ભુજ/નલિયા, તા. 8 : પશ્ચિમી વિક્ષોભની અસર તળે રાજ્યમાં છેલ્લા
ત્રણ દિવસથી ફરી વળેલું ઠંડીનું કાતિલ મોજું વધુ તીવ્ર બનતાં કચ્છનું જનજીવન ડંખીલા
ઠારમાં ઠૂંઠવાયું છે. કચ્છી કાશ્મીરની ઉપમા મેળવનારા નલિયામાં પારો એકસામટો ત્રણ ડિગ્રીના
ઘટાડા સાથે 3.4 ડિગ્રીએ પહોંચતાં વર્તમાન શિયાળાની સિઝનનો સૌથી ઠંડો દિવસ અનુભવાયો
હતો. જિલ્લા મથક ભુજમાં 9.2 અને કંડલા એરપોર્ટમાં 8.1 ડિગ્રીએ બર્ફીલી ઠંડી અનુભવાઈ
હતી. હવામાન વિભાગે શીતલહેરની કોઈ ચેતવણી જારી કરી નથી પણ ઠંડીનું જોર હજુ એક દિવસ
યથાવત્ રહેવાની આગાહી કરી છે. પવનની ઝડપમાં વધારા વચ્ચે દિવસે પણ તાપણું કરવું પડે તેવી ઠંડીની અનુભૂતિ થતાં લોકોને નખશિખ ગરમ વત્રોમાં
સજ્જ રહેવું પડયું હતું. નલિયામાં સામાન્યથી છ ડિગ્રી નીચું તાપમાન નોંધાતાં ઠારની
ધાર વધુ તીક્ષ્ણ બની હતી. નલિયા બ્યૂરોથી જગદીશ ઠકકર, કોઠારાથી મનોજ સોની અને વાયોરથી
કિશોરસિંહ જાડેજાના અહેવાલ અનુસાર તાલુકા મથક નલિયા સહિત તાલુકાભરમાં ગાત્રો ગાળતી
ઠંડીથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. કેટલાક ગામોમાં ઝાકળના કારણે વાહન પર બરફ જામ્યાના
અહેવાલો વચ્ચે હાડ થીજવતી ઠંડીએ પોતાનો આકરો પરચો દેખાડયો હતો. મુખ્ય મથક નલિયા, કોઠારા,
વાયોર સહિતનાં ગામોમાં બજારો મોડી ખૂલતાં સૂનકાર માહોલ જોવા મળે છે. લોકો સાંજ પછી
કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળતા હોવાથી રાત્રિના જનતા કર્ફ્યૂ જેવો માહોલ છવાઈ ગયા
બાદ દુકાનો મોડી ખૂલતી હોવાથી માંડ માંડ બજારમાં ધબકાર જોવા મળે છે. ઠંડીની તીવ્રતા
વધતાં શાળામાં છાત્રોની પાંખી હાજરી જોવા મળતી હોવાનું કોઠારા કુમાર શાળાના આચાર્ય
ખુમાનસિંહ સોઢાએ કહ્યું હતું. - દૂધ ઉત્પાદનમાં દૈનિક 7000
લિટરનો ઘટાડો : માનવીની સાથે પશુધન પણ આ ઠંડીના
મારથી બેહાલ છે. ઠંડીની તીવ્રતા વધુ ડંખીલી બનતાં દૈનિક દૂધ ઉત્પાદનમાં દૈનિક 7000
લિટરનો મોટો ઘટાડો થયાનું કરણસિંહ સોઢાએ કહ્યું હતું. અંજાર-ગાંધીધામ વિસ્તારને સમાવતા કંડલા એરપોર્ટ
મથકે સતત ત્રીજા દિવસે લઘુતમ પારો 8.1 ડિગ્રીના એકલ આંકે અટકેલો રહ્યો હતો, તો જિલ્લા
મથક ભુજમાં બે ડિગ્રીના ઘટાડા સાથે વર્તમાન શિયાળાની સિઝનમાં બીજીવાર પારો 9.2 ડિગ્રીના
એકલ આંકે પહોંચ્યો હતો. જિલ્લા મથકે ખાનગી રાહે સાત ડિગ્રી તાપમાન નોંધાતાં ફરી એકવાર
તાપમાનના આંકને લઈ વિસંગતતા સામે આવી હતી. લોકોએ જેટલું તાપમાન નોંધાયું તેનાથી ઠંડી
અનેકગણી વધુ અનુભવ્યાનું કહ્યું હતું. સરહદી ખાવડામાં સાત ડિગ્રી તાપમાન નોંધાયું હતું.