• શનિવાર, 28 ફેબ્રુઆરી, 2026

પાઠયપુસ્તકમાં ન્યાયપાલિકા : સુપ્રીમ કોર્ટની લાલઆંખ

ભારતમાં ન્યાયતંત્રની ગરિમા અને સન્માનનું સ્તર અનોખું છે, પણ છેલ્લા થોડા સમયથી ન્યાય મળવામાં થતા વિલંબ અને તેનાં કારણોની ચર્ચા પણ છેડાઈ છે. આ સંદર્ભમાં એનસીઈઆરટીના આઠમા ધોરણના સમાજ વિજ્ઞાનનાં પાઠયપુસ્તકમાં ન્યાયપાલિકા સામેના પડકારોની કરાયેલી ચર્ચાએ ભારે વિવાદ સર્જ્યો છે.  આ પુસ્તકના એક પાઠમાં ન્યાયમૂર્તિઓની ઓછી સંખ્યાથી માંડીને કહેવાતા ભ્રષ્ટાચાર અને લંબાતા જતા કેસોનો સમાવેશ કરાયો હતો.  સ્વાભાવિક રીતે સર્વોચ્ચ અદાલતે આ પુસ્તકની સામે ભારે રોષ વ્યક્ત કરીને આઠમા ધોરણના આ પુસ્તક પર પ્રતિબંધ લાદીને જવાબદારોની સામે પગલાં લેવાની તૈયારી કરી છે. એનસીઈઆરટીનાં આ નવાં પુસ્તકમાં હમારે સમાજ મેં ન્યાયપાલિકાની ભૂમિકા નામના અધ્યાયની સામે  સવોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતના વડપણ હેઠળની બેંચે આ સખત વાંધો ઉઠાવીને તેનાથી ન્યાયતંત્રને ગોળીએ દઈને લોહીલુહાણ કરાયું હોવાનો મત વ્યક્ત કર્યો છે.  અદાલતે આ પુસ્તક પર તત્કાળ પ્રતિબંધ લાદીને તેની તમામ પ્રકારની નકલોને વિના વિલંબે જાહેર ચલણમાંથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. અદાલતે એનસીઈઆરટીના નિર્દેશક અને કેન્દ્રના શિક્ષણ વિભાગના સચિવને બોલાવીને આ મામલે કોઈ પગલાં શા માટે ન લેવા એનો ખુલાસો કરવા આદેશ આપ્યો છે.  સર્વોચ્ચ અદાલતે આ મામલામાં જવાબદારોની સામે કોર્ટના અપમાન સહિતના પગલાં લેવા કે નહીં તેનો પણ જવાબ માગ્યો છે. સરકારે આ માટે અદાલતની માફી પણ માગી લીધી છે. આગળ હવે કેવાં પગલાં લેવાય છે, તેના પર ન્યાયતંત્ર અને શિક્ષણતંત્ર સાથે સંકળાયેલા વર્ગોની સ્વાભાવિક રીતે નજર રહેશે. જો કે, છેલ્લા થોડા સમયથી ખુદ મુખ્ય ન્યાયમૂર્તિ તેમનાં તંત્રમાં જજોની ઓછી સંખ્યા અને ચુકાદા આપવામાં થઈ રહેલા વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. સૌ કોઈ આ પડકારથી વાકેફ છે, તો બીજી તરફ અમુક એકલદોકલ કિસ્સાઓમાં ન્યાયાધીશોના કહેવાતા ભ્રષ્ટાચારની વિગતો પણ સામે આવતી રહી છે. ખાસ તો દિલ્હીની વડી અદાલતના ન્યાયાધીશ યશવંત વર્માના નિવાસે કરોડો રૂપિયાની અડધી બળેલી ચલણી નોટો મળી આવ્યાના ચોંકાવનારા કિસ્સામાં તેમની સામે મહાભિયોગની પ્રક્રિયા ચાલી રહી છે. આવા અમુક કિસ્સા છતાં દેશમાં ન્યાયપાલિકાની શાખ ભારે મજબૂત બની રહી છે. ન્યાયપાલિકા લોકશાહીનો ચોથો સ્તંભ છે. અનેક સંવેદનશીલ મામલા વિદ્વાન અદાલતે ઉકેલીને દેશને શાંતિની ભેટ આપી છે. સમાજના વિવિધ વર્ગના લોકોને અન્યાય ન થાય એ માટે ન્યાયતંત્ર પ્રતિબદ્ધ રહ્યું છે. રામજન્મભૂમિ કેસનો ચુકાદો, ત્રણ તલાક, બોફોર્સ વિવાદમાં સર્વોચ્ચ અદાલતે બેધડક નિરીક્ષણ આપ્યાં છે. દુનિયાના દેશોમાં ભારતની ન્યાય વ્યવસ્થાની દુહાઇ આપવામાં આવે છે. બહુવિધ ભાષા-રીતિ રિવાજ, સાંસ્કૃતિક-પ્રાદેશિક ભિન્નતા છતાં ભારત એક સૂત્રે બંધાયેલો છે એમાં ન્યાયતંત્રની ભૂમિકા મહત્ત્વની છે એમ કહેવું જ રહ્યું. એટલા માટે એનસીઈઆરટીએ પાઠયપુસ્તકમાં જે રીતનો ઉલ્લેખ કયા ઈરાદાથી કર્યો છે તે તપાસની બાબત છે. જો કે, આ પ્રકરણમાં એનસીઈઆરટીએ આંતરિક ભ્રષ્ટાચારની ઘટનાઓને લીધે લોકોના ભરોસા પર નકારાત્મક અસર કરી હોવાના માજી મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈના કથનને પણ ટાંકવામાં આવ્યું છે.  ન્યાયપાલિકાની શાખને હાનિ ન પહોંચે તે માટે સર્વોચ્ચ અદાલતના કડક વલણની સામે કોઈ સવાલ હોઈ શકે નહીં.  લોકશાહીના આ મજબૂત સ્તંભની સામેના પડકારોમાં હવે સરકારથી માંડીને ન્યાયાધીશોએ સાથે મળીને ઉકેલ શોધીને તેનો અમલ કરવા પર ધ્યાન આપવાની જરૂરત આ પ્રકરણે છતી કરી છે. 

Panchang

dd