• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

નેતાઓનું સન્માન ન જળવાયું તો અફસરોની ખેર નથી

અમદાવાદ, તા. 26 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતના રાજકારણમાં સત્તાના ગલિયારાઓમાં અત્યારે એક નવો ગણગણાટ શરૂ થયો છે. સામાન્ય રીતે વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે ખેંચતાણ જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે લડાઈ 'સરકારી બાબુઓ' અને 'ચૂંટાયેલા પ્રતિનિધિઓ' વચ્ચે હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી મંત્રીઓ અને ધારાસભ્યોને સરકારી અધિકારીઓ ગાંઠતા ન હોવાની અને જિલ્લાના પ્રવાસ દરમિયાન માન સન્માન ન જળવાતું હોવાની ફરિયાદો ઉઠી હતી. સરકારે આ બાબતને ગંભીરતાથી લઈ લેખિત પરિપત્ર કર્યો છે.પરિપત્રની સૂચનાઓનો ભંગ કરનાર જવાબદાર અધિકારી સામે નિયમોનુસાર કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.  અહીં નોંધવું ઘટે કે, ગુજરાતમાં લાંબા સમયથી ધારાસભ્યો અને સંસદસભ્યો તરફથી એવી ગુપ્ત ફરિયાદો ઉઠતી રહી છે કે જિલ્લા મથકોએ બેસતા અધિકારીઓ તેમને પૂરતું સન્માન આપતા નથી. કલેક્ટર કચેરી હોય કે જિલ્લા પંચાયત, જનપ્રતિનિધિઓને કલાકો સુધી રાહ જોવડાવવી અથવા સરકારી કાર્યક્રમોમાં તેમના નામની અવગણના કરવી એ એક સામાન્ય બાબત બની ગઈ હોવાનું રાજ્ય સરકારના ધ્યાને આવ્યું છે. રાજ્ય સરકારે આ મામલે અત્યંત કડક શબ્દોમાં પરિપત્ર જાહેર કરીને અધિકારીઓને શિષ્ટાચારના પાઠ ભણાવ્યા છે. પરિપત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જ્યારે રાજ્ય સરકારના મંત્રીઓ કોઈ જિલ્લાના પ્રવાસે હોય ત્યારે તેમને પ્રોટોકોલ મુજબ ગરિમાપૂર્ણ આવકાર આપવો ફરજિયાત છે. તેમાં કોઈપણ જાતનો ભેદભાવ ચલાવી લેવામાં આવશે નહીં. ગુજરાતના કોઈપણ જિલ્લામાં સરકારી કાર્યક્રમનું આયોજન કરાતું હોય ત્યારે જિલ્લા પ્રભારી મંત્રીને અંધારામાં રાખી શકાશે નહીં. તેમની સાથે સંકલન સાધવું અનિવાર્ય છે. ગુજરાતના કોઈ પણ સાંસદ હોય કે કોઈ પણ ધારાસભ્યો મુલાકાત માટે આવે ત્યારે તેમને રાહ જોવડાવ્યા વગર તુરંત તેમને સાંભળવા અને તેમના સવાલો પર ચર્ચા કરવી મહત્વપૂર્ણ છે. આ સિવાય સરકારી કાર્યક્રમોની કંકોતરી કે પત્રિકામાં જનપ્રતિનિધિઓના નામ પ્રોટોકોલ મુજબ લખવા બાબતે પણ ટકોર કરવામાં આવી છે. આ પરિપત્ર માત્ર વહીવટી પ્રક્રિયા નથી, પણ તેની પાછળ ઊંડો રાજકીય અર્થ છુપાયેલો છે. એવું મનાય છે કે સત્તામાં લાંબો સમય રહેવાથી ઘણીવાર અમલદારી હાવી થઈ જતી હોય છે. ધારાસભ્યોની આ ફરિયાદ દૂર કરીને સરકારે સંદેશ આપ્યો છે કે 'જનતાના પ્રતિનિધિ' જ સર્વોપરી છે. પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (ઙઅઈ) એ પણ અગાઉ નોંધ્યું હતું કે સૂચનાઓ છતાં અમલ થતો નથી. એટલે કે, આ અસંતોષ માત્ર પક્ષ પૂરતો મર્યાદિત નથી પણ બંધારણીય સ્તરે પણ ચર્ચાનો વિષય બન્યો હતો.  

Panchang

dd