• શુક્રવાર, 21 ફેબ્રુઆરી, 2025

`મુખ્ય ચૂંટણી કમિશનરની નિયુક્તિ અપમાનજનક'

આનંદ કે. વ્યાસ તરફથી  : નવી દિલ્હી, તા.18 : નવ નિર્વાચિત ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારની પસંદગી થયા બાદ આ નિર્ણયને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ મંગળવારે અપમાનજનક ગણાવ્યો હતો. નારાજગી દર્શાવીને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પોતાની મનમાની કરી રહી છે અને આ નિર્ણય બાદ ચૂંટણી પ્રક્રિયા ઉપરથી લોકોનો વિશ્વાસ ઉઠી જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અીમત શાહે મોડી રાતે લીધેલા નિર્ણય બાદ આ અંગે પોતાની પ્રતિક્રિયામાં રાહુલે જણાવ્યું હતું કે આ નિમણૂંક પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના આદેશની ભાવના વિરુધ્ધ છે. રાહુલે આ મામલે પત્ર પણ સોંપ્યો હતો. કોંગ્રેસે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂંકવાળી પેનલથી સીજેઆઇને બહાર રાખવાના નિર્ણયને પડકાર આપનારી અરજીઓ ઉપર 19મી ફેબ્રુઆરીએ સુનાવણી થવાની છે તેથી નવા સીઇસીની પસંદગી કોર્ટના નિર્ણય બાદ યોજાનારી બેઠકમાં થઇ શકતી હતી. આ જાહેરાત કરીને સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે તે તમામ બંધારણીય સંસ્થાઓ પર નિયંત્રણ ઇચ્છે છે અને પારદર્શકતા રાખવા માગતી નથી. આ બંધારણની વિરુધ્ધ લેવાયેલો નિર્ણય છે. સોમવારે રાતે દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમાર અને હરિયાણાના મુખ્ય સચિવ ડો.વિવેક જોશી હવે ચૂંટણી કમિશનર હશે એવી જાહેરાત થઇ હતી.રાહુલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે સીઇસીની નિમણૂંક પ્રક્રિયાથી મુખ્ય ન્યાયાધીશને બહાર રાખવાને લઇને વિપક્ષે સરકાર ઉપર નિશાન તાકયુ છે. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષનો આરોપ છે કે કેન્દ્ર સરકારના આ પગલાથી પારદર્શકતા ખતમ થઇ જશે. આ અગાઉ મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂંક વરિષ્ઠતાના આધારે થતી હતી અને પસંદગી સમિતિમાં ચીફ જસ્ટિસ પણ રહેતા પરંતુ કેન્દ્ર સરકારે ઔગસ્ટ 2023માં કાયદામાં ફેરફાર કર્યો હતો. સીઇસી અને ઇસીની નિમણૂંક એકટ 2023ની જોગવાઇ હેઠળ કરવામાં આવે છે. નવા સીઇસીની પસંદગીને લઇને સોમવારે ત્રણ સભ્યોની પેનલની બેઠક થઇ. જેમાં વડાપ્રધાન મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી સામેલ હતા. આ બેઠકમાં મોડી રાતે જ્ઞાનેશ કુમારના નામ ઉપર મહોર લાગી હતી. રાહુલે નવા સીઇસીની નિમણૂંક અંગે અસહમતિ દર્શાવી હતી. રાહુલ ગાંધીએ સરકારને સીઇસીની નિમણૂંકને ત્યાં સુધી સ્થગિત કરવા જણાવ્યું જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ નવી નિમણૂંક પ્રક્રિયાને પડકાર આપતી અરજી ઉપર નિર્ણય ન કરે. મંગળવાર મુખ્ય ચૂંટણી કમિશનરના પદ પરથી રાજીવ કુમારની નિવૃત્તિ બાદ બુધવારથી જ્ઞાનેશ કુમાર સીઇસી તરીકેનો પદભાર સંભાળશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd