નવી દિલ્હી, તા. 26 : ન્યાયપાલિકાની
બદનામીથી નારાજ દેશના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત લાલધૂમ થયાના બીજા દિવસે ગુરુવારે
સર્વોચ્ચ અદાલતે એનસીઇઆરટીના આઠમા ધોરણના સામાજિક વિજ્ઞાનના આખાં પુસ્તક પર પ્રતિબંધ
મૂકી દીધો હતો. બીજીતરફ ચોમેરથી ટીકા અને કાનૂની દબાણ બાદ કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર
જનરલ તુષાર મહેતાએ આજે કોઇ પણ શરત વિના માફી માગી હતી. જો કે, તેમ છતાં આકરું વલણ અપનાવતાં મુખ્ય ન્યાયમૂર્તિ
સૂર્યકાંતે કહી દીધું હતું કે, કેસ બંધ નહીં થાય. તમામ પાઠયપુસ્તકો
પાછાં ખેંચી લો. મુખ્ય ન્યાયમૂર્તિએ ચેતવણી આપતાં કહ્યું હતું કે, કોઇ પણ દોષીને છોડાશે નહીં. આ લાપરવહી માટે જવાબદાર લોકોને સજા થશે. `ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર' શીર્ષક સાથેનું પ્રકરણ સમાવતા પાઠયપુસ્તક પર
પ્રતિબંધ મૂકતાં મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું હતું કે, દેશની ન્યાયપાલિકાને
બદનામ કરવા માટે આ એક સુનિયોજિત ષડયંત્ર રચાયું હોય તેવું મને જણાય છે. આઠમા ધોરણનું
સામાજિક વિજ્ઞાનનું આખું પાઠયપુસ્તક છાપવા તેમજ તેનું વેચાણ કરવા પર કોર્ટે પૂર્ણ પ્રતિબંધ
મૂકી દીધો છે. બજારમાં ગયેલાં પુસ્તકો પાછા
ખેંચવા તેમજ વેબસાઇટ પરથી હટાવી દેવા નિર્દેશ અપાયો છે. સર્વોચ્ચ અદાલતે આ મામલામાં
એનસીઇઆરટી ડાયરેક્ટર તેમજ કેન્દ્રીય શિક્ષણ સચિવને નોટિસ આપીને જવાબ માગ્યો હતો.એટલું
જ નહીં, પરંતુ જવાબમાં પુસ્તકના પાઠયક્રમ પર બેઠકોની કાર્યવાહી
તેમજ વિવાદી પ્રકરણ લખનાર લેખકોના નામ અને યોગ્યતા સહિત વિગતો આપવા આદેશ આપ્યો છે.
આ મામલામાં જવાબદારોની ઓળખ કરીને કડક કાર્યવાહી કરાશે. ઊંડાણપૂર્વક તપાસ કરાશે. એનસીઇઆરટી
પણ અવહેલનાની કાર્યવાહી પણ થઇ શકે છે. આ મામલા પર હવે 11મી માર્ચના દિવસે સુનાવણી કરાશે. મુખ્ય
ન્યાયમૂર્તિ સૂર્યકાંત ભારે નારાજ થયા પછી એનસીઇઆરટી દ્વારા તરત માફી પણ મગાઇ હતી.