• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

ભારત-બ્રાઝિલ વચ્ચે શાણપણભરી ભાગીદારી

રાજધાની દિલ્હીમાં એઆઇ પર વૈશ્વિક મેળો યોજાયો એ દરમ્યાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોં સાથે અને એ પછી બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લૂલા ધ સિલ્વા સાથેની શિખર બેઠક ખૂબ ફળદાયી રહી. દુનિયામાં સત્તાના પરિમાણ બદલાઇ રહ્યા છે, તેમાં ભાજપ એક પછી એક મહત્ત્વપૂર્ણ દેશો સાથે સંબંધ વિસ્તારીને પોતાની સ્થિતિ મજબૂત બનાવી રહ્યું છે. રાષ્ટ્રપતિ લૂલા ધ સિલ્વાની ચાર દિવસની ભારતયાત્રા આપણી વૈશ્વિક કૂટનીતિની અગત્યની ઘટના લેખાવાઇ રહી છે. ભારત અને બ્રાઝિલ દુનિયાના બે ઊભરતાં અર્થતંત્ર છે. રાષ્ટ્રપતિ લૂલાની મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધો સુદૃઢ થયા જ સાથે ગ્લોબલ સાઉથના દેશની એકતાનો સંદેશ દુનિયાને આપ્યો છે. લૂલા સૌથી મોટાં પ્રતિનિધિ મંડળ સાથે ભારત આવ્યા હતા, જેમાં 14 મંત્રી, 300થી વધુ સીઇઓ સામેલ હતા. પ્રતિનિધિ મંડળો વચ્ચે વેપાર-ટેક્નોલોજી, વૈશ્વિક શાસન જેવા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વકની ચર્ચા સાથે ભારત-બ્રાઝિલ વ્યૂહાત્મક ભાગીદારી નવી ઊંચાઇએ પહોંચી છે. બંને દેશે એઆઇ સહયોગ વધારવા નિર્ધાર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, રાષ્ટ્રપતિ લૂલાના દૂરંદેશી નેતૃત્વથી દ્વિપક્ષીય સંબંધોને નવી ઊર્જા મળી છે. ભારત અને બ્રાઝિલ આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપાર 20 અબજ ડોલરને પાર લઇ જવા પ્રતિબદ્ધ છે. બંને દેશના નેતાઓએ એઆઇને ડિજિટલ સામ્રાજ્યવાદથી બચાવવાની જરૂરત ઉપરે ભાર મૂક્યો. લૂલાએ ભારતની ડિજિટલ પ્રગતિની પ્રશંસા કરી અને કહ્યું કે, કૃત્રિમ બુદ્ધિમતા (એઆઇ)નો ઉપયોગ વિકાસશીલ દેશોના હિતમાં થવો જોઇએ. રાષ્ટ્રપતિ લૂલાની ભારત મુલાકાતનો સમયગાળો પણ સૂચક છે. અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ મિશન વધારે રાખ્યું છે અને ભારતે વેપાર વિસ્તાર માટે બીજા વિકલ્પોની શોધ જારી રાખી છે. યુરોપીય સંઘ સાથે ટ્રેડ ડીલમાં સફળતા પછી ફ્રાન્સ સાથે પણ આપણી મિત્રતા ગાઢ બની, યુ.કે. પણ ભારતની લાઇનમાં છે એ ક્રમ આગળ વધારતાં ભારતે બ્રાઝિલને પોતાની નજીક લીધું છે. બંને દેશની શિખર મંત્રણામાં 10 સમજૂતી થઇ, જેમાં દુર્લભ અર્થ મિનરલ્સ અને લિથિયમ જેવા મહત્ત્વપૂર્ણ ખનિજ ક્ષેત્રે સહયોગ નોંધપાત્ર છે. ઇલેક્ટ્રિક વાહનો તથા ગ્રીન એનર્જી માટે આ પૃથ્વી તત્ત્વ જરૂરી છે. અહીં એ નોંધનીય છે કે, બ્રાઝિલ પાસે આવાં ખનિજોનો વિશાળ ભંડાર છે, જ્યારે ભારત પ્રોસેસિંગ ટેકનિકમાં સમૃદ્ધ છે. બંનેનો સહયોગ ખૂબ ચાવીરૂપ બની રહેવાનો. તદુપરાંત એઆઇ, સેમિકન્ડક્ટર અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ લાયબ્રેરી ક્ષેત્રે સમજૂતી દર્શાવે છે કે ભારત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુદૃઢ બનાવવાની દિશામાં ખૂબ ગંભીરતા અને ગતિભેર આગળ વધી રહ્યું છે. એ સિવાય અનેક ક્ષેત્રે ભારત-બ્રાઝિલ નજીક આવી ગયાં છે. એક સમયે દક્ષિણ એશિયામાં વ્યાપાર ક્ષેત્રે ચીનનું આધિપત્ય રહેતું. ભૂ-રાજનૈતિક દૃષ્ટિકોણથી ચીન પર નિર્ભરતા ઘટાડવાની દિશામાં પણ આ એક મહત્ત્વનું પગલું છે. ચાવીરૂપ ખનિજોમાં ચીનનું વર્ચસ્વ છે. બંને નેતાએ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં સુધારાની હિમાયત કરી, વિશેષ તો સુરક્ષા સમિતિના વિસ્તારની વાત વિવિધ મંચ પર ઊઠતી રહે છે, તેમ આ બેઠકમાં પણ તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો. આતંકવાદના સામના માટે પ્રતિબદ્ધતા વ્યક્ત થઇ. વડાપ્રધાન મોદીએ સૂચક રીતે કહ્યું કે, આતંકવાદ અને તેના સમર્થકો માનવતાના દુશ્મન છે. તમામ સમસ્યાઓનો ઉકેલ વાતચીત અને મુત્સદ્દીગીરીથી આવવો જોઇએ. ટૂંકમાં, બ્રાઝિલના રાષ્ટ્રપતિની ભારતયાત્રામાં દક્ષિણ-દક્ષિણ સહયોગનું નવું મોડેલ જોવા મળ્યું. એક સંદેશ એ પણ છે કે, ઊભરતા દેશો હાથ મેળવીને વિકસિત દુનિયાના પડકારોનો સામનો કરી શકે છે. 

Panchang

dd