ગાંધીધામ, તા. 27 : શહેરના કાસેઝમાં આવેલા એક બોન્ડ
વેરહાઉસના બાથરૂમની દીવાલમાં બાકોરું કરી દારૂ પ્યાસીઓએ રૂા. 64,200ના દારૂની ચોરી કરી હતી. મેટ્રો
શહેર ભણી આગળ વધતા આ શહેરમાં વિદેશી દારૂની પણ માંગ વધી છે. શહેરના કાસેઝમાં આવેલા
ડાયનેમિક ડયૂટી ફ્રી વેરહાઉસમાં તા. 19/1/2025થી 24/2/ 2026 દરમ્યાન
દારૂ પ્યાસીઓએ હાથ માર્યો હતો. કંપનીના માલિક પંકિલ સુનીલ મોહતાએ તા. 31/10/ 2025ના દુબઇથી તથા 19/11/2025ના હોંગકોંગથી એમ બે વખત દારૂનો
જથ્થો મગાવ્યો હતો જે કાસેઝના આ વેરહાઉસમાં રાખવામાં આવ્યો હતો. તા. 24/2ના અહીં મેનેજર તરીકે કામ કરતા
અમિત જયસુખ ભટ્ટ વેરહાઉસમાં જતાં દારૂનો જથ્થો ઓછો હોવાનું બહાર આવ્યું હતું. દરમ્યાન
તપાસ કરાતાં બાજુમાં બંધ હાલતમાં રહેલા એસ. આર. બ્રધર્સ નામના વેરહાઉસના શટર તોડી તસ્કરો
અંદર ઘૂસ્યા હતા અને બાથરૂમમાં જઇ તેમાં બાકોરું પાડી ડાયનેમિક વેરહાઉસના બાથરૂમમાં
થઇ ગોદામ સુધી પહોંચ્યા હતા. અહીંથી જેગાર માસ્ટર 700 એમએલની 120 બોટલ, હાઇલેન્ડ ક્વીન એક લિટરની 24 બોટલ, કેટોસ 750 એમએલની 24 બોટલ, ટીચરની 24 બોટલ, હેંકી બેનીસ્ટની 24 બોટલ, કર્લોસી વાઇન 750 એમએલની 24 બોટલ એમ કુલ્લ રૂા. 64,200ના દારૂની તફડંચી કરી હતી.
તસ્કરો આવતા-જતા વેળાએ બાથરૂમમાં બાકોરાની જગ્યાએ પૂઠું ભરાવીને જતા હતા. ચોરી થયેલો
આ માલ દિલ્હી મોકલવાનો હતો, પરંતુ સ્પેસ
સર્ટિફિકેટ પૂરું થઇ જતાં બે-ત્રણ દિવસ લોડ કરેલી ટ્રક કસ્ટમ ગેટ પર રહ્યા બાદ માલ
પરત વેરહાઉસમાં રાખવામાં આવ્યો હતો. આ અગાઉ પણ કાસેઝના અન્ય એક વેરહાઉસમાંથી દારૂની
ચોરી થઇ હતી, જેમાં અમુક રાજકીય હોદ્દેદારોનાં નામ પણ બહાર આવ્યા
હતા ત્યારે પોલીસે સી.સી.ટી.વી. તપાસવા સહિતની આગળની તપાસ હાથ ધરી છે.