• મંગળવાર, 30 એપ્રિલ, 2024

ગાંધીધામમાં પીવાનાં પાણી મુદ્દે ભુજ `વાળી'થવાની ભીતિ

રમેશ ધેડા દ્વારા  : ગાંધીધામ, તા. 16 : કાળઝાળ ગરમીના દોરનો આરંભ થતાંની સાથે પંચરંગી નગરમાં પીવાનાં પાણીની કિલ્લત વર્તાઈ રહી છે. જળના એકેય સ્ત્રોત વિકસાવવામાં આવતા ગાંધીધામ નર્મદા આધારિત બની ગયું છે. ત્યારે લાઈન તૂટી જવાની કે બત્તી ગુલ થવાના બનાવો ઊભા થશે તો સંકુલમાં પણ ભુજ જેવી વિકટ પરિસ્થિતિનું નિર્માણ થવાની ભીતિ વ્યકત કરાઇ રહી છે. નગરપાલિકાના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગાંધીધામમાં જનસંખ્યાના આધારે હાલે 42 એમએલડી પીવાના પાણીની જરૂરિયાત છે. જેની સામે સુધરાઇને માત્ર 32 એમએલડી જળ મળે છે. આવી રીતે આદિપુરમાં 12 એમએલડીની માંગ સામે માત્ર 7 એમએલડી જેટલું નીર ઉપલબ્ધ થાય છે. જળની ઠેબે ચડેલી વિતરણ વ્યવસ્થાને લીધે શહેરીજનોને સપ્તાહમાં એક વખત જળ નસીબ થતું હોવાની રાવ ઉઠી રહી છે. ઉપરાંત લાઈટ જવાના કે લાઈનો તૂટવાના બનાવો પ્રકાશમાં આવતા જળ વિતરણ વ્યવસ્થાને માઠી અસર ઊભી કરે છે. આદિપુરમાં થોડા સમય પહેલા પાણીની સમસ્યા ઊભી થયાનું ખુદ સુધરાઇના મુખ્ય અધિકારી સંજય રામાનુજ જણાવી રહ્યા છે, પરંતુ સમસ્યાનું નિરાકરણ લાવવાની વાત તેમણે કરી હતી. બીજીતરફ નગરપાલિકાના પાણી વિભાગના મિસ્ત્રી દિનેશભાઈ પુજારાનો સંપર્ક સાધતાં તેમણે, જોડીયાનગરમાં જરૂરિયાત સામે ઓછા પ્રમાણમાં પાણી આવે છે. જેના લીધે વિતરણ વ્યવસ્થાને અસર પહોંચતી હોવાની વાત કરી હતી. ત્યારે પાણી પુરવઠા વિભાગ માંગણી મુજબ જળનું વિતરણ કરે છે અને મીટરના હિસાબે બિલની વસુલાત કરે છે. તેમ છતાં પૂરતા પ્રમાણમાં કેમ નીર આવતું નથી? તેવો પ્રશ્ન લોકોમાંથી ઊઠી રહ્યો છે. ગાંધીધામ-આદિપુરમાં ઉનાળાના આરંભથી પીવાના પાણીની ફરીયાદો ઉદભવી રહી છે. તેમ છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ઠોસ નિર્ણય લેવાયો નથી. હાલે ગાંધીધામમાં નર્મદામાંથી જળનું વિતરણ કરાય છે, પરંતુ લાઈનો લીકેજ, રીપેરીંગ તેમજ લાઈટ જવાના કિસ્સામાં વિતરણ વ્યવસ્થાને ગંભીર અસર પહોંચે છે. વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પાણી પુરવઠા વિભાગ દ્વારા પૂરતા પ્રમાણમાં જળનું વિતરણ કરાય છે, પરંતુ લોકોને મળવાપાત્ર જળનો ટાંકામાં સંગ્રહ કર્યા બાદ ખાનગી પાણીના પ્લાન્ટ તેમજ હોટેલ, સહિતના એકમોમાં ઠાલવી દેવાય છે તેમજ તૂટેલી લાઈનોનું મરમ્મત કામ થતા કેટલોક જથ્થો વેડફાઈ જાય છે. જેના લીધે પણ સમસ્યા ઉદભવે છે. ત્યારે ગરમીનો દોર જામવાની શરૂઆત થઈ ચૂકી છે, આવા સંજોગોમાં ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવી જળસ્ત્રોત ઊભો કરવો જરૂરી બની ગયો છે. અન્યથા કચ્છના આર્થિક પાટનગરમાં પણ ભુજ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવાની સંભાવના લોકો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે. - ટાંકા બનાવાશે, પણ પાણીના જથ્થાનાં આયોજનનું શું? : પાણીનું સુચારૂ વિતરણ થઈ શકે તેના માટે નગરપાલિકા દ્વારા રામલીલા મેદાન, આદિપુર વગેરે સ્થળોએ નવા ટાંકા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ આદિપુર અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા બોર ઉપર આધારિત છે. જ્યારે ગાંધીધામ નર્મદા આધારિત છે. ત્યાંથી પણ પૂરતા પ્રમાણમાં જળનું પ્રમાણ આવતું નથી. આવી સ્થિતિમાં પાણી નહિ આવે તો ટાંકા બનાવીને શું કરાશે? વધારાના જથ્થાના આયોજનનું શું? તેવો સવાલ જાણકારો દ્વારા કરાઇ રહ્યો છે.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang