નવી દિલ્હી, તા. 29 : ઇઝરાયલના હુમલામાં હસન નસરુલ્લાહના ખાતમાના
32 દિવસ બાદ હિઝબુલ્લાહે નવા વડાની જાહેરાત કરી છે. મંગળવારે નઇમ કાસિમને સંગઠનની જવાબદારી
સોંપવામાં આવી હતી. હિઝબુલ્લાહ દ્વારા બહાર પાડવામાં આવેલાં નિવેદનમાં જણાવાયું હતું
કે, કાસિમની આ પદ માટે એટલા માટે પસંદગી કરવામાં આવી છે કારણ કે તેણે હંમેશાં સંગઠનના
સિદ્ધાંતોનું પાલન કર્યું છે. અત્યાર સુધી
કાસિમ સંગઠનમાં નંબર બે પર હતો. નસરુલ્લાહનાં મોત બાદ કાસિમે જ લેબેનોનના લોકોને સંબોધિત
કર્યા હતા. યુએઇની મીડિયા એજન્સી અનુસાર, તે ઇરાનમાં રહે છે. કાસિમે પાંચમી ઓક્ટોબરે
બૈરુત છોડી દીધું હતું. તેને ઇરાનના વિદેશમંત્રીનાં વિમાનમાં લઇ જવામાં આવ્યો હતો.
મીડિયા હેવાલ અનુસાર, ઇરાનના નેતાઓએ ઇઝરાયલના ડરથી કાસિમને બહાર કાઢવાનો આદેશ આપ્યો
હતો. હિઝબુલ્લાહના વડા બનવા માટે અગાઉ નસરુલ્લાહના પિતરાઇ ભાઇ હાસેમ સૈફિદ્દીનનું નામ
આગળ હતું. જો કે, તે પણ ઇઝરાયલના હવાઇ હુમલામાં માર્યો ગયો હતો. તેનાં મૃત્યુની પુષ્ટિ
ખુદ ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ કરી હતી. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં હિઝબુલ્લાહના
ટોચના આઠમાંથી પાંચનાં મોત થઇ ચૂક્યાં છે. કાસિમનો જન્મ 1953માં લેબેનોનના કાફર કિલા
ગામમાં થયો હતો. 1970ના દાયકામાં કાસિમ લેબેનોનમાં શિયા અમલ ચળવળનો ભાગ બન્યો હતો.
અમલનું કામ શિયાઓના અધિકારો માટે લડવાનું હતું. તે પછી કાસિમ 1980ના દાયકાની શરૂઆતમાં
હિઝબુલ્લાહ ચળવળ સાથે સંકળાયેલો બન્યો અને તે સંસ્થાના સ્થાપક સભ્યોમાંનો એક હતો. તે
દાયકાઓથી બૈરુતમાં ધાર્મિક શિક્ષણ આપી રહ્યો છે. કાસિમ 1991માં હિઝબુલ્લાહનો નાયબ મહામંત્રી
બન્યો હતો. તે હિઝબુલ્લાહની સુરા કાઉન્સિલનો સભય પણ છે.