ગાંધીધામ, તા. 27 : તાજેતરમાં કચ્છની મુલાકાતે
આવેલા પશ્ચિમ રેલવેના પ્રિન્સિપલ ચીફ કોમર્શિયલ મેનેજરને રૂબરૂ મળી ગાંધીધામ ચેમ્બર
ઓફ કોમર્સના પ્રતિનિધિમંડળ દ્વારા કચ્છના રેલવે
વિસ્તરણના પ્રશ્ને રજૂઆત કરાઈ હતી. આ બેઠક
દરમ્યાન કચ્છના વિશિષ્ટ, ભૌગોલિક, વ્યાપારિક અને
વ્યૂહાત્મક મહત્ત્વને ધ્યાનમાં લઈને મહત્ત્વના
મુદ્દાઓ રેલવેના અધિકારી સમક્ષ રજૂ કરાયા હતા.
અમદાવાદમાં ડી.આર.એમ. અને ગાંધીધામના એ.આર.એમ.
રહી ચૂકેલા પ્રિન્સિપલ ચીફ કોમર્શિયલ મેનેજર તરુણ જૈન સમક્ષ ચેમ્બર દ્વારા ભુજ-બાન્દ્રા ટર્મિનસ
એસી એક્સપ્રેસને દૈનિક દોડાવવા, ચીરઈ ખાતે ગૂડસ સાઈડમાં
માળખાંકીય સુવિધાનો વિકાસ, માલવાહક સુવિધાઓનું વિસ્તરણ અને કચ્છનાં બંદરો ઉપર વધતા આયાત-નિકાસને અનુરૂપ
વધુ માલગાડીઓ ફાળવવા સહિતના મુદ્દા રજૂ કરાયા હતા. ગાંધીધામના વિકલ્પ રૂપે બની રહેલા
ગોપાલપુરી રેલવે સ્ટેશનમાં અંદર અને બહાર પ્રવાસીવર્ગ માટે તમામ સુવિધાઓ વિકસાવવામાં આવે,
ત્યાર બાદ જ સ્ટેશન શરૂ કરવા
ભારપૂર્વક રજૂઆત કરી હતી. સહરદી અને વિશાળ એવા કચ્છના છેવાડાનાં ગામો સુધી રેલવે
કનેક્ટિવિટી મજબૂત બને, કચ્છના વિકસતા પ્રવાસન ક્ષેત્ર અને એન.આર.આઈ. વર્ગને સુલભ સેવા
મળે તે માટે ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ભારતની
સીધી ટ્રેનસેવા માટે ભારપૂર્વકની રજૂઆત કરાઈ હતી. ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું
હતું કે, કચ્છ ભારતનો સરહદી અને વ્યૂહાત્મક રીતે મહત્ત્વનો જિલ્લો
છે. દેશની મહત્તમ આયાત-નિકાસ થાય છે તેવા કચ્છમાં
રેલવે નેટવર્કનું વિસ્તરણ માત્ર પ્રવાસી સુવિધા પૂરતું જ નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા,
વેપાર વૃદ્ધિ અને પ્રદેશના વિકાસ માટે જરૂરી છે. એન.આર.આઈ. સમુદાય માટે
મેટ્રો શહેરનું જોડાણ જરૂ2ાu છે, વધુમાં કહ્યું હતું કે, ચીરઈ ગૂડસ સાઈટ
અને માલવહન સુવિધાના વિકાસથી બંદર આધારિત ઉદ્યોગોને સ્પર્ધાત્મકતા વધશે. માનદમંત્રી
મહેશ તીર્થાણીએ કચ્છ દેશના લોજિસ્ટિક અને પોર્ટ
આધારિત અર્થતંત્રનું મહત્ત્વનું કેન્દ્ર બન્યું
છે. આવી સ્થિતિમાં રેલવે માળખાંકીય સુવિધાઓનો વિકાસ સમયની માંગ હોવાનું કહ્યું હતું. પ્રતિનિધિમંડળમાં રાકેશ જૈન,
ખજાનચી કૈલેશ ગોર, પૂર્વ પ્રમુખ પારસમલ નાહટા જોડાયા
હતા. આ વેળાએ એ.આર.એમ. આશિષ ધાનિયા ઉપસ્થિત રહ્યા હતા.