નવી દિલ્હી, તા. 27 : દિલ્હીની
રાઉઝ એવેન્યુ કોર્ટે શુક્રવારે બહુચર્ચિત શરાબનીતિ કૌભાંડના મામલામાં પૂર્વ મુખ્યમંત્રી
અરવિંદ કેજરીવાલ, પૂર્વ ઉપમુખ્યમંત્રી
મનીષ સિસોદિયા તેમજ અન્ય 21 આરોપીને નિર્દોષ
મુક્ત કર્યા હતા. આ મામલાની તપાસ કરી રહેલી સીબીઆઈએ તરત જ આ ચુકાદા વિરુદ્ધ દિલ્હી
હાઈકોર્ટમાં અપીલ કરી હતી. રાઉઝ એવેન્યુ કોર્ટે કેજરીવાલ, સિસોદિયાને મોટી રાહત આપતાં ચુકાદામાં સીબીઆઈની
ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું હતું કે, બન્ને વિરુદ્ધ કોઈ પુરાવા
નથી. આરોપ સાબિત થતા નથી. સીબીઆઈએ ષડયંત્ર રચવાની કોશિશ કરી હતી. તેનો સિદ્ધાંત નક્કર
પુરાવાઓના સ્થાને માત્ર અનુમાન પર હતો તેવું અદાલતે કહ્યું હતું. બીજી તરફ નિર્દોષ
મુક્ત થયા પછી કોર્ટની બહાર પત્રકારો સાથે વાત કરતી વખતે રડી પડેલા કેજરીવાલે કહ્યું
હતું કે, મેં ઈમાનદારી કમાઈ છે. આજે સાબિત થઈ ગયું કે કેજરીવાલ,
સિસોદિયા, આમ આદમી પાર્ટી કટ્ટર ઈમાનદાર છે.સિસોદિયાએ
કહ્યું હતું કે, આજે બંધારણ અને આંબેડકરજી પર ગર્વ થાય છે જેમણે
દેશને આવું સંવિધાન આપ્યું. આજે કરી સત્યની જીત થઈ છે. રાઉઝ એવેન્યુ કોર્ટે ચુકાદો
આપ્યાના લગભગ છ કલાકમાં જ સીબીઆઈ દ્વારા હાઈકોર્ટમાં ચુકાદા વિરુદ્ધ અપીલ કરી દેવાઈ
હતી. રાઉઝ એવેન્યુ કોર્ટે કહ્યું હતું કે, કેજરીવાલનું નામ કોઈ
નક્કર પુરાવા વિના જોડાયું. મામલો કોઈ બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિ સાથે જોડાયેલો
હોય ત્યારે કોઈ નક્કર પુરાવા વિના આરોપ મૂકવો કાયદાના સિદ્ધાંતો વિરુદ્ધ છે.સિસોદિયા
પર આરોપ હતો કે, તેઓ શરાબનીતિ લાગુ કરવા માટે જવાબદાર હતા,
પરંતુ અદાલતે જણાવ્યું હતું કે, તેમના સામેલ હોવાના
કોઈ પુરાવા જ નથી મળ્યા. રાઉઝ એવન્યુ કોર્ટે ચુકાદામાં કેજરીવાલ, સિસોદિયા સહિત તમામને પુરાવાના અભાવે મુક્ત
કરતા કહ્યું હતું કે સીબીઆઈ આરોપોને સાબિત કરવામાં નિષ્ફળ રહી છે. કેસમાં કોઈ અપરાધિક
ષડયંત્ર જોવા મળતું નથી અને કોઈ વિશ્વસનિય પુરાવા નથી. સ્પેશિયલ જજ જિતેન્દ્ર સિંહે
આદેશ આપતા સીબીઆઈની કોઈપણ પુરાવા વિના કેજરીવાલ સહિતના લોકોને ફસાવવા માટે ફટકાર લગાડી
હતી અને કહ્યું હતું કે વિસ્તૃત આરોપ પત્રમાં ઘણી ખામી છે, જેનું
સમર્થન કોઈ નિવેદન કે સાક્ષીથી થતું નથી. સુનાવણી દરમિયાન સીબીઆઈએ દાવો કર્યો હતો કે
પહેલી ચાર્જશીટ અને પુરક આરોપ પત્રમાં સાજીશના પર્યાપ્ત પુરાવા છે. સીબીઆઈએ ટ્રાયલકોર્ટના
ચુકાદા ઉપર સવાલ કરતા કહ્યું હતું કે તપાસના મહત્વના મુદ્દાને નજરઅંદાજ કરવામાં આવ્યા
છે.