• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

હિંસામાં ભારતની ભૂમિકા નહીં : કેનેડા

નવી દિલ્હી, તા. 26 : કેનેડાની સરકાર તરફથી ભારત વિશે પોતાની જૂની ચિંતાઓને દરકિનાર કરીને એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે, કેનેડાની સરકારનું હવે માનવું છે કે, કેનેડામાં બની રહેલા હિંસક અપરાધોમાં ભારતને કોઈ લેવાદેવા નથી. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીની બહુપ્રતીક્ષિત ભારત યાત્રા પહેલાં જ કેનેડાનાં વલણમાં આ ઉપરતળે પરિવર્તન આવ્યું છે. કેનેડાનાં અખબાર ટોરંટો સ્ટારમાં નામ ગુપ્ત રાખીને એક વરિષ્ઠ અધિકારીના હવાલેથી અહેવાલ આપવામાં આવ્યો છે કે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો સહિત બન્ને દેશ વચ્ચે ખૂબ મજબૂત રાજદ્વારી વાટાઘાટ થયેલી છે અને ખાતરીપૂર્વક કહી શકાય કે કેનેડામાં બનેલા ભેદી હિંસક અપરાધોમાં ભારતની કોઈ ભૂમિકા નથી.  કેનેડાના આ બદલાયેલાં અભિગમથી ભારતને મોટી રાહત મળે છે. જો કે ભારત કેનેડા તરફથી ખાલિસ્તાની આતંકવાદીઓ ઉપર હુમલા અને હુમલાનાં કાવતરા સહિતના આરોપો ખારિજ કરતું આવ્યું છે. બીજીબાજુ કેનેડાનો આ અભિગમ ખાલિસ્તાન સમર્થકો માટે મોટો ઝટકો પણ છે. દરમિયાન કાર્નીની ભારત યાત્રાના વિરોધમાં પાર્લામેન્ટ હિલ ઉપર ખાલિસ્તાનીઓનાં સંગઠન શીખ્સ ફોર જસ્ટિસના પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા અને ભારતના ઝંડાનું અપમાન કરીને કાર્નીને પણ પ્રધાનમંત્રી પદેથી હટાવવાની માગણી કરી હતી. 

Panchang

dd