ગાંધીધામ, તા. 27 : વાગડમાં છેલ્લા લાંબા સમયથી
ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિઓએ માથું ઊંચક્યું હોવાની અનેકો ફરિયાદો વચ્ચે ખાણ
અને ખનિજ વિભાગે રાપર તાલુકાના પલાંસવા પાસેથી
ગેરકાયદેસર રીતે ચાઈના ક્લે માટી વહનનું કારસ્તાન ઝડપી પાડયું હતું. આ કાર્યવાહીમાં
18 વાહન સાથે કુલ રૂા. સાત કરોડનો
મુદ્દામાલ કબજે લેવાયો હતો. જિલ્લા કલેક્ટર આનંદ પટેલની સૂચના અન્વયે ભૂસ્તરશાત્રની અંજારની કચેરીએ વિવિધ વિસ્તારમાં
ગેરકાયદેસર રીતે માટી ખનન તથા વહન અંગે તપાસ ઝુંબેશ હાથ ધરી હતી. દરમ્યાન પલાંસવા પાસે તંત્રે ચાઈના ક્લે માટી લઈને જતાં
17 ડમ્પર અને એક ટ્રકને રોકાવી
તપાસ હાથ ધરી હતી. વાહનચાલકો ખનિજ વહન માટેના
જરૂરી આધાર-પુરાવા રજૂ કરી શક્યા ન હતા. ખાણ-ખનિજ વિભાગે આ તમામ વાહનોને સીઝ કરી અંદાજિત
રૂા. સાત કરોડનો મુદ્દામાલ કબજે લઈને વિધિવત
રીતે પોલીસ ફરિયાદ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.