• શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025

ચેમ્બરમાં બેઠા રહેવાને બદલે મંત્રીઓ ફિલ્ડમાં જાય, કચેરીઓની કામગીરી સુધારે

અમદાવાદ, તા. 8 (અમારા પ્રતિનિધિ તરફથી) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મંત્રીમંડળની બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રીએ રાજ્યભરમાં ચર્ચા જગાવનારા અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી સાથેનું પોલીસનું વર્તન અને ત્યારબાદ કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા આ દીકરી તથા તેના પરિવારને અપાયેલા સથવારાના પરિણામ સ્વરૂપ ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને આ કિસ્સામાં ઝડપભેર ડેમેજ કંટ્રોલ કરવાની ખાસ તાકીદ કરી હતી. એવી જ રીતે, વર્તમાન સરકાર અને તેના મંત્રીઓની કથિત નબળી કામગીરીની ચર્ચાની પણ મુખ્યમંત્રીએ ગંભીર નોંધ લઈને હવેથી દરેક મંત્રીઓને ઓફિસોમાં બેસી રહેવાને બદલે ફિલ્ડમાં કાર્યરત થવાની અને પોત-પોતાના વિભાગો હેઠળની કચેરીઓની આકસ્મિક મુલાકાતો લેવાની પણ સૂચના આપી હતી. સીએમની સૂચનામાં કહેવાયું હતું કે, મંત્રીઓને કોઈપણ કચેરીની આકસ્મિક મુલાકાત દરમ્યાન કર્મચારીઓ કે અધિકારીઓની નબળી કામગીરી કે જો કોઈ ગેરરીતિ સામે આવે તો તેની સામે નિયમાનુસાર કડકમાં કડક કાર્યવાહી કરવા તથા પોત-પોતાના વિભાગની કામગીરી અંગેનો ફીડબેક મેળવીને જરુર પડ્યે તેમાં સુધારો કરવા ઉપરાંત દરેક વિભાગોની યોજનાકીય કામગીરી, બાકી રહેતા કામોમાં ઝડપ લાવીને પૂરા કરાવવા અંગે પણ મુખ્યમંત્રીએ સૂચના દરેક મંત્રીઓને આપી હતી. તેમણે મહારનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા, તાલુકા કે ગ્રામ પંચાયતોની બાકી રહેલી ચૂંટણીઓ માટે સર્વથા તૈયાર રહેવાની ખાસ તાકીદ કરી હતી. જાણવા મળ્યા મુજબ, મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રીએ, અમરેલીની ઘટિત ઘટનામાં પાટીદાર દીકરી સાથે પોલીસનું વર્તન અને સમાજમાં તેના પડી રહેલા નકારાત્મક પડઘા અંગે ખાસ ચર્ચા કરી હતી. તે વખતે ગૃહ વિભાગ તરફથી વિગતો સાથે મુખ્યમંત્રી સમક્ષ પોલીસની કામગીરી અંગે સ્પષ્ટતાઓ કરી હતી. જોકે, તેનાથી મુખ્યમંત્રીની નારાજગી ઓછી થઈ ન હતી અને આ તબક્કે મુખ્યમંત્રીએ એવા સંદર્ભનું કથન કર્યું હતું કે, આવા બનાવોથી પક્ષ અને સરકારની છબી ખરડાય છે. હવે આવું ન બને તે માટે ખાસ તકેદારી રાખવી આવશ્યક છે. આ બેઠકમાં મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને પોત-પોતાના વિભાગો હેઠળની કચેરીઓની આકસ્મિક મુલાકાત લેવાની તાકીદ કરી હતી અને દરેક મંત્રીઓને તેમના વિભાગની બજેટીય યોજનાઓના ઝડપી અમલ-બાકી રહેતી કામગીરી, બાકી રહેતી યોજનાઓને ઝડપથી પૂરી કરવાની અને બજેટમાં કરાયેલી વિભાગીય જોગવાઈઓ મુજબના ખર્ચ બાબતે પણ સૂચના આપી હતી. તાજેતરમાં મુખ્યમંત્રીએ ગાંધીનગર એસટી ડેપોની જે રીતે આકસ્મિક મુલાકાત લીધી હતી. તેવી જ રીતે દરેક મંત્રીઓએ પણ પોતાના વિભાગ હેઠળની કચેરીઓની આકસ્મિક મુલાકાતો લઈને અધિકારીઓ-કર્મચારીઓમાં ધાક બેસે અને તેઓ પોતાની ફરજ હેઠળના કામો પ્રત્યે ફરજરત થાય તેવી પણ સૂચના આપી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd