• મંગળવાર, 30 એપ્રિલ, 2024

બન્ને મુખ્ય રાજકીય પક્ષના ઉમેદવારોનાં નામાંકન સાથે કચ્છમાં ચૂંટણી માહોલ ગરમાયો

ભુજ, તા. 16 : આગામી લોકસભાની ચૂંટણી અન્વયે કચ્છની બેઠક માટે આજે મુખ્ય બે રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વિનોદભાઇ ચાવડા અને નીતેશ લાલણે પોતાના પક્ષના આગેવાનો અને કાર્યકરોના સમૂહ સાથે વિધિવત્ રીતે નામાંકનપત્ર રજૂ કરતા ચૂંટણી માટેના જંગનો પ્રારંભ કરાવ્યો હતો. બન્ને પક્ષે વાજતેગાજતે બપોરે 12.39ના વિજયમુહૂર્તે ફોર્મ રજૂ કર્યા હતા. બન્ને મુખ્ય પક્ષની દાવેદારી સાથે કચ્છની ચૂંટણી પ્રક્રિયા વેગવંતી બની હતી. ભારતીય જનતા પાર્ટી વતી ઉમેદવાર વર્તમાન સાંસદ વિનોદભાઇ ચાવડાએ જિલ્લા કલેકટર કચેરીએ જઇને ફોર્મ ભર્યું તે પહેલાં અન્વયે રોડ શો (વિજય સંકલ્પ રેલી) અને બાદમાં પક્ષના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલની ઉપસ્થિતિમાં સભા યોજી હતી, તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર નીતેશ લાલણે તેમનું ફોર્મ રજૂ કર્યું તે પહેલાં વાગડ બે ચોવીસી સમાજવાડી ખાતે પક્ષના પ્રદેશ અધ્યક્ષ શક્તાસિંહ ગોહિલની હાજરીમાં વિજય વિશ્વાસ સંમેલન યોજ્યું હતું. બન્ને પક્ષની ફોર્મ રજૂ કરવાની પ્રક્રિયા અને તેના અનુસંધાને યોજાયેલા કાર્યક્રમો થકી જબ્બર રાજકીય માહોલ સર્જાવા સાથે બન્ને પક્ષના જિલ્લાના વિવિધ વિસ્તારના આગેવાનો અને કાર્યકરોના સવારથી જમાવડા સાથે ગતિવિધિઓ જોવા મળી હતી.  શહેરમાં સંતોષ સોસાયટી સ્થિત ભાજપના કાર્યાલય ખાતેથી રોડ શોની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં પક્ષના જિલ્લા પ્રમુખ દેવજીભાઇ વરચંદ, ઉમેદવાર શ્રી ચાવડા ઉપરાંત ધારાસભ્ય કેશુભાઇ પટેલ, માલતીબેન મહેશ્વરી, વીરેન્દ્રાસિંહ જાડેજા, પ્રદ્યુમનાસિંહ જાડેજા, અનિરુદ્ધભાઇ દવે અને ત્રિકમભાઇ છાંગા ઉપરાંત અગ્રણીઓ કાંતિભાઇ અમૃતિયા (મોરબી), પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઇ ગઢવી, સંગઠન પ્રભારી કશ્યપ શુક્લા, અગ્રણીઓ જિવાભાઇ આહીર, કૌશલ્યાબેન માધાપરિયા, પારુલબેન કારા, પંકજભાઇ મહેતા, પક્ષના જિલ્લા મહામંત્રી ધવલ આચાર્ય, દિલીપ શાહ, નરેન્દ્ર પ્રજાપતિ સહિતના જોડાયા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શ્રી લાલણ દ્વારા નામાંકન રજૂ કરાયું તે પહેલાં વી.બી.સી. વાડી ખાતે આયોજિત વિજય વિશ્વાસ સંમેલનમાં પક્ષના પ્રદેશ અધ્યક્ષ શક્તાસિંહ ગોહિલ, પ્રભારી નુસરત જ્હાં, જિલ્લા અધ્યક્ષ યજુર્વેન્દ્રાસિંહ જાડેજા, અગ્રણીઓ હરપાલાસિંહ ચૂડાસમા, વી.કે. હુંબલ, સલીમ જત, ઉમર સમા, વાલજીભાઇ દનિચા, જુમ્માભાઇ નોડે,  રામદેવાસિંહ જાડેજા, ચેતન જોશી, ઘનશ્યામાસિંહ ભાટી, ગનીભાઇ કુંભાર, કિશોરદાન ગઢવી વગેરે જોડાયા હતા. શ્રી ચાવડા સાથે ફોર્મ રજૂ કરતી વેળાએ પ્રભારી અમિત ઠાકર, કશ્યપ શુકલા, જિલ્લા પ્રમુખ દેવજીભાઇ, કચ્છ અને મોરબીના સાતેય ધારાસભ્ય, ડમી ફોર્મ ભરનાર અશોક હાથી,  લીગલ સેલની ટીમના સદસ્યો જોડાયા હતા.જ્યારે કોંગ્રેસી ઉમેદવાર દ્વારા ફોર્મ રજૂ કરાયું તે વેળાએ તેમની સાથે જિલ્લા પ્રમુખ યજુર્વેન્દ્રાસિંહ, અગ્રણીઓ આદમભાઇ ચાકી, નવલાસિંહ જાડેજા, એડવોકેટ અમીરઅલીભાઇ લોઢિયા, વી.કે. હુંબલ, ઘનશ્યામાસિંહ ભાટી, ભચુભાઇ આરેઠિયા વગેરે જોડાયા હતા. - ત્રીજા દિવસે કચ્છમાં પાંચ ઉમેદવારી ફોર્મ ભરાયાં : ભુજ, તા. 16 : કચ્છમાં ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા વિધિવત્ રીતે શરૂ થયા બાદ ત્રીજા દિવસે પાંચ ઉમેદવારીપત્ર ભરાયા હતા. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારોએ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ફોર્મ ભર્યા હતા.  જિલ્લા ચૂંટણી શાખામાંથી મળેલી વિગત અનુસાર મંગળવારે ભાજપ પક્ષમાંથી વિનોદ લખમશી ચાવડા અને તેમના ડમી તરીકે અશોક હાથી, કોંગ્રેસ પક્ષમાંથી નીતેશ પરબત લાલણ અને તેમના ડમી તરીકે નારાણ પચાણ મહેશ્વરી તો બહુજન સમાજ પાર્ટીમાંથી ભાચરા વિજય વાલજીએ કલેકટર અમિત અરોરા સમક્ષ ફોર્મ ભર્યું હતું. અધિક નિવાસી કલેક્ટર મીતેશ પંડયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈ સહિત હાજર રહ્યા હતા.                           

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang