પ્રયાગરાજ, તા. 18 : મહાકુંભમાં અત્યાર સુધી 54 કરોડથી વધુ ભક્ત સ્નાન કરી
ચૂક્યા છે, તેવા અહેવાલો વચ્ચે એક
ઉચાટ ફેલાવી શકે તેવા મોટા ખુલાસામાં જણાવાયું છે કે, સંગમની
બંને નદી ગંગા અને યમુનાનું પાણી સ્નાન કરવા લાયક નથી. ખાસ જાણવા જેવી હકીકત તો એ છે
કે, આ ખુલાસો કોઇ ખાનગી એજન્સી કે સંસ્થા નહીં, પરંતુ ખુદ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અહેવાલમાં કરાયો છે. બોર્ડે
મહાકુંભ દરમ્યાન ગંગા, યમુના નદીઓનાં પાણીની ગુણવત્તા અંગે એક
અહેવાલ આપ્યો છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલને સોંપાયેલા આ અહેવાલ અનુસાર, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે નવથી 21 જાન્યુઆરી વચ્ચે સંગમ
ક્ષેત્રમાં કુલ 73 અલગ અલગ જગ્યાઓ પરથી પાણીના નમૂના લઇને ચકાસણી કરી હતી. આ ચકાસણીનાં
પરિણામ જાહેર કરતાં બોર્ડે નોંધ્યું હતું કે, નદીઓમાં પાણીમાં ફીકોલ કોલી ફાર્મ નામે બેક્ટેરિયા જોવા મળે છે. સામાન્ય રીતે
એક મિલિલીટર પાણીમાં 100 બેક્ટેરિયા
હોવા જોઇએ. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નોંધે છે કે,
તમામ જગ્યા પરથી મળેલા પાણીના નમૂનાઓમાં આ બેક્ટેરિયા માપદંડ મુજબ નથી
જોવા મળ્યા. સંગમના નમૂનાઓમાં ફીકલ કોલી ફોર્મના બેક્ટેરિયા એક મિલીલીટર પાણીમાં 100નાં સ્થાને બે હજાર નીકળ્યા
હતા. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અહેવાલ અનુસાર, મહાકુંભમાં 36 દિવસથી દિવસોદિવસ વિશાળ સંખ્યામાં
ઊમટી પડતા ભાવિક સમુદાયનાં સ્નાન કરવાનાં કારણે ફીકલ કોલી ફોર્મ બેક્ટેરિયાનાં પ્રમાણમાં
જંગી વધારો આવ્યો છે. ખાસ કરીને અમૃતસ્નાનના એક દિવસ બાદ યમુના નદીનાં પાણીના એક નમૂનામાં
ફીકલ કોલી ફોર્મ બેક્ટેરિયા 2300થી વધુ જોવા
મળ્યા હતા. ગંગા નદી પર બનેલા શાત્રી બ્રિજ પાસે પાણીના નમૂનામાં ફીકલ કોલી ફોર્મ બેક્ટેરિયા
3200 હોવાનું જાણવા મળ્યું હતું.
બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ગંગા નદી પર સંશોધન કરતા પ્રોફેસર બી.ડી. ત્રિપાઠીએ જણાવ્યું
હતું કે, માપદંડથી વધુ ફીકલ કોલી ફોર્મ બેક્ટેરિયાવાળા
પાણીમાં નાહવાથી ચામડીના દર્દ સહિતની બીમારીઓ થાય છે.