• શનિવાર, 28 ફેબ્રુઆરી, 2026

કચ્છની સોના-100 ખારેક બની દેશની પ્રથમ રજિસ્ટર્ડ પબ્લિક વેરાયટી

ભુજ, તા. 27 : સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સંલગ્ન ખારેક સંશોધન કેન્દ્ર, મુંદરા દ્વારા વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. મુંદરા તાલુકાના ઝરપરા ગામના પ્રગતિશીલ ખેડૂત  મેઘરાજ નાથા બારોટ દ્વારા વિકસાવવામાં આવેલી ખારેકની `સોના-100' જાતનું `પ્લાન્ટ પ્રોટેક્શન વેરાયટી એન્ડ ફાર્મર્સ રાઈટ્સ  એક્ટ' અંતર્ગત દિલ્હી ખાતે સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ જાત દેશમાં ખારેક પાક માટે રજિસ્ટર્ડ થનારી પ્રથમ પબ્લિક વેરાયટી બની છે. આ સિદ્ધિ મેળવવા પાછળ યુનિવર્સિટીની નોડેલ કમિટી અને વૈજ્ઞાનિકોનું વિશેષ યોગદાન રહ્યું છે. વર્ષ 2010માં મેઘરાજભાઈએ હૈદરાબાદની એસ.બાયોટેકનોલોજી લેબને ટિસ્યૂ કલ્ચર માટે ઓફશૂટ આપ્યા હતા, જેના છોડ 2015માં તૈયાર થયા હતા. મુંદરા ખારેક સંશોધન કેન્દ્ર ખાતે 2016થી 2019 દરમિયાન આ જાતનું ઝીણવટભર્યું પરીક્ષણ અને મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. પાંચ વર્ષના સફળ ઉત્પાદન ડેટા બાદ, યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ 2024માં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ હતી, જે ડિસેમ્બર 2025માં પૂર્ણ થઈ હતી. પ્રક્રિયામાં યુનિટ વડા ડી. એ. બૈડિયાવદરા, પૂર્વ સંશોધન નિયામક ડો. સી.એમ. મુરલીધરણ, ડો. કપિલ મોહન શર્મા અને કમિટી ચેરમેન ડો. આર. એન. પટેલની ભૂમિકા મહત્ત્વની રહી હતી. સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે આયોજિત  કાર્યક્રમમાં કુલપતિ ડો. એસ. ડી. સોલંકી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખેડૂત મેઘરાજભાઈને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. `સોના-100' જાતની વિશેષતા એ છે કે, તેના ફળ લાલ રંગના, 25 ગ્રામથી વધુ વજન ધરાવતા અને અત્યંત મીઠાં હોય છે. આ જાત વરસાદી વાતાવરણ સામે પણ ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે અને પ્રતિ વૃક્ષ 100થી 125 કિલોગ્રામ ઉત્પાદન આપે છે.  હાલમાં આ વેરાયટીના 10,000 જેટલા છોડનું વાવેતર થઈ ચૂક્યું છે. આ રજિસ્ટ્રેશનથી માત્ર ગુજરાત જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાં ખારેકનો વાવેતર વિસ્તાર વધશે. વિદેશોમાં પણ ભારતની આ ખારેકની તાજા ફળ તરીકે નિકાસ વધવાની ઉજળી તકો રહેલી છે, કારણ કે તેનો પલ્પ-ટુ-સ્ટોન રેશિયો ઘણો સારો છે, જે ખજૂર બનાવવા માટે પણ અત્યંત અનુકૂળ છે. 

Panchang

dd