• શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025

માતાના મઢમાં શાહુડીનો શિકાર કરતા દિયર-ભોજાઇ

માતાના મઢ (તા. લખપત), તા. 8 : પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢને કલંકિત કરવા અહીં શિકાર પ્રવૃત્તિ ચાલતી હોવાની રાવ અગાઉ બે વાર ગાયના મોઢાંમાં વિસ્ફોટ થયા ત્યારે ઊઠી હતી અને તેનો પડઘો પણ અખબારી અહેવાલ દ્વારા પડાયો હતો. આજે ગામની  ઉત્તર સીમમાં શાહુડીનો શિકાર કરતા દિયર-ભોજાઇને ઝડપી પડાયા છે. માતાના મઢની સીમમાંથી શિકાર કરતા સંબંધે દિયર-ભોજાઇ એવા રિતેશ જીવા સથવારા અને ગીતાબેન કાનજી સથવારાને પશુપાલકોએ રંગેહાથ ઝડપી જમાદાર ભરતભાઇ રાણાને જાણ કરાતાં સ્થળ પર પહોંચી આવ્યા હતા અને અટકાયતી કાર્યવાહી કરી હતી. પીએસઆઇ કુલદીપસિંહ જાડેજાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, શિકારીઓ શાહુડીનો શિકાર કરતા હતા. તેમની પાસેથી શિકાર ફસાવવાની જાળ, એક ધારિયું અને હોન્ડા બાઇક મુદ્દામાલ હાથ લાગ્યો છે. આ મામલે તપાસ વન વિભાગને સોંપાઇ છે. દયાપર આરએફઓ એ. જી. દેસાઇએ જણાવ્યું હતું કે, શિકારીઓ પાસેથી અડધા કેરેટ જેટલું વન્ય પ્રાણીનું માંસ મળી આવ્યું છે, તેના એફએસએલના પૃથક્કરણના અહેવાલ બાદ ખબર પડશે કે, આ ક્યું વન્ય પ્રાણી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 25 દિવસમાં માતાના મઢના સીમાડામાં વિસ્ફોટક આરોગતા એક ગાય મરણ પામી છે અને એક ગાય ગંભીર રીતે ઘાયલ થઇ છે. આ વિસ્ફોટક પદાર્થની દિશામાં પણ વન વિભાગ અને દયાપર પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd