ભચાઉ, તા. 27 : સમગ્ર ગુજરાતમાં સરકારી જમીનો
ઉપર કાચાં પાકાં દબાણો દૂર કરાઈ રહ્યાં છે ત્યારે ભચાઉ નગર દબાણમુક્ત થાય, વધતી પેશકદમી અટકે તે માટે પ્રાંત કચેરી ખાતે
યોજાયેલી બેઠકમાં ચર્ચા-વિચારણા કરાઈ હતી.
આ બેઠકમાં શહેર, તાલુકા પ્રદેશ ભાજપના પદાધિકારી, આગેવાનો, નગરપાલિકા પ્રમુખ, નગરસેવકો,
વેપારીઓ, વેપારી મંડળના સભ્યો હાજર રહ્યા હતા. જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વિકાસભાઈ રાજગોરે
સોઈ ઝાટકીને કહ્યું કે, સમગ્ર ગુજરાતમાં
દબાણ હટાવ ઝુંબેશ ચાલે છે. ભચાઉમાં ગુંડાગીરી
વધતી જોવા મળી રહી છે તમામ દૂષણો વધી રહ્યાં છે અને નગરના વેપારીઓ, સત્તાપક્ષ વગેરેની સહમતી છે ત્યારે દબાણ રૂપી દૂષણો દૂર થવાં જોઈએ. ભચાઉ અરિહંત
કોમ્પલેક્ષ વેપારી મંડળ પ્રમુખ ભરતસિંહ જાડેજાએ કહ્યું કે, રેંકડી
રાખી કબજો કરી પછીથી કેબિન ભાડે અપાય છે, જે ટ્રાફિકને બાધારૂપ
બને છે. પ્રારંભે જ આવી પેશકદમી અટકાવવાની કામગીરી થતી નથી. વોર્ડ નં. એકના કાઉન્સિલર
ભરતભાઈ કાવતરાએ કહ્યું કે, નવા બસ સ્ટેશનથી જૂના બસ સ્ટેશન સુધીનાં
દબાણ દૂર કરવા જોઈએ. શાસ્ત્રી અવિનાશભાઈ જોશીએ
માંસ-મટનની દુકાનો વધતી જાય છે, જૂના બસ સ્ટેશન માર્ગ
પર આ દૂષણ વધ્યું છે, જે દૂર કરવા તેમજ ગીચ
બની ગયેલા મહારાણા પ્રતાપ ગેટથી લોહાણા મહાજનવાડી
વિસ્તારમાં સર્જાયેલી સ્થિતિ મુદ્દે રજૂઆત
કરી હતી. વાહનો, લારી, કેબિનનાં અતિક્રમણના
કારણે ચાલવું કઠિન બન્યું હોવાનું તેમણે ઉમર્યું
હતું. શાકમાર્કેટમાં પચાસ ટકા દબાણવાળા ભાડું વસૂલ કરતા હોવાની રજૂઆત થઈ હતી. દબાણનાં કારણે નગરના સાર્વજનિક પ્લોટ બચ્યા ન હોવાનું
નગરસેવક પિંટુભાઈ ગઢવીએ કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, બટિયા વિસ્તારથી બસ સ્ટેશન સુધી માંસ-મટનની
દુકાનો વધી રહી છે. ભૂકંપ પૂર્વેની લારીઓ હજુ ગોઠવાયેલી પડી છે તે દૂર થવી જોઈએ. કુંભારડીના અને કેડીસીસી બેંકના ડાયરેક્ટર નરેન્દ્રસિંહ
જાડેજાએ ચાર રસ્તાથી બજાર સુધી દબાણ દૂષણરૂપ બન્યાં હોવાનું કહ્યું હતું. આ બેઠકમાં
તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ છાંગા, શહેર ભાજપ પ્રમુખ વિશાલભાઈ કોટક, ભચાઉ નગરપાલિકા પ્રમુખ
પેથાભાઈ રાઠોડ, પ્રદેશ ભાજપના અરજણભાઈ રબારી, જિલ્લા ભાજપના મંત્રી રૂપલબેન દેસાઈ, વેપારી મંડળના પ્રમુખ
હર્ષદ ઠક્કર,પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોયલ, મામલતદાર મોડસિંહ રાજપૂત, ઇજનેર એસ.ડી. ઝાલા,
પોલીસ અધિકારી સહિતના વહીવટી તંત્રના વડાઓ હાજર રહ્યા હતા. પ્રાંત અધિકારી
દ્વારા દબાણ હટાવ ઝુંબેશ આગામી દિવસોમાં શરૂ કરાશે અને નવા બસ સ્ટેશન ચાર રસ્તાથી બજાર
સુધી અને બટિયા તરફ પણ આ કામગીરી કરાશે તેવું
કહ્યું હતું. હટાવાયેલાં દબાણો ફરી ન ખડકાય તેવી
ટકોર પણ આ બેઠક દરમ્યાન કરાઈ હતી.