• બુધવાર, 01 મે, 2024

ગાંધીધામમાં સુધરાઇનો વિકાસ ચેમ્બરમાંથી ઊભરાઈને બહાર આવ્યો

ગાંધીધામ, તા. 17 : સંકુલમાં તાજેતરમાં કમોસમી વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી, પરંતુ સામાન્ય વરસાદે નગરપાલિકા તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી હતી અને વરસાદી પાણી ચેમ્બરમાં દાખલ થતાં દૂષિત જળ ઊભરાઈને બહાર આવી ગયાં છે, જેને પગલે અનેક સ્થળોએ રસ્તા ગટરનાં પાણીમાં ગરકાવ થઇ  ગયાં છે. જોડિયાનગરમાં ગટરની લાઈનો તેમજ ચેમ્બરની સફાઈ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાય છે. આટલું ઓછું હોય તેમ દરેક સામાન્ય સભામાં પણ ગટર વ્યવસ્થા માટે તાતિંગ નાણાંની જોગવાઈ કરાય છે, તેમ છતાં સમસ્યા દૂર થવાનું નામ લેતી નથી. દરમ્યાન તાજેતરમાં વરસાદ ખાબક્યો હતો. પરિણામે જોડિયાનગરમાં અનેક સ્થળોએ જળ ભરાવની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ પાણીનો ગટરની ચેમ્બરોમાંથી નિકાલ કરવાના પ્રયાસથી શહેરીજનોની મુસીબતોમાં વધારો થયો હતો.ચેમ્બરમાંથી દૂષિત જળ ઊભરાઈને બહાર રોડ ઉપર આવી ગયા હતા, જેને પગલે વરસાદ બાદ પણ જળ ભરાવની સ્થિતિ કાયમ રહી હતી. ગટરના પાણી જાહેર માર્ગો ઉપર પથરાઈ જતાં વ્યવસાયકારો, વાહનચાલકોને અનેક મુસીબતોનો સામનો કરવાની નોબત ઊભી થઈ છે. ઉપરાંત ગાંધીધામ, આદિપુરમાં અનેક સ્થળોએ જળ ભરાવની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે મચ્છર, માખીઓનો ઉપદ્રવ વધી ગયો છે અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત લોકો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે. નગરપાલિકા દ્વારા ગટરની લાઈનો તેમજ ચેમ્બરની સફાઈ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાય છે, પરંતુ કામગીરી કાગળ ઉપર પૂર્ણ કરી લેવાતી હોય તેમ કોઈ પરિણામ સાંપડયું નથી, ત્યારે સામાન્ય વરસાદમાં આવી વિકટ પરિસ્થિતિ ઊભી થતાં ચોમાસામાં ગંભીર હાલત સર્જાવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang