• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

ઘોરાડ પાકમાં નવું ઘર શોધી રહ્યાં છે !

જેસલમેર, તા. 30 : કચ્છમાં પણ જેનું અલાયદું અભયારણ્ય છે, તેવાં રાજસ્થાનનાં `રાજ્ય પક્ષી' ઘોરાડ હવે ભારતમાંથી ઉડાન ભરીને ભારત-પાકિસ્તાન સીમા ઓળંગવા સાથે પાકમાં પોતાનું નવું ઘર શોધી રહ્યાં હોવાના સમાચાર જાણવા મળી રહ્યા છે. તાજેતરમાં પાકિસ્તાનનાં વન્યજીવનના જાણકાર અને તસવીરકાર સૈયદ રિઝવાન મહેબૂબે જેસલમેર નજીક ચોલિસ્તાનનાં રણમાં પાંચ ઘોરાડ અને તેનાં એક બચ્ચાંની તસવીર શેર કરી હતી. કચ્છમાં અબડાસામાં ઘોરાડ અભયારણ્યમાં માત્ર ચાર માદા હોવાનું ધ્યાને લઇ આ પ્રજાતિને લુપ્ત થતી અટકાવવા માટે ભારત સરકારે શરૂ કરેલા પ્રયાસો વચ્ચે ઘોરાડ પાક તરફ જવા માંડયાં હોવાની ચિંતાજનક હકીકત સામે આવી છે. વાઇલ્ડ લાઇફ ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયાના વરિષ્ઠ વૈજ્ઞાનિક સુતિતો દત્તાએ પણ ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ (ઘોરાડ) ભારતીય સીમા ઓળંગીને પાક તરફ ગયાં હોવાની વાતને સમર્થન આપ્યું હતું. વન્યજીવનના જાણકારો લુપ્તપ્રાય પ્રજાતિનાં આ અનોખાં પક્ષીની વસ્તીના તાજા આંકડા મેળવવાની કવાયતની જરૂર હોવા પર ભાર મૂકી રહ્યા છે. ડીઆરડીએસ ફાઉન્ડેશનના વરિષ્ઠ વન્યજીવન નિષ્ણાત સુમિત ડુકિયાના જણાવ્યા અનુસાર, જેસલમેરમાં બે નવી સિમેન્ટ ફેકટરીઓ માટે ખાણકામની યોજનાઓએ ઘોરાડને નવા ઘરો શોધવાની ફરજ પાડી છે. જે સંભવિત રીતે મોકલા, પરેવર અને ભુટ્ટેવાલા જેવા વિસ્તારોમાંથી પાકિસ્તાનમાં પ્રવેશ કરી શકે છે. ચોલિસ્તાન ઘાસના મેદાનો, જે ઐતિહાસિક રીતે ઘોરાડના રહેઠાણ હતાં, દાયકાઓથી વધુ પડતા શિકારને કારણે અયોગ્ય બન્યા છે. જેના કારણે પાકિસ્તાનમાં પક્ષી જવા લાગ્યા છે. નિષ્ણાતો માને છે કે, ચોલિસ્તાનમાં ઘોરાડ જોવાનું એ રહેઠાણની ખોટ અને જેસલમેરમાં વધેલી માનવીને દખલગીરીનું પરિણામ છે.  ડુકિયાએ સમજાવ્યું કે, ઉત્તર-પશ્ચિમ જેસલમેરમાં `ઓરાન્સ' તરીકે ઓળખાતી પરંપરાગત સમુદાયની જમીનો એક સમયે ઘોરાડ માટે મુખ્ય પ્રદેશો હતા, પરંતુ હવે મહેસૂલ રેકોર્ડમાં સત્તાવાર માન્યતાના અભાવને કારણે, ખાનગી ઊર્જા અને ઉત્પાદન પ્રોજેક્ટસ માટે પુન:ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang