જગદીશ ઠક્કર દ્વારા : નલિયા, તા. 8 : અબડાસા તાલુકાના
મુખ્ય મથક નલિયામાં પારો 3.4 ડિગ્રીએ પહોંચતાં ઠારની ધાર તીવ્ર બની છે. લોકોને દિવસે
પણ ગરમ કપડાં પહેરવાની ફરજ પડી રહી છે. આ વિસ્તારના લોકોએ ભૂતકાળમાંય ઠંડી એક ડિગ્રી સુધી અનુભવાઈ હોવાનું
કહ્યું હતું. નલિયાના તારાચંદભાઈ ઠક્કર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, હાડ થીજવતી
ઠંડી પડી રહી છે જેની અસર લોકોના જનજીવન ઉપર થઈ રહી છે. લોકો 11 વાગ્યા બાદ ઘરમાંથી
નીકળવાનું પસંદ કરે છે. 92 વર્ષના વડીલ પાર્વતીબેન
રામજી ભાનુશાલી સાથે વાત કરતાં તેમણે કહ્યું, હેડો સી મુજી 92 વરેંજી ઉમર મેં નાય નેર્યે.
વહેલી સવારે પૂજાપાઠ કરવાનો મારો સંકલ્પ છે, પણ આવી ઠંડીને કારણે નિત્યક્રમ બદલાવવો
પડયો છે. નલિયામાં દૂધ અને છાશનો વેપાર કરતા અશોકભાઈ ઠક્કર સાથે વાત કરતાં તેમણે કહ્યું,
છેલ્લા ઘણા દિવસથી ઠંડીમાં વધઘટ જોવા મળે છે પણ બે દિવસથી અસહ્ય ઠંડી પડી રહી છે. સુથરી
ગામના યોગેન્દ્રાસિંહ જાડેજા સાથે વાત કરતાં તેમણે કહ્યું, અમારો વિસ્તાર કાંઠાળ હોઈ
ઠંડીનું પ્રમાણ વધારે છે. જનજીવન પ્રભાવિત થયું છે. લોકો પોતાનાં પશુધનને બચાવવા ગૌશાળા
અથવા તો ધાબળાનો સહારો લઈ રહ્યા છે.