• બુધવાર, 01 મે, 2024

હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રકટ હોઇ મૈં જાના

ભુજ, તા. 17 : સમગ્ર હિન્દુ સનાતન સમાજના આરાધ્ય દેવ ભગવાન રામચંદ્રજીના પ્રાગટય દિન રામનવમીની કચ્છભરમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. - ભુજના રઘુનાથજી મંદિરે ઉજવણી : ભુજ ઉપલીપાળ રોડ ઉપર આવેલા વર્ષો પુરાણા રઘુનાથજી મંદિરે ભગવાન રામનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. સવારે ભગવાન શ્રીરામનું પૂજન ગોવિંદજી માધવજી પરિવાર દ્વારા કરાયું હતું. શાત્રોક્ત?વિધિ ભરતભાઈ દવેએ કરાવી હતી. ત્યારબાદ શૃંગાર, આરતી મંદિરના પૂજારી સુનિલભાઈએ કરી હતી. સવારે રવાડીનું આયોજન કરાયું હતું. 12 કલાકે ભગવાન શ્રીરામના જન્મના જયઘોષ સાથે ભગવાન શ્રીરામની આરતી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રઘુનાથ જીનામ સેવા ટ્રસ્ટ પ્રમુખ પ્રવીણભાઈ પુજારા મંત્રી, મહેશ કંસારા, કિશોરભાઈ જોબનપુત્રા, જયેશભાઈ સેનેતા, રાજુભાઈ પુરોહિત, ભાવેશભાઈ ભટ્ટ, જે. કે. કંસારા,  બીપીનભાઈ જોબનપુત્રા, પુજારી પરિવારના હરેશભાઈ વ્યાસ, સુનિલભાઈ વ્યાસ, સંજયભાઈ વ્યાસ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. રવાડીને સફળ બનાવવા મયુરભાઈ વ્યાસ, પૂજનભાઈ વ્યાસ, નીરવભાઈ વ્યાસ, દેવાંશ મુકેશભાઈ રાઠોડ, પરાગ કટ્ટા, નીલમ વ્યાસ, અરુણાબેન સેવક, મોનાબેન સેવક, જય, વિશ્વ હિન્દુ પરિષદના જયેશભાઈ કોઠારી, સુદીપભાઈ, કેયુરભાઈએ જહેમત ઉઠાવી હતી. - વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભુજમાં બાઈક રેલી : વિશ્વ હિન્દુ પરિષદ ભુજ નગર દ્વારા બાઈક-રેલીનું ભુજના પ્રમુખસ્વામી નગર પાસે આવેલા આશાપુરા સ્કૂલ પાસે શ્રી મુન્દ્રા-રોડ રિલોકેશન રઘુવંશી પરિવાર દ્વારા સ્વાગત કરાયું હતું, જેમાં રઘુવંશી સમાજની દિકરીઓ દ્વારા `રામલલ્લા'ની મૂર્તિનું કુમકુમ, અક્ષત દ્વારા પૂજન કરી આરતી ઉતારાઈ હતી. સમાજની દિકરીઓ દ્વારા `તલવાર રાસ'નું આયોજન કરાયું હતું. જેમાં લગભગ વીસેક જેટલી દિકરીએ ભાગ લીધો હતો. સમગ્ર બાઈક રેલીને ઠંડી મસાલા છાસનું વિતરણ કરાયું હતું, જેના દાતા તરીકે જયેશભાઈ સચદે (બાપાદયાળુ) પરિવાર દ્વારા સેવા અપાઈ હતી. સમગ્ર આયોજનની વ્યવસ્થા મુન્દ્રા-રોડ રિલોકેશનના કારોબારી સભ્યો, મહિલા મંડળના સભ્યો અને રઘુવંશી યુવા શક્તિ સંઘના સદસ્યોની સાથે સમગ્ર રઘુવંશી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. - માંડવીમાં શોભાયાત્રામાં ભગવાન રામની પ્રતિમાએ જગાવ્યું આકર્ષણ : માંડવી ખાતે હિન્દુ યુવા સંગઠન તથા સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા સ્વામિનારાયણ મંદિર પટાંગણમાંથી રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા, સ્વામિનારાયણ મંદિરના સંતો પૂ. અજિતેન્દ્રજી સ્વામી આદિ સંતો, ધારાસભ્ય અનિરુદ્ધભાઇ?દવે,  નગરપતિ હરેશભાઇ વિંઝોડા, જીઇબીના સનતભાઇ જોશી, વિવિધ સમાજોના આગેવાનોની ઉપસ્થિતિમાં રામ અને ઘનશ્યામ મહારાજની શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. અયોધ્યાના મંદિરમાં પ્રતિષ્ઠિત થયેલ ભગવાન રામની પ્રતિમાની પ્રતિકૃતિ સમાન મૂર્તિને રથમાં બિરાજમાન કરી શહેરના માર્ગો પર શોભાયાત્રા નીકળી હતી. તેમની સાથે ઘનશ્યામ મહારાજની પ્રતિમા સાથેનો રથ, કોટેશ્વર ગ્રુપની કૃતિઓ, બ્રાહ્મણ સમાજ ટ્રસ્ટ, સમર્પણ ટ્રસ્ટ, યોગી સમાજ, સોની સમાજ, વાળંદ સમાજ,  પટ્ટણી સમાજ, ગંગા સાગર ડી.જે., રામ રથ, જે. કે. ગ્રુપ, હનુમાન દેરી બેન્ડ પાર્ટી ગ્રુપ વિગેરેએ જોડાઇ વેશભૂષા તથા પોતાની આગવી કૃતિઓ રજૂ કરી હતી. વેપારીઓએ અડધો દિવસ પોતાના કામકાજ બંધ રાખી સહયોગ આપ્યો હતો.શોભાયાત્રામાં રાજાભાઇ પરમાર, અનિલભાઇ માલી, નરેનભાઇ સોની, મુકેશભાઇ જોશી, વિજયભાઇ ચૌહાણ, અરવિંદભાઇ ગોહિલ વિગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા. ભાગ લેનારા બધા ગ્રુપોનું હિન્દુ યુવા સંગઠન દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. - મુંદરા ગુર્જર સમાજ દ્વારા શોભાયાત્રા : મુંદરા ગુર્જર સમાજ : રામનવમી નિમિત્તે ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી અને બંદરીય નગરી રામમય બની ગઈ હતી. સમાજના પ્રમુખ હરી વિરમ ગોહિલ, ડાયાલાલ ગોહિલ, જીગર ગોહિલ, મગન લાખા પરમાર, રામજી પરમાર, ખીમજી દાફડા, જયેશ ગોહિલ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગુંદાલા (તા. મુંદરા) ગુંદલામાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ વગેરેનું આયોજન થયું હતું. - નખત્રાણામાં રામનવમી ઉજવણીએ શોભાયાત્રા : નખત્રાણામાં સમસ્ત હિન્દુ સમાજ આયોજિત રામ જન્મોત્સવ પ્રસંગે  શોભાયાત્રા શંકરવિજય શોમીલ (બેરૂ રોડ)થી પ્રસ્થાન થઇ રામાણી ગ્રાઉન્ડ (વિરાણી રોડ) સંપન્ન થઇ હતી, ત્યાં સંગીતમય મહાઆરતી  યોજાઇ હતી, જેના સથવારે ગીત-સંગીત, ભગવાન રામચંદ્રના જયનાદથી વાતાવરણ ગુંજી ઊઠયું હતું. આયોજનમાં ચંદુભાઇ રૈયાણી ભરતસિંહ ઝાલા, લીલાધર પોકાર, લખન રબારી, વિનોદભાઇ લીંબાણી, ભરત રૈયા, હિરેન ભાનુશાલીએ વ્યવસ્થા સંભાળી હતી. - મોટી વિરાણી સમસ્ત હિન્દુ સમાજ દ્વારા શોભાયાત્રા : વિરાણી મોટી (તા. નખત્રાણા) અહીં સમસ્ત હિન્દુ સમાજના સંયુક્ત ઉપક્રમે રવિભાણ આશ્રમ રામમંદિરના મહંત શાંતિદાસજી મહારાજના સાંનિધ્યમાં સવારે હોમ હવન, શોભાયાત્રા, બપોરે બાલિકાઓ (નિયાણી)ઓને મહાપ્રસાદ, ભેટ સોગાદ, સાંજે ચૈત્રી નવરાત્રિના સમાપન પ્રસંગે મહાઆરતી આશીર્વચન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સવારે રામમંદિરથી શોભાયાત્રાને લઘુ મહંત સુરેશદાસ બાપુએ પ્રયાણ કરાવ્યું હતું, જેમાં ગામના ઠાકોર પરિવારના અર્જુનસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા, ગ્રા.વિ. મંડળના પ્રમુખ ભરતભાઇ સોમજિયાણી, પા. સમાજના મંત્રી પ્રવીણભાઇ, લો..ના પ્રમુખ છગનલાલ ઠક્કર, હિતેશ કારીઆ સહિત વિવિધ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. હોમ હવનવિધિ જયેશ મારાજએ સપન્ન કરાવી હતી. - લખપત હિન્દુ યુવા સંગઠન દ્વારા બાઇક રેલી : લખપત તાલુકા હિન્દુ યુવા સંગઠન દ્વારા રામનવમી નિમિત્તે કોરિયાણીથી દયાપર બાઇક રેલીનું આયોજન કરાયું હતું. પ્રમુખ દાનુભા સોઢા, ગિરીરાજસિંહ સોઢા સહિત યુવાનોએ રેલીનું દયાપર રામ મંદિર લોહાણા મહાજન ખાતે સમાપન કર્યું હતું અને સભાનું આયોજન કરાયું હતું. લોહાણા સમાજના પ્રમુખ રામભાઇ ઠક્કર, રમેશભાઇ બારૂ, સોશિયલ ગ્રુપના હોદ્દેદારોએ દયાપર ખાતે રથનું પૂજન કર્યું હતું. દયાપર રામ મંદિરમાં શ્રીરામ જન્મોત્સવ ધામધૂમથી મનાવાયો હતો, હોમ હવન, પૂજા, આરતી અને રામધૂન, પ્રસાદનું આયોજન કરાયું હતું. દીપાબેન ઠક્કર, મનીષાબેન ગણાત્રા, પીયૂષ અનમ, રમેશભાઇ અનમ, દીપક રેલોન, હિતેશ આથા, જિતેન્દ્ર કોટક વગેરેએ વ્યવસ્થા સંભાળી હતી. રવજી બાપા કોટક, ભરતભાઇ ઠક્કર તેમજ લોહાણા સમાજના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. - ઘડુલી પાટીદાર યુવક મંડળ દ્વારા ઉજવણી : ઘડુલી લક્ષ્મીનારાયણ મંદિરના ચોકથી ગામને ફરતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી, ત્યારબાદ લક્ષ્મીનારાયણ મંદિરે આરતી બાદ મહાપ્રસાદ યોજાયો હતો. સમાજના વડીલો, મહિલા મંડળ, યુવક તેમજ પાટીદાર સમાજના ભાઇ-બહેન મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. - નલિયાના પૌરાણિક મંદિરે પરંપરાગત ઉજવણી : નલિયા બજાર ચોકમાં આવેલા પૌરાણિક રામમંદિર ખાતે બપોરે 12 વાગ્યે પરંપરાગત રીતે રામ જન્મોત્સવની ઉજવણી કરાઇ હતી. પૂજારી મિતેશભાઇ અબોટી દ્વારા આરતી ઉતારીને રામજન્મની ઉજવણી કરાઇ હતી. તકે નલિયા ગામના ટીલાટ દિલીપસિંહ જાડેજા, પોપટ કાકા, દુષ્યંતસિંહ જાડેજા, રણજીતભાઇ ભાટિયા, દિનેશભાઇ અબોટી, નીતિનભાઇ દરજી ઉપસ્થિત રહ્યા હતા. ગામના વેપારી ભાઇઓએ  અડધો દિવસ પોતાનું કામકાજ બંધ રાખીને પાંખી પાળી હતી. - રામવાડા પ્રાચીન તીર્થે રામ જન્મોત્સવ ઊજવાયો : અબડાસા તાલુકાના ગરડા પંથક વાયોર નજીક આવેલા પૌરાણિક રામવાડા ખાતે પૂર્વ સંધ્યાએ રાત્રે જાણીતા કલાકારોની સંતવાણી યોજાઇ હતી, જેમાં ઉપસ્થિત રાજકીય, સામાજિક અગ્રણીઓ, દાતાઓનું મંદિરના મહંત જનકદાસ બાપુના હસ્તે સનમાન કરાયું હતું. બીજા દિવસે સવારે નલિયા ગામના તિલાટ સ્વ. જુવાનસિંહ હમીરજી જાડેજા પરિવારના જયપાલસિંહ હકુમતસિંહના હસ્તે હોમ હવન યોજાયા હતા. શાત્રોક્તવિધિ ભૂપેન્દ્ર મારાજે કરાવી હતી, બપોરે રામ જન્મોત્સવ, મહાપ્રસાદ યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. - કોઠારામાં ઉજવણી : સવારે દરિયાસ્થાનમાં આવેલા મંદિરમાં પૂજન, મહાઆરતી, બપોરે અવધ કે રામ ગ્રુપ કોઠારા દ્વારા રવાડીનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં મોટી સંખ્યામાં ભાઇ-બહેનો ઊમટી પડયા હતા. - ભચાઉમાં આસ્થાભેર ઉજવણી : ભચાઉ લોહાણા મહાજન દ્વારા ભગવાન રામચંદ્રજીની જન્મ જયંતીની આસ્થાભેર ઉજવણી કરાઈ હતી. સવારથી માંડવી ચોક સ્થિત દરિયાસ્થાન  મંદિર ખાતે  ભીડ જામી હતી. બપોરે રામ જન્મોત્સવના પ્રાગટય પર્વે સ્તુતિ, પાર્થના, આરતી બાદ પ્રસાદનું વિતરણ કરાયું હતું. પ્રસાદના દાતા અંબાલાલ ઠક્કર રહ્યા હતા.  શહેરના દરિયાસ્થાનથી  ભગવાનની રથાયાત્રા નીકળી હતી, જેમાં નાના બાળકોની રામાયણની વશેભૂષાએ આકર્ષણ જગાવ્યું હતું. રવાડીનાં દર્શનમાં મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ ઊમટી હતી. દરિયાલાલની આરતી દિનેશભાઈ બાબુલાલ પરિવાર અને રામચંદ્ર ભગવાનની આરતી વિશનજી  ભીંડે  પરિવાર  તથા જલારામ બાપાની આરતીનો ઈશ્વરલાલ ઠક્કર પરિવારે લાભ લીધો હતો  તેમજ પારણું ઝૂલાવવાનો લાભ રમેશભાઈ  ચંદે પરિવારને મળ્યો હતો. પૂજનવિધિ માધવરાય  સાધુએ સંપન્ન કરાવી હતી. વેળાએ સારસ્વત બ્રાહ્મણ હાજર રહ્યા હતા. બપોરે મહાજનવાડી ખાતે સમૂહપ્રસાદ કાર્યક્રમ યોજાયો હતો.મહાજનના પ્રમુખ હર્ષદભાદ કાથરાણી, ઉપપ્રમુખ પ્રવીણભાઈ ચંદે, મંત્રી અશ્વિનભાઈ અનમ, સહમંત્રી જિતેન્દ્રભાઈ જોબનપુત્રા, કારોબારી સભ્ય હરેશભાઈ ઠક્કર, ભરત સોમેશ્વર, સુરેશ પૂજારા, મનસુખભાઈ ઠક્કર, મહિલા મંડળના ત્રિવેણીબેન ઠક્કર, વર્ષાબેન ચંદે,  સુશીલાબેન અનમ, યુવક મંડળના મિલનભાઈ  કોટક, જગદીશ રૂપારેલ, ધીરૂભાઈ કોટક સહિતના  હાજર રહ્યા હતા. અરજણ કાનજી ટ્રસ્ટ સંચાલિત જલારામ મંદિર દ્વારા રવાડીના સ્વાગત બાદ પ્રસાદનું વિતરણ કરાયું હતું. જલારામ મંદિરના 18મા પાટોત્સવે  જ્ઞાતિજનો દ્વારા આરતી કરાઈ હતી. પૂર્વ નગરપતિ કુલદીપસિંહ જાડેજા સહિતનાએ મહાજનના અગ્રણીઓને શુભેચ્છા પાઠવી હતી. અવસરે લોહાણા સમાજના લોકોએ  વેપાર -વ્યાવસાય સ્થાનો બંધ  રાખ્યા હતા. તાલુકાના  સામખિયાળી, લાકડિયા, જંગી, ચીરઈ, નંદગામ, મેઘપર, કરમરિયા સહિતનાં ગામોમાં રામ જન્મોત્સવની ઉજવણી નિમિત્તે ગ્રામીણ સંસ્કૃતિના રાસગરબાના કાર્યક્રમ સાથે ઉજવણી કરાઈ હતી. મોગલાધામ કબરાઉ, હનુમંતધામ, ઈશ્વરિયા મહાદેવ,  સેજનાથ દાદા-ખારોઈ, ડોરીધામ કડોલ, નેર પાબુદાદા, જંગી મેકરણ અખાડે કરગરિયા મહાદેવ મધ્યે  દર્શનાર્થીઓની ભીડ ઊમટી હતી. ભચાઉ ઉપરાંત  આધોઈ, સરદારનગર, ચીરઈ મોટી નવી, કંથકોટ, ચોબારી, મનફરા, ખારોઈમાં ભુજ નરનારાયણ દેવ હસ્તેના સ્વામિનારાયણ મંદિરોમાં ગુણાતીતપુર બી..પી.એસ. મંદિરોમાં રામજન્મ અને રાત્રે સ્વામિનારાયણ ભગવાનના જન્મોત્સ્વની ઉજવણી કરાઈ હતી. - રાપર બન્યું રામમય : મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજીનો અને ઘનશ્યામ મહારાજનો જન્મોત્સવ ઊજવવામાં આવ્યો હતો. ત્રણ ત્રણ શોભાયાત્રાથી રાપરના માર્ગો જય જય શ્રીરામના નાદથી ગુંજી ઊઠયા હતા. સવારે હિન્દુ યુવા સંગઠન દ્વારા ભગવાન રામની શોભાયાત્રા આથમણા નાકે આવેલાં રામમંદિરથી નીકળી હતી, જે માંડવી ચોક, ભૂતિયા કોઠા શહેરના વિવિધ વિસ્તારો થઇ પરત રામમંદિર પહોંચી હતી. બપોરે બાર વાગ્યે ભગવાન રામલલ્લાની આરતી દરિયાસ્થાન સહિતનાં તમામ રામમંદિરોમાં કરવામાં આવી હતી. શોભાયાત્રામાં સંત ત્રિકાલદાસજી મહારાજ, હિન્દુ યુવા સંગઠનના યુવાનો, વિશ્વ હિન્દુ પરિષદના જગુભા જાડેજા, બજરંગ દળના ભરત મારાજ સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. બપોરે સ્વામિનારાયણ મંદિર દ્વારા સંતોના સાંનિધ્યમાં સ્વામિનારાયણ મંદિરેથી રામ ઘનશ્યામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, તો લોહાણા મહાજન દ્વારા પરંપરાગત રવાડી દરિયાસ્થાન મંદિરેથી નીકળી હતી, જે મુખ્ય માર્ગો પર ફરીને દેના બેંક ચોકમાં આવી હતી, જ્યાં સ્વામિનારાયણ મંદિરની શોભાયાત્રા સાથે સંયુક્ત રીતે ફરીને માંડવી ચોકમાં આવી હતી. માંડવી ચોક મિત્રમંડળ દ્વારા શોભાયાત્રાનું પુષ્પવૃષ્ટિ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રસંગે રાપર સ્વામિનારાયણ મંદિરના સંતો કે.પી. સ્વામી, કપિલમુનિ સ્વામી, ભજન પ્રકાશ સ્વામી, સત્સંગ સેવક સ્વામી, વિનોદભાઈ દાવડા, રસિક મોરબીઆ, લોહાણા મહાજન પ્રમુખ રાજેશભાઈ ચંદે, બળવંતભાઈ ઠક્કર, નીતિનભાઇ ઠક્કર, દિનેશ ચંદે, વસંતલાલ આદુઆણી, ભોગીલાલ મજીઠિયા, ભરતભાઈ ઠક્કર, યુવક મંડળ અને મહિલા મંડળ, લોહાણા કન્યા છાત્રાલયના હોદ્દેદારો, બાળાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રસ્તામાં વિવિધ મંડળો દ્વારા પાણી તથા ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાત્રે સ્વામિનારાયણ મંદિરોમાં ઘનશ્યામ જન્મોત્સવ ઊજવવામાં આવ્યો હતો. - ખાવડા લોહાણા મહાજન દ્વારા ઉજવણી : ખાવડા લોહાણા મહાજન પ્રેરિત યુવક મંડળ આયોજિત રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.બપોરે મોરલી મનોહર મંદિરથી શોભાયાત્રા નીકળી હતી. ત્યારબાદ રામમંદિરમાં મહાઆરતી અને ગરબા પછી સમૂહ મહાપ્રસાદ (ફરાળ) સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.  મહાજનના પ્રમુખ હીરાલાલ રાજદે, ઉપપ્રમુખ વિપુલભાઈ તન્ના, સભ્યો નરેન્દ્ર સોતા, ભરતભાઇ કક્કડ, જમનાદાસ દાવડા, શશિકાંત સોતા, વેપારી અગ્રણી ધીરજ રાજદે, મણિલાલ કક્કડ, વસંતભાઇ દાવડા, મહેશભાઇ કોટક, મહિલા કાર્યકરો પરિતાબેન  રાજદે, પૂજાબેન ઠક્કર, ગીતાબેન કક્કડ વિ. સાથે રહ્યા હતા. યુવક મંડળ પ્રમુખ રોનક સોતા, ઉપપ્રમુખ મિલન દાવડા, મંત્રી પાર્થ ગણગણાત્રા, દર્શન કેસરિયા, અતુલ રાજદે, દીક્ષિત કોટક, ગૌતમ કેસરિયા વિ. વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો. - ભીમાસરમાં રથયાત્રા નીકળી : અંજાર તાલુકાના ભીમાસર ખાતે રામનવમી નિમિત્તે રથયાત્રા નીકળી હતી. મુખ્ય મહેમાન યાદવ મહાસભા ગુજરાત પ્રદેશના પ્રમુખ, આહીર કન્યા વિદ્યાલય ભુજોડીના પ્રમુખ, ઉદ્યોગપતિ બાબુભાઇ હુંબલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી વી. કે. હુંબલ અને સ્વામિનારાયણ મંદિરના સંતો રહ્યા હતા. ભુજ સ્વામિનારાયણ મંદિરના શાત્રી સ્વામી દિવ્યપ્રસાદદાસજી, સ્વામી ભક્તિપ્રસાદદાસજી, બાબુભાઇ વેલજી ડાંગર, બાબુભાઇ ધમાભાઇ ડાંગર દ્વારા યાત્રાને પ્રસ્થાન કરાવાયું હતું. રથયાત્રાના દોઢ કિલોમીટરના રૂટમાં બહેનો દ્વારા પુષ્પોનો વરસાદ કરવામાં આવ્યો હતો. ભીમાસર જૂનાગામ ચોક ઠાકર મંદિરે સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં 21,000નો સહયોગ વોટ્સએપ ગ્રુપ મારફત મળ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા ગામના સૌ આગેવાનોનો સહયોગ પ્રાપ્ત થયો હતો, એવું અંજાર તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી બી.એન.આહીરે જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang