નવી દિલ્હી, તા. 26 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ રવિવારે વીડિયો કોન્ફરસિંગનાં માધ્યમથી આસિયાન શિખર સંમેલનને સંબોધન
કર્યું હતું. મોદી બોલ્યા હતા કે, ભારત
અને આસિયાન મળીને દુનિયાની લગભગ 25 ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. આસિયાન ભારતની `એક્ટ ઇસ્ટ પોલિસી'નો મહત્ત્વનો સ્તંભ છે. બન્ને પક્ષો વચ્ચેના સંબંધ ઊંડા,
સાંસ્કૃતિક, ઐતિહાસિક અને સહિયારાં મૂલ્યો પર આધારિત
છે. શિખર સંમેલનને સંબોધનનાં માધ્યમથી દુનિયાને સ્પષ્ટ સંદેશ આપતાં વડાપ્રધાન મોદીએ
કહ્યું હતું કે, 21મી સદી ભારત
અને આસિયાનની સદી છે. મોદીએ 47મા આસિયાન
શિખર સંમેલનનાં સફળ યજમાનપદ બદલ મલેશિયા અને વડાપ્રધાન અનવર ઇબ્રાહિમને વધામણી આપી
હતી. દરમ્યાન, ભારતીય વડાપ્રધાને નાનકડા
દેશ પૂર્વી તિમોરને આસિયાન સમુદાયનો 11મો સભ્ય દેશ બનાવવાની પહેલને પણ મોદીએ વધાવી હતી. વડાપ્રધાને
ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત
અને આસિયાન ગ્લોબલ સાઉથના સહયાત્રી અને સાંસ્કૃતિક ભાગીદાર છે. ભારત અને આસિયાન દેશોની
સહભાગિતા માત્ર આર્થિક કે રણનીતિક નથી, પરંતુ ગ્લોબલ સાઉથના અવાજ
અને નેતૃત્વનું પ્રતીક છે. આ ભાગીદારી ક્ષેત્રીય સ્થિરતા, શાંતિ,
સમૃદ્ધિ માટે મહત્ત્વની છે, તેવું મોદી બોલ્યા
હતા.