે ચારાની ચિંતા ગ્રામજનો કરે. નખત્રાણા તાલુકાના નાના એવા સાંગનારા ગામમાં વર્ષોથી લોકફાળાનાં માધ્યમથી નીરણ કેન્દ્ર શરૂ થાય છે. પાટીદાર સમાજમાં દીકરીનાં લગ્ન હોય તો કન્યાદાન પછી, પહેલાં તો સાજન-માજન જ્યાં શુભ પ્રસંગના મંડપમાં બેઠા હોય, ત્યાં પાટીદાર સમાજના યુવાનો થાળ ફેરવે ગૌદાન આપજો... ગૌમાતાની સેવા કાજે ઉપસ્થિતો વગર સંકોચે યથાશક્તિ મુજબ થાળમાં રકમ આપે, ગૌદાનની વિધિ પછી શુભપ્રસંગ મંગલ ફેરા, કન્યાદાન, આવી પરંપરા વર્ષોથી ચાલુ છે. સાંગનારા ગૌસેવા સમિતિના મંત્રી અરવિંદભાઈ ઠક્કરે કહ્યું કે, વર્ષોથી ગામની ગૌસેવા સમિતિ દ્વારા ફાગણ માસની અમાસથી લોકફાળાથી નીરણ કેન્દ્ર શરૂ થાય અને જ્યાં સુધી વરસાદ શરૂ થાય ત્યાં સુધી ચાલુ રાખવામાં આવે છે.  હાલમાં શરૂ થયેલા નીરણ કેન્દ્રમાં શરૂઆતમાં રોજ 1000 કિલો લીલો મકાઈનો ચારો નિરાય જે ગામમાં પૂરો થાય, ત્યારબાદ  સૂકો મગફળીનો ચારો રોજ 320 કિલો નિરાય છે. ગામની પાટીદાર સમાજની દીકરીનાં લગ્નપ્રસંગ હોય તો પ્રથમ ગૌદાન લેવામાં આવે છે. ગત વર્ષે હીતિકા રમેશભાઈ પોકારનાં લગ્ન વખતે 10151, નિશાબેન નારાણભાઈ લીંબાણીના લગ્નપ્રસંગે 7025, ધ્રુતિબેન શંકરભાઈ લીંબાણીના લગ્નપ્રસંગે 11800 ગૌદાન એકઠું થયું હતું. તો 8300 શ્રી નર્મદેશ્વર મહાદેવ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગૌદાન મળ્યું હતું. ક્રિકેટ ટૂર્નામેન્ટના માધ્યમથી એકત્રિત રૂા. 90000 ગૌદાન મળ્યું છે. પાટીદાર યુવાનો દ્વારા સમાજમાં જન્મદિવસની ઉજવણી રૂપે અન્ય ફાજલ ખર્ચને બદલે ગૌદાન માટે રૂા. 00 આપવાનું સ્વેચ્છાએ નક્કી થયું છે. ગત વર્ષે જન્મદિવસ નિમિત્તે 20?હજાર ભેગા થયા હતા. તુલસીભાઈ પોકાર, ભાણજીભાઈ લીંબાણી, અરવિંદભાઈ ઠક્કર, રાણા સુરા રબારી, અંબાલાલ સાંખલા, ચના રામા રબારી, ઉમરા પાલા જેપાર, રામાભાઈ રબારી જહેમત ઉઠાવી રહ્યા છે. સરપંચ શંકર લિંબાણી, ડો. પ્રવીણ લીંબાણી, ભરત ચાવડા, ખીમજી નાકરાણીનો સહયોગ મળી રહ્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang