નવી દિલ્હી, તા. 8 : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બુધવારે
એક મોટું એલાન કરતાં જણાવ્યું હતું કે, આખા દેશમાં માર્ગ અકસ્માતોમાં ઘાયલ થનાર લોકો
માટે દોઢ લાખ રૂપિયા સુધી કેશલેસ સારવારની યોજના શરૂ કરાશે. અકસ્માતના 24 કલાકમાં પોલીસ
અને હોસ્પિટલે સંકલન સાધીને ઘાયલ દર્દીને આ લાભ અપાવવાનો રહેશે. વધુમાં હીટ એન્ડ રન
કેસમાં મૃતકના પરિવારને સરકાર બે લાખ રૂપિયા આપશે. દુર્ઘટના સર્જાયાના સાત દિવસ સુધી
અથવા વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા સુધીની સારવારનો ખર્ચ સરકાર ભોગવશે, તેવી મહત્ત્વની
ઘોષણા ગડકરીએ કરી હતી. આ યોજના માર્ચ 2025થી અમલી થશે. આ નવી યોજના હેઠળ લોહિયાળ દુર્ઘટનાઓમાં
ઈજાગ્રસ્ત થતા લોકોની જિંદગી બચાવવા સારી સારવારની સુવિધા આપવાનું સરકારનું લક્ષ્ય
છે. ગડકરીએ કહ્યું હતું કે, આ યોજના હેઠળ રસ્તા પર થતા દરેક પ્રકારના અકસ્માતોની ઘટનાઓના
ઘાયલોને લાભ મળશે. અકસ્માત બાદ ઘાયલ દર્દીને સાત દિવસ સુધી દોઢ લાખ રૂપિયા સુધીની સારવાર
સદંતર વિનામૂલ્યે મળશે. આ યોજનાનું સંચાલન કરવાની જવાબદારી રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ
(એનએચએ)ની હશે. યોજના માટે વિશેષ આઈટી પ્લેટફોર્મ વિકસાવાશે. ખાસ જાણવા જેવી હકીકત
એ છે કે, યોજનાનો લાભ લેવા માટે કોઈ અરજી કરવાની
પણ જરૂર નહીં રહે. માર્ગ પરિવહન મંત્રાલયની ઈ-ડિટેઈલ્સ
એક્સિડેન્ટ રિપોર્ટ (ઈડીએઆર) એપ બનશે. આ એપ પર
પોલીસ અને હોસ્પિટલે સાથે મળીને દુર્ઘટનામાં ઘાયલોનું વર્ણન નોંધાવવાનું રહેશે. ત્યારબાદ
આ યોજના હેઠળ માન્યતા પ્રાપ્ત હોસ્પિટલમાં મફત સારવાર અપાશે. ગડકરીએ કહ્યું હતું કેશલેસ
ટ્રીટમેન્ટ પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમુક રાજ્યમાં શરૂ કરવામાં આવી હતી અને હવે તેમાં
તમામ ખામીઓને દૂર કરીને ફરીથી લાગુ કરવામાં આવી રહી છે. જેનાથી પીડિતો અને તેમના પરિવારને
ફાયદો થશે. વધુમાં હીટ એન્ડ રનના કેસમાં જો કોઈનું મૃત્યુ થશે, તો સરકાર બે લાખ રૂપિયા
આપશે. કેન્દ્રીય મંત્રીએ આગળ કહ્યું હતું કે, 2024નાં વર્ષમાં 1.80 લાખ મૃત્યુ સડક
દુર્ઘટનામાં થયાં છે. આ ઉપરાંત 30 હજાર લોકોનાં મૃત્યુ હેલ્મેટ ન પહેરવાનાં કારણે થયાં
છે. જેમાં 18થી 34 વર્ષના 66 ટકા લોકો છે. ગડકરીએ કહ્યું હતું કે, શાળામાં એક્ઝિટ અને
એન્ટ્રી પોઇન્ટની યોગ્ય વ્યવસ્થા ન હોવાનાં કારણે 10,000 બાળક જીવ ગુમાવી ચૂક્યાં છે.
સડક નિયમો જેમ કે, ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવું અને સિગ્નલનું પાલન ન કરવા વગેરેનાં કારણે
પણ લોકોએ જીવ ગુમાવવો પડયો છે. ગડકરીએ કહ્યું હતું કે, સરકાર ઇ-રીક્ષા માટે પણ સુરક્ષા
સ્ટાર રેટિંગ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. સરકાર વાણિજ્યિક ખાસ કરીને ભારે વાહનોથી
થતા અકસ્માતને રોકવા ઇમર્જન્સી બ્રેકિંગ સિસ્ટમ, ડ્રાઇવરને ઊંઘ આવવા ઉપર ઓડિયો એલર્ટ
મિકેનિઝમ વગેરે ઉપર કામ થશે.