• મંગળવાર, 30 એપ્રિલ, 2024

મુંબઇમાં સંગીત કાર્યક્રમમાં કેન્સરના દર્દીઓ ઝૂમી ઊઠયા

કનૈયાલાલ જોશી દ્વારા : મુંબઇ, તા. 16 : સુખી વર્ગના લોકો જન્મદિવસની ઉજવણી હોટલ કે રિસોર્ટમાં કરે. મિત્રો-સગાસંબંધીને આમંત્રીને પાર્ટી-જલસો કરે, પણ હાલમાં એક કચ્છીમાડુ દિનેશ શાહ (માપર) 65મા જન્મદિનની ઉજવણી 400 જેટલા કેન્સરના દર્દીઓ સાથે કરી હતી. સંગીતનો જલસો યોજીને દર્દીઓને નાચતા કરી દીધા હતા. સાયન-કોલીવાડામાં હિલ સ્ટેશન સમી જગ્યા હનુમાન ટેકરીએ જ્યાં દેશભરમાંથી ટાટા હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓને રાખવામાં આવે છે. વિશ્વ હિન્દુ પરિષદના સેવા વિભાગ શિવ કલ્યાણ ટ્રસ્ટ તરફથી કેન્સર રોગીઓને રહેવા-જમવા અને એમ્બ્યુલન્સ સેવાની સગવડ વિનામૂલ્યે આપવામાં આવે છે. 200 જેટલા દર્દી અહીં રહી શકે છે. દિનેશ જેઠાલાલ શાહ (માપર) કહ્યું કે, હનુમાન ટેકરી હિલ સ્ટેશન જેવી જગ્યા છે. અહીં કેન્સર રોગીઓને સેવા અપાય છે વાત મુંબઇમાં ઓછા લોકોને ખ્યાલ છે. વળી સારવાર માટે દર્દીઓ ગરીબ વર્ગના છે, એટલે લોકો પણ આનંદ માણી શકે એવા આશયથી અહીં જન્મદિવસ મનાવવાનો વિચાર આવ્યો હતો, જેને પગલે કિશોર ભાનુશાલી અને પ્લેબેક સિંગર અનુપમા શ્રીવાસ્તવનો ગીત-સંગીતનો મનોરંજન કાર્યક્રમ રાખ્યો હતો, જે ત્રણ કલાક ચાલ્યો હતો. દર્દીઓ એટલા આનંદમાં આવી ગયા હતા કે મસ્તીના ગીત પર નાચ્યા હતા. જન્મદિનની મજા માણવા દિનેશ શાહના સ્કૂલ સમયના મિત્રો છેક જૂનાગઢ, પોરબંદર અને અમદાવાદથી આવ્યા હતા. વિલેપાર્લેથી બે બસ દ્વારા મિત્રો આવ્યા હતા. પ્રસંગે આવેલા લોકોએ સેન્ટરના જુદા જુદા વિભાગોની મુલાકાત લીધી હતી. દર્દીઓને ફળનું વિતરણ કરાયું હતું. શિવ કલ્યાણ ટ્રસ્ટની સેવાઓની સૌ મુલાકાતીઓએ પ્રશંસા કરી હતી અને જન્મદિવસની ઉજવણી અનેરા સેવા કેન્દ્ર ખાતે કરીને પ્રેરણાદાયી કાર્ય કર્યાની ભાવના વ્યક્ત કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang