• શનિવાર, 28 ફેબ્રુઆરી, 2026

ગાંધીધામના સુંદરપુરીમાં જીયુડીસીના કારણે લોકોનાં ઘરોમાં દૂષિત પાણી આવ્યું

ગાંધીધામ, તા. 27 : ગાંધીધામમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની એટલે કે જીયુડીસીની કામગીરીના કારણે લોકોને વ્યાપક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નલ સે જલ યોજના હેઠળ લાંબા સમય સુધી આ સંસ્થાના અધિકારીઓ આરામ ફરમાવ્યા બાદ ભારતનગર સહિતના વિસ્તારોમાં પાકા રોડ તેમજ પેવર બ્લોક અને ડામર રોડ તોડીને હાલના સમયે લાઈનો નાખે છે, જેના કારણે શહેરની સુંદરતામાં તો બટ્ટો લાગે જ છે, સાથે-સાથે માર્ગોને પણ વ્યાપક નુકસાન પહોંચે છે. કામગીરી પૂર્ણ કર્યા પછી પણ માર્ગની મરંમત કરાતી નથી છતાં મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર આંખે પાટા બાંધેલા રાખતાં અનેક સવાલો ઊઠયા છે. હાલના સમયે શહેરના સુંદરપુરી વિસ્તારમાં જીયુડીસીના કારણે લોકોને પીવાનું પાણી દૂષિત મળી રહ્યું છે. મહાનગરપાલિકાએ હાથ ઊંચા કરી લેતાં સીધી મુખ્યમંત્રીને ફરિયાદ કરવામાં આવી છે.  શહેરના અનેક વિસ્તારોમાં જીયુડીસીના કારણે સમસ્યાઓ સર્જાઈ રહી છે. ખરેખર આ એજન્સીની કામગીરીની સમીક્ષા સરકારમાં થવી જોઈએ, પણ તે થતી નથી. મહાનગરપાલિકા એજન્સી વિરુદ્ધ પગલાં ભરી શકતી નથી, તેના પરિણામ સ્વરૂપ ગાંધીધામ-આદિપુરના ચાર લાખ લોકોને સમસ્યાઓ વેઠવી પડી રહી છે. શહેરના સુંદરપુરી વિસ્તારમાં જીયુડીસી દ્વારા ખાડા ખોદીને રાખી દેવામાં આવતાં તે ખાડાઓ ભયજનક બન્યા છે અને ખોદકામ દરમિયાન પાણીની લાઈનોને નુકસાન પહોંચતાં સુંદરપુરી વિસ્તારમાં પીવાનું પાણી દૂષિત આવી રહ્યું છે.  મહાનગરપાલિકાને ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં ન ભરાતાં કોંગ્રેસના મહામંત્રી લતીફ ખલીફાએ સીધો મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, તેમાં જીયુડીસીની કામગીરી અને શહેરમાં લોકોને જે મુશ્કેલીઓ પડી રહી છે, તેમાંથી મહાનગરપાલિકાએ હાથ ઊંચા કરી લેતાં લોકો ફરિયાદ કરે તો ક્યાં કરે તે સહિતના સવાલો સાથે મુખ્યમંત્રીનું ધ્યાન દોરવામાં આવ્યું છે. ખરેખર જીયુડીસીની કામગીરી અંગે મહાનગરપાલિકાની નિગરાની રાખવાની સત્તા હોવી જોઈએ પણ નથી તેના કારણે સમસ્યાઓ સર્જાય છે. મ્યુનિસિપલ કમિશનર જીયુડીસીના જવાબદારોને સૂચનાઓ આપે છે, પરંતુ તે મુજબની કામગીરી જમીન ઉપર થતી નથી. 120 કરોડથી વધુનો પ્રકલ્પ હજુ સુધી કાર્યરત થયો નથી. રાજ્ય સરકારમાં આખી યોજના પૂરી થઈ ગઈ છે. ગાંધીધામમાં આ યોજના હેઠળ હજી લોકોનાં ઘરનાં નળમાં જળ આવ્યું નથી, જેના કારણે સમસ્યાઓ સર્જાઈ રહી છે. સરકાર દ્વારા આ બાબતે ધ્યાન આપવામાં આવે તેવી માંગ પત્રના અંતમાં કરવામાં આવી છે. 

Panchang

dd