• બુધવાર, 01 મે, 2024

રામભક્તિના રંગમાં રંગાયું વાંઢાય

વિથોણ (તા. નખત્રાણા), તા. 17 : સંતોની તપોભૂમિ વાંઢાય રામભક્તિના રંગમાં રંગાયું હતું. સવારે ઓધવરામજી મહારાજની પાલખીયાત્રા ઇશ્વર આશ્રમેથી નીકળીને ઉમિયા માતાજી મંદિરે પહોંચી હતી. જ્યાં સ્થાપિત ઓધવરામજી અને લાલરામજી મહારાજની પ્રતિમાને હારારોહણ કરાયું હતું, જેમાં હજારો ભાવિકો જોડાયા હતા. ઓધવરામજીની જન્મ જયંતીએ ઇશ્વર આશ્રમ રામમંદિર સાધના કુટિર અને ઉમિયા માતાજી મંદિર પરિસર રામમય બની ગયા હતા. વાંઢાયમાં પરંપરા મુજબ રામનવમીએ મેળો યોજાય છે. દેવદર્શનની સાથે સેંકડો સહેલાણીઓ મેળાની મોજ માણવા રામમંદિર પરિસરમાં ઊમટયા હતા. શોભાયાત્રામાં આશ્રમના વર્તમાન સંત મોહનદાસજી, ઉમેશદાસજી અને અન્ય સંતો બિરાજ્યા હતા. શોભાયાત્રા ઉમિયા માતાજી મંદિરે પહોંચી હતી. જ્યાં સંસ્થાના હોદ્દેદારો અને ટ્રસ્ટીઓએ શોભાયાત્રાનું સામૈયું તેમજ સંતોનું અભિવાદન કર્યું હતું. આજે તા. 18-4થી ઇશ્વર આશ્રમ ખાતે યોજાનારા સતયુગી ભાગવત સાવિત્રી જ્ઞાનયજ્ઞ અનુસંધાને ઉમિયા માતાજી મંદિરેથી પોથીયાત્રા નીકળી હતી, જે કથા મંડપમાં સ્થાપિત કર્યા પછી આશ્રમના મહંત મોહનદાસજી ગુરુ કરશનરામજી મહારાજે આશીર્વચન આપ્યા હતા. કથાનું રસપાન અશ્વિનભાઇ કાપડિયા કરાવશે. કથાના યજમાન જગદીશભાઇ શામજી વાસાણી- વડવા કાંયા હાલે વડાગામ છે, તેવું જણાવ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang