નવી દિલ્હી, તા.13 : હોળીના પર્વે
દેશને મોટી ભેટ આપતાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન (ઈસરો)એ સ્પૈડેકસ ઉપગ્રહનું સફળતાપૂર્વક
અનડોકિંગ (અલગ કર્યા) કરી લીધું હતું. ઉપગ્રહને અલગ કરવાની કવાયતમાં સફળતા સાથે જ ચંદ્રયાન-4 માટેનો માર્ગ મોકળો બની ગયો છે. હકીકતમાં
ઉપગ્રહોને જોડવાની પ્રક્રિયાને ડોકિંગ, અલગ કરવાને અનડોકિંગ કહે છે. ઈસરોએ ગુરુવારે જણાવ્યું હતું કે, સ્પૈડેકસ ઉપગ્રહોને અલગ કરવામાં સફળતાથી ચંદ્રની શોધ, માનવ અવકાશ ઉડાન અને પોતાનું અવકાશ મથક બનાવવા જેવા ભવિષ્યનાં મિશનો માટેનો
રસ્તો સાફ થઈ ગયો છે. કેન્દ્રીય વિજ્ઞાન, ટેક્નોલોજી રાજ્યમંત્રી
જીતેન્દ્રસિંહે આ સફળતા બદલ ઈસરો અને તેના વૈજ્ઞાનિકોને વધામણી આપી હતી. તેમણે `એકસ'
પર નોંધ્યું હતું કે, આ દરેક ભારતીય માટે ખુશીની
ક્ષણ છે. ઈસરો સ્પૈડેકસ ઉપગ્રહોને અલગ કરવાની કવાયતમાં સફળતા મેળવી છે. અનડોકિંગથી
ચંદ્રયાન-4 ઉપરાંત ગગનયાન, સ્પેસ સ્ટેશન સહિત ભવિષ્યનાં મહત્ત્વકાંક્ષી
મિશનોમાં ઘણી મદદ મળશે, તેવી લાગણી કેન્દ્રીય પ્રધાને વ્યક્ત
કરી હતી. ઈસરોએ એક્સ ઉપર કરેલી પોસ્ટમાં અનડાકિંગ સફળ રહ્યું હોવાની માહિતી આપી હતી.
કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રધાન ડો. જીતેન્દ્રાસિંહે પણ ઈસરોની ટીમને અભિનંદન
પાઠવ્યાં હતાં. તેમણે લખ્યું હતું કે, ટીમ ઈસરોને અભિનંદન. આ
દરેક ભારતીય માટે ઉત્સાહજનક સમાચાર છે ! સ્પૈડેક્સ સેટેલાઇટ્સે ડી-ડાકિંગની અવિશ્વસનીય
સિદ્ધિ મેળવી છે. તેમણે વધુમાં લખ્યું હતું કે, અનડાકિંગ સફળ
રહેવાથી ભારતીય અંતરીક્ષ સ્ટેશન, ચંદ્રયાન-4 અને ગગનયાન સહિત મહત્ત્વાકાંક્ષી ભવિષ્યનાં
મિશન માટે માર્ગ મોકળો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી આનાં માટે સતત સમર્થન
અને પ્રોત્સાહન મળી રહ્યું છે. સ્પેસ ડાકિંગ એક્સપેરિમેન્ટ મિશન 30 ડિસેમ્બર, 2024ના સતીશ ધવન
સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. બે ઉપગ્રહ એસડીએક્સ-01 અને એસડીએક્સ-02 16 જાન્યુઆરીના ડોક કરવામાં આવ્યા
હતા. અમેરિકા, રશિયા અને ચીન પછી સ્પેસ
ડોકીંગ સફળતાપૂર્વક પાર પાડનાર ભારત વિશ્વનો ચોથો દેશ છે. ઈસરોના મતે સ્પેડેક્સ મિશન
એક કોસ્ટ ઈફેક્ટિવ મિશન છે, જેનો ઉદ્દેશ્ય બે નાનાં અવકાશયાનનો
ઉપયોગ કરીને સ્પેસ ડોકીંગ કરવાનો હતો.