નવી દિલ્હી, તા. 18 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ મંગળવારે હૈદરાબાદ હાઉસમાં કતારના અમીર તમીમ બિન હમાદ અલ-થાની સાથે
બેઠક યોજી હતી. આ મુલાકાત દરમ્યાન ભારત અને કતાર વચ્ચે વ્યાપાર સાથે જોડાયેલા બે મહત્ત્વના
સમજૂતી કરાર થયા હતા. આ અવસરે ભારતના વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ અને કતારના વાણિજ્ય
મંત્રી શેખ ફેસલ બિન-થાની ઉપસ્થિત રહ્યા હતા. બંને નેતાએ ભારત-કતાર વચ્ચે જોઇન્ટ ટ્રેડ
ફોરમ એટલે કે `સંયુક્ત વ્યાપારમંચ'નો પ્રારંભ કરાવ્યો હતો. સમજૂતી કરાર બાદ પત્રકારો
સાથે વાત કરતાં પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, બંને દેશ વચ્ચે
વેપાર અને રોકાણની મોટી સંભાવનાઓ છે. કતારમાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો રહે
છે અને કતારના વિકાસમાં ભારતીય મૂળના સમુદાયની મહત્ત્વની ભૂમિકા છે. બેઠક અગાઉ રાષ્ટ્રપતિ
દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન મોદીએ કતારના અમીરનું સ્વાગત કર્યું હતું અને ગાર્ડ ઓફ
ઓનર અપાયું હતું. ડોનાલ્ડ ટ્રમ્પના ફરી રાષ્ટ્રપતિ બન્યા પછી યુરોપથી માંડીને મધ્ય-પૂર્વ
સુધી અનિશ્ચિતતાની સ્થિતિ સર્જાયેલી છે. ટ્રમ્પ ઇરાન પર ફરી કડક પ્રતિબંધો લાદી શકે
છે. આવી સ્થિતિમાં ઊર્જાની જરૂરિયાત પૂરી કરવા માટે ભારત કતારને એક સુરક્ષિત વિકલ્પ
માને છે.