દુબઈ, તા.8 : ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઝડપી બોલર જસપ્રિત બુમરાહની
આઇસીસી ટેસ્ટ બોલિંગ ક્રમાંકમાં બાદશાહત કાયમ છે. તે કારકિર્દીની સર્વશ્રેષ્ઠ 908 રેટિંગ
સાથે ટોચ પર યથાવત્ છે. અંતિમ ટેસ્ટમાં ઇજાને લીધે તેને ફકત બે વિકેટ મળી હતી. આથી
તેના રેટિંગમાં કોઈ વધારો થયો નથી. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં નિસ્તેજ દેખાવ છતાં ભારતીય
સ્પિનર રવીન્દ્ર જાડેજા ટોપ ટેનમાં ટકી રહ્યો છે. તે સંયુક્ત રૂપે નવમા ક્રમે છે. તેની
સાથે ઓસિ. ફાસ્ટ બોલર સ્કોટ બોલેન્ડ છે. તેણે 29 સ્થાનનો કૂદકો લગાવ્યો છે અને ટોચના
દસમાં પહોંચી ગયો છે. બોલેન્ડે સિડની ટેસ્ટમાં 10 વિકેટ લીધી હતી જ્યારે કપ્તાન કમિન્સે
કુલ પ વિકેટ લીધી હતી. આથી તે ફાયદા સાથે બીજા ક્રમે આવી ગયો છે. દ. આફ્રિકાનો રબાડા
ત્રીજા અને ઇજાગ્રસ્ત હેઝલવૂડ ચોથા નંબર પર છે. ભારતીય વિકેટકીપર રિષભ પંતે ફરી ટોપ
ટેન બેટરમાં વાપસી કરી છે. તે ત્રણ સ્થાનના ફાયદાથી નવમા ક્રમે છે જ્યારે યશસ્વી જયસ્વાલ
ચોથા ક્રમે યથાવત્ છે. આફ્રિકી કપ્તાન તેંબા બાવુમા છઠ્ઠા ક્રમે પહોંચ્યો છે. તેણે
કેરિયરની સર્વશ્રેષ્ઠ 769 રેટિંગ હાંસલ કરી છે.