• મંગળવાર, 30 એપ્રિલ, 2024

સાપેડા ખાતે નારીશક્તિ દ્વારા યોજાયાં સમરસ સમૂહલગ્ન

ચોબારી, તા. 16 : કચ્છભરમાંથી વિવિધ જ્ઞાતિની બહેનોએ સાવિત્રીબાઈ ફૂલે કચ્છ કલા મહાસંઘની સ્થાપના કરી  હતી. સંસ્થા દ્વારા યોજાયેલા  સમરસ સમૂહલગ્નમાં જરૂરિયાતમંદ પરિવારના યુગલો જોડાયાં હતાં. જિલ્લાની વિવિધ જ્ઞાતિના 11 જેટલાં બહેનો કે, જેઓ વિવિધ કલા સાથે જોડાયેલાં છે તેમાં રસીલાબેન ડુંગરીયાની આગેવાનીમાં લક્ષ્મીબેન રબારી, સતિબેન આહીર, કસ્તુરબેન ગરવા, વાલુબેન કચ્છી, રતિબેન મેરીયા, ભચીબેન શેખવા, બેનાબેન મેરીયા, ગીતાબેન ડુંગરીયા, રાધાબેન મેરીયા અને પારૂલબેન શેખવા જોડાયા છે.   મંડળે સાથે મળીને સમાજના હિત માટે વિવિધ જ્ઞાતિઓઁને જોડીને સમરસતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. એકથી દોઢ મહિનાના સમયગાળામાં બહેનોએ કચ્છના વિવિધ ગામડાઓનો સંપર્ક કરી જરૂરીયાતમંદ મહિલાઓ સુધી પહોંચ્યાં હતાં. કોઈ પણ નાત જાતના ભેદભાવ વિના  સમરસતાપૂર્વક સમૂહલગ્નના મિશનને સાકાર કર્યું હતું. અંજાર તાલુકાના સાપેડા ખાતે યોજાયેલા  સમૂહલગ્નમાં 8 યુગલે પ્રભુતામાં પગલાં પાડયા હતાં. દાતાઓના સહયોગથી કરિયાવરમાં વિવિધ ભેટસોગાદો આપવામાં આવી હતી. સમૂહલગ્નમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા સાંસદ વિનોદભાઈ ચાવડાએ સમૂહલગ્નના પ્રસંગને પ્રેરણાદાયી લેખાવ્યો હતો. અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ કચ્છમાં સૌપ્રથમ વખત થયેલાં આયોજનને બિરદાવ્યું હતું. પૂર્વ રાજયમંત્રી વાસણભાઈ આહીરે મંચ ઉપર બહેનોને 1.51 લાખનું કવર અર્પણ કર્યું હતું અને માતૃશક્તિના કાર્યને બિરદાવ્યું હતું. લઠેડીના  પડદપીરની જગ્યાના મહંત વેલજીદાદા અને દિનેશદાદાએ ખાસ હાજરી આપી હતી. નડિયાદથી આવેલા કાર્તિકબાપુ અને અંજારના મનીરામ બાપુએ યુગલોને કોમ અને તલવારની  પ્રતિક ભેટ આપી હતી અને જીવનમાં સાવિત્રીબાઈ ફુલે  અને રાણી લક્ષ્મીબાઈ જેવા બનવા હાકલ કરી હતી. ચીરઈ કલા મંદિરના સાર્થીદાસ સહિત  સંતો ઉપસ્થિત રહ્યા હતા. હનુમાન ટેકરીના મહંત સીતારામ દાસ બાપુએ સંતોનું સન્માન કર્યું હતું. લગ્નવિધિ કરમણ મારાજે કરાવી હતી. કાર્યક્રમમાં સામાજીક ન્યાય સમિતિના ચેરમેન લક્ષ્મણભાઈ મેરીયા, શામજીભાઈ વાણીયા, વિનોદ સોલંકી, મગન મઢવી, રાજેશ શેખવા, નરેશ મહેશ્વરી, શંભુભાઈ રબારી ઉપસ્થિત રહ્યા હતા. આયોજનમાં ધારાશાત્રી બાબુભાઈ પરમાર, પત્રકાર રામજી મેરિયાએ માર્ગદર્શન પૂરૂં પાડયું હતું. સુગારીયા અને સાપેડાના ગ્રામજનોએ વ્યવસ્થા સંભાળી સહકાર આપ્યો હતો. સંચાલન કસ્તુરબેન ગરવા, લક્ષ્મીબેન રબારીએ કર્યું હતું. રસીલાબેન ડુંગરીયાએ આભારવિધિ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang