• સોમવાર, 27 ઑક્ટોબર, 2025

પાક સાથેના સંબંધો ભારતના ભોગે નહીં : અમેરિકા

વોશિંગ્ટન, તા. 26 : આતંકપરસ્ત પાકિસ્તાન સાથે અમેરિકાની વધતી નિકટતાએ ભારત માટે ચિંતા સર્જી છે, ત્યારે અમેરિકાએ જણાવ્યું છે કે, પાકિસ્તાન સાથે અમેરિકાના સંબંધો મજબૂત થશે, પણ તે ભારત સાથેની મિત્રતાના ભોગે નહીં. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું છે કે, વોશિંગ્ટન અને પાકિસ્તાન વચ્ચે વધતી જતી નિકટતા ભારત સાથે અમેરિકાની મજબૂત ભાગીદારી પર અસર કરશે નહીં. જો કે, રુબિયોએ સ્પષ્ટ કર્યું કે, અમેરિકાનો ઉદ્દેશ પાકિસ્તાન સાથેના તેના સંબંધોને ફક્ત આતંકવાદ વિરોધી સહયોગ પૂરતો મર્યાદિત રાખવાનો નથી, પરંતુ આર્થિક અને વ્યૂહાત્મક સ્તરે પણ ભાગીદારીને વિસ્તૃત કરવા માટે કામ કરવાનું છે. રુબિયોએ કહ્યું હતું કે, ભારત સાથેના અમારા સંબંધો ઊંડા, ઐતિહાસિક અને અત્યંત મહત્ત્વપૂર્ણ છે. પાકિસ્તાન સાથેની અમારી ચર્ચાઓ ભારતની કિંમતે થઇ રહી નથી. અમેરિકા એક વ્યાવહારિક વિદેશનીતિ અપનાવી રહ્યું છે, જે એકસાથે અનેક દેશો સાથેના સંબંધોને મજબૂત બનાવે છે. ભારત એક ખૂબ જ પરિપક્વ દેશ છે અને વિવિધ દેશો સાથે સંબંધોની જરૂરિયાતને સમજે છે. તેમણે જણાવ્યું હતું કે, યુ.એસ. પાકિસ્તાન સાથે એક નવું વ્યૂહાત્મક જોડાણ બનાવવા માગે છે.  અમે પાકિસ્તાન સાથે કામ કરવા તૈયાર છીએ. અમે જાણીએ છીએ કે, પડકારો હશે, પરંતુ અમે મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવાની તકો શોધી રહ્યા છીએ. રુબિયોએ એમ પણ કહ્યું હતું કે, યુ.એસ. અને પાકિસ્તાન વચ્ચે આતંકવાદ વિરોધી સહયોગની લાંબા સમયથી ભાગીદારી છે અને વોશિંગ્ટન હવે તેના પર નિર્માણ કરવા માગે છે. રુબિયોએ કહ્યું છે કે, પાકિસ્તાન સાથે અમેરિકાના સંબંધો ભારત સાથે ઊંડા, ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ સંબંધને નુકસાન નથી કરવાના. અમેરિકા પાકિસ્તાન સાથે પોતાના સંબંધોને વધુ મજબૂત કરવાની તક જોઈ રહ્યું છે. રુબિયોએ પત્રકારોના સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે, ભારતે પાકિસ્તાન સાથેના અમેરિકાના સંબંધો અંગે કોઈ ચિંતા વ્યક્ત કરી નથી. જો કે, ઐતિહાસિક રૂપથી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ હોવાથી ચિંતા સ્વાભાવિક છે. રુબિયો અનુસાર ઘણા દેશો સાથે સંબંધો રાખવાના હોય છે અને પરસ્પરનાં હિત ધ્યાને લેવાના હોય છે. ભારત આ મામલે ખૂબ જ પરિપક્વ અને કુટનીતિક રૂપથી સમજદાર છે. ભારતના પણ અમુક એવા દેશ સાથે સંબંધ છે, જેના અમેરિકા સાથે સંબંધ નથી. આ સ્થિતિ વિદેશનીતિનો હિસ્સો છે. 

Panchang

dd