અમદાવાદ, તા. 18 (અમારા પ્રતિનિધિ તરફથી) : આવતીકાલે
19મી, ફેબ્રુઆરીના બુધવારથી ગુજરાત વિધાનસભાના બજેટસત્રની શરૂઆત થશે. રાજ્યોમાં મોંઘવારી,
બેરોજગારી સહિતના અનેક પ્રાણ-પ્રશ્નો અસ્તિત્વમાં છે. વિધાનસભામાં સત્તાધારી
ભાજપના 161, વિપક્ષ કોંગ્રેસના 12, આમ આદમી પાર્ટી (આપ)ના 4, અપક્ષ 2 અને સમાજવાદી પાર્ટીની 1 મળીને કુલ 180 ધારાસભ્યનું સંખ્યાબળ છે. કડી
અને વિસાવદર એમ 2 બેઠક હાલ
ખાલી છે ત્યારે રાજ્ય વિધાનસભા ગૃહમાં સત્તાધારી ભાજપ સામે વિપક્ષ કોંગ્રેસ કેટલી હદે
અને કેટલી તીવ્રતાથી રાજ્ય સરકાર સામે આક્રમક બની શકે છે તે જોવાનું રહ્યું. એનું કારણ એ છે કે, અત્યાર સુધી કોંગ્રેસના સિનિયર, આક્રમક અને અભ્યાસુ મનાતા ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા બાદ
ભાજપમાંથી ચૂંટાઈ આવ્યા છે. આમ છતાં હાલ કોંગ્રેસના જે 12 ધારાસભ્ય છે, તેઓ પણ રોજેરોજ સરકારને ભીંસમાં લેવા માટે સરકાર
વિરોધી સૂત્રોચ્ચાર, બેનર્સ, પોસ્ટર દેખાવ
કે કોઈ સરપ્રાઈઝ વિરોધની પધ્ધતિ અપનાવાય તેવી શક્યતા જરૂર છે. સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલ
ગૃહની બેઠકને સંબોધન કરશે. જેમાં તેઓ સરકારની નીતિ-રીતિ અને કાર્યપધ્ધતિની સ્વાભાવિક
રીતે જ પ્રશંસા કરશે ત્યારબાદ કડીના ધારાસભ્યનાં અવસાન બદલ તેમને શોકાંજલિ પાઠવાશે.
આ ઉપરાંત જે પૂર્વ ધારાસભ્યો દિવંગત થયા છે, તેમને પણ મુખ્યમંત્રી,
વિપક્ષના નેતા અને ધારાસભ્યો શોકાંજલિ અપાશે અને સંભવત: ત્યારબાદ ગૃહની
બેઠક મુલત્વી રખાશે. જ્યારે સત્રના બીજા દિવસે એટલે કે, 20મીએ ગુરુવારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા
ગુજરાત સરકારનું વર્ષ 2025-26નું
વાર્ષિક બજેટ રજૂ કરાશે. વર્ષ 2024-25 માટે
ગુજરાત સરકારનું બજેટનું કુલ કદ રૂા. 3.32 લાખ કરોડનું હતું. આ વખતે વર્ષ 2025-26ના બજેટનું કુલ કદ 3.72 લાખ કરોડની આસપાસ રહેવાની અપેક્ષા
છે. આ વખતે રાજ્ય વિધાનસભાનું બજેટસત્ર 19મી ફેબ્રુઆરીથી 28મી માર્ચ સુધી અર્થાત 38 દિવસ સુધી ચાલશે. જોકે, તેમાં 12 દિવસ રજા
રહેશે એટલે કે ગૃહની 26 બેઠક મળશે
અને તેમાં 27મી, ફેબ્રુઆરીએ ડબલ બેઠક મળશે અર્થાત આ સત્રમાં કુલ 27 બેઠક મળશે. જેમાં 3 દિવસ સુધી રાજ્યપાલ દ્વારા ગૃહને કરાયેલા
સંબોધન પરના આભાર પ્રસ્તાવ પર ચર્ચા થશે. 4 દિવસ સુધી રાજ્ય સરકારના બજેટ પર સામાન્ય ચર્ચા થશે.