• ગુરુવાર, 07 નવેમ્બર, 2024

સિરક્રીકમાં ભારતનો સતત જાપ્તો છે

નિખિલ પંડયા દ્વારા : ભુજ, તા. 31 : કચ્છની સંવેદનશીલ સિરક્રીક સરહદના ઉંબરેથી જવાનોની સાથે દિવાળીની ઉજવણી દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિસ્તાર પર પાકિસ્તાની ડોળાને વિફળ બનાવવાના સલામતી દળોના મક્કમ ઇરાદા અને સજ્જતાને બિરદાવીને આ પડકારભરી સરહદનાં મહત્ત્વને દેશ અને દુનિયા સમક્ષ વધુ એક વખત અંકિત કર્યું છે. સિરક્રીક વિસ્તાર અને તેના વિવાદનો ઇતિહાસ ભારત અને પાકિસ્તાન વચ્ચે અસ્તિત્વના સમયથી અંકિત છે. બન્ને દેશ વચ્ચે અંકાયેલી માન્ય અને આંતરારાષ્ટ્રીય રીતે સ્વીકૃત સરહદ પર બોર્ડર પિલર ખોડાયેલા છે. એક નંબરનો બોર્ડર પિલર જમ્મુમાં અને 1175 નંબરનો પિલર કચ્છના લખપત નજીકના કીચડભર્યા વિસ્તારમાં ખોડાયેલો છે, પણ આ સરહદ ઉપરાંત કાશ્મીરથી સિયાચીન વચ્ચેની સીમા અંકાયેલી નથી અને ત્યાં નિયંત્રણ રેખા બન્ને દેશો વચ્ચે કામચલાઉ સરહદ તરીકે અંકાયેલી છે, તો કચ્છમાં 1175 પિલરથી 99 કિ.મી. લાંબી જી -પિલર અને સિરક્રીક સરહદ કાયદેસર રીતે અંકાયેલી નથી.  1175થી 40 કિ.મી.ની રેખામાં રાજાશાહી વખતના જી- પિલર ખોડાયેલા છે. આ 40 કિ.મી. પછી શરૂ થતો સિરક્રીકનો છેડો તેના મુખ સુધી 59 કિ.મી. લાંબો છે. ભરતીના સમયે દરિયા જેવી મસમોટી આ સિરક્રીક અને જી-પિલરનો વિસ્તાર ભારત અને પાકિસ્તાન માટે વિવાદનું કેન્દ્ર છે. ખાસ તો પાકિસ્તાન આ ક્રીકના બન્ને કાંઠા પોતાના હોવાનો આંતરરાષ્ટ્રીય રીતે દાવો કરતું રહે છે, તો ભારત ભૌગોલિક નિયમ મુજબ આ ક્રીકના મધ્યમાંથી સરહદ પસાર થાય છે એવી મુદ્દાસર રીતે પોતાની હકુમત અંકિત કરે છે.  આમ આ ક્રીક અને તે પછી વણઅંકાયેલી જી-પિલરની સરહદ નિયંત્રણ રેખા રૂપે પણ અંકાયેલી ન હોવાને લીધે આ વિસતાર ગમે ત્યારે સંવેદનશીલ બની રહે એવો મત નિષ્ણાતોએ એક કરતાં વધુ વખત વ્યક્ત કર્યો છે. આમ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીતનો વ્યવહાર કાયમ હતો ત્યારે બન્ને દેશે આ સરહદે જી-પિલરનો સંયુક્ત સર્વે હાથ ધર્યો હતો. તે પછી સંબંધ વણસી જતાં આ મુદ્દો વણઉકેલ બનીને વધુ ને વધુ ગંભીર સ્વરૂપ લઇ ચૂક્યો છે. એક તરફ ભારતે સીમા સુરક્ષા દળની સાગરપાંખને સતત મજબૂત કરવા ઉપરાંત દુર્ગમ ક્રીક વિસ્તાર સુધી તરતી ચોકી અનેકાયમી ચોકીઓ ખડી કરીને સિરક્રીકમાં સતત પહેરો ભરવાનું શરૂ કર્યું છે, તો સામા પક્ષે પાકિસ્તાને પણ સિરક્રીકના પોતાના કાંઠે ચોકીઓ ઊભી કરીને મરીન્સના ખાસ દળને તૈનાત કર્યું છે.  આવનારા સમયમાં બન્ને દેશ આ વિવાદ ઉકેલવા મંત્રણાની મેજ પર સાથે બેસે એવી શક્યતા ઓછી છે, ત્યારે સમયની સાથે આ વિવાદ વધુ ને વધુ ગંભીર સ્વરૂપ લઇ રહ્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang