• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

આતંક વિરોધી પ્રહાર

ભારત સરકારે `આતંક વિરોધી' નીતિ જાહેર કરી છે. વિશ્વમાં આતંકવાદની ચર્ચા થાય છે અને આતંકવાદી ઘટનાઓને વખોડી કાઢવા સાથે ચિંતા પણ વ્યક્ત થાય છે, જ્યારે ભારત તો આતંકવાદનો ભોગ બન્યું છે. દાયકાઓથી આતંકવાદી આક્રમણ થઈ રહ્યાં છે - કાશ્મીર - પંજાબથી લઈને મહારાષ્ટ્ર અને ગુજરાત સુધી આતંકવાદી હુમલા થયા છે. અલબત્ત, તાજેતરનાં વર્ષોમાં ભારત સરકાર અને સેનાએ આતંકવાદીઓના અડ્ડા નેસ્તનાબૂદ, ખેદાનમેદાન કર્યા પછી હુમલા અટક્યા છે, પણ આતંકવાદનો આખરી અંજામ આવ્યો નથી. માનવતા સામેનો આતંકી પડકાર ખતમ કરવા માટે ભારત સરકારે જે માર્ગદર્શક નીતિ જાહેર કરી છે તે આતંકના `આકાઓ' - સરદારોને સ્પષ્ટ સંદેશ છે કે ભારત હવે આતંકવાદીઓને ઊગતા જ ડામી દેવા માટે સજ્જ છે. કેન્દ્રના ગૃહ ખાતાએ 2021-22માં - ત્રણ વર્ષ પહેલાં જ આતંક વિરોધી પૉલિસી તૈયાર કરવાની જાહેરાત કરી હતી અને ગૃહપ્રધાન અમિતભાઈ શાહે 2024ના નવેમ્બરમાં આવી નીતિ જાહેર - જગજાહેર કરવામાં આવશે એમ કહ્યું હતું. હવે જે માર્ગદર્શક નીતિ જાહેર થઈ છે તે `પ્રહાર' - આતંક વિરોધી રાષ્ટ્રીય નીતિ છે. વાસ્તવમાં આપણી સુરક્ષા - સલામતી એજન્સીઓ અને રાજ્ય સરકારો માટે માર્ગદર્શક છે. આ નીતિનો યોગ્ય અમલ થાય અને થશે એવો વિશ્વાસ છે. આતંક વિરોધી રાષ્ટ્રીય નીતિનાં મૂળ સાત સ્તંભ નક્કી થયા છે, જેમાં આતંકી હુમલા થવાની આગોતરી માહિતી મેળવીને કાવતરાં નિષ્ફળ બનાવવાનું મુખ્ય છે. આપણી તમામ ગુપ્તચર એજન્સીઓ વચ્ચે સહયોગ અને સંકલન અનિવાર્ય છે. એજન્સીઓ અદ્યતન ટેક્નૉલૉજી અને સાધનોથી સજ્જ બનાવાશે. કાયદાનું શાસન અને માનવીય અધિકારોના રક્ષણ માટે આતંક વિરોધી કાયદાઓમાં પ્રબંધ હોવા જોઈએ. આતંકવાદી પ્રવૃત્તિમાં યુવાવર્ગ આકર્ષાય નહીં, જોડાય નહીં તે માટે સાવધાની - જનજાગૃતિના કાર્યક્રમ તથા સમાજનો સહયોગ અને સમર્થન મેળવીને આતંકી હુમલા અટકાવી શકાય અને છેલ્લી બાબત - આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આતંક વિરોધી માહિતીની આપ-લે થાય અને હુમલાનાં કાવતરાં નિષ્ફળ બનાવાય તથા આતંકવાદીઓને - સોંપીને કાનૂની કાર્યવાહી થાય - તે રીતે આંતરરાષ્ટ્રીય સહકાર મેળવાય. આ રાષ્ટ્રીય નીતિમાં પાકિસ્તાનનો નામોલ્લેખ નથી પણ પાડોશી દેશની રાજકીય અસ્થિરતા અને તેની ભૂમિનો ઉપયોગ આતંકી હુમલા માટે થાય છે. આતંકવાદીઓને આશ્રય અને રક્ષણ અપાતું હોવાનું જણાવાયું છે તે નિર્દેશ પાકિસ્તાન ભણી છે. ભારતે આતંકવાદીઓના અડ્ડા - તેના ઘરમાં ઘૂસીને ખતમ કર્યા છે. સર્જિકલ સ્ટ્રાઇક પછી પહેલગામના હુમલાનો બદલો લીધો છે. પાકિસ્તાને ભારે કિંમત ચૂકવી છે છતાં આતંકની ટાંગ ઊંચી બતાવે છે. હવે નૂતન ભારતની શક્તિ અને દૃઢ નિર્ણાયક શક્તિનો પરચો જોયા પછી આતંકવાદને પ્રત્યક્ષ અને પરોક્ષ સમર્થન આપનારા દેશ સાનમાં સમજી જાય એવી આશા રાખી શકાય

Panchang

dd