• શનિવાર, 28 ફેબ્રુઆરી, 2026

અફઘાનિસ્તાન-પાક વચ્ચે ભીષણ યુદ્ધમાં ભારે ખુવારી

નવી દિલ્હી, તા. 27 : છેલ્લા ઘણા દિવસથી તનાવ ચરમસીમાએ પહોંચ્યા બાદ અંતે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. પાકિસ્તાને શુક્રવારે 130 તાલિબાની લડવૈયાઓનાં મોત નીપજાવ્યાના દાવા સામે ખુલ્લું યુદ્ધમાં હોવાનું જણાવ્યું હતું. અફઘાનિસ્તાને ફૈઝાબાદમાં પાક પીએમઓ પાસે સૈન્ય ઠેકાણા પર બોમ્બ ઝીંકતા દુનિયા ચોંકી હતી. પાકિસ્તાને અગાઉ રવિવારે કરેલી એરસ્ટ્રાઈકના જવાબમાં અફઘાનિસ્તાને કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં પાકિસ્તાનની અલગ અલગ સૈન્ય છાવણીને નિશાન બનાવીને ડ્રોન હુમલા કર્યા હતા. આ ઉપરાંત ડુરંડ લાઈન ઉપર પાકિસ્તાની સૈન્ય ચોકીઓ સામે અભિયાન શરૂ કર્યું હતું. રશિયા, ઈરાન અને ચીને બંને દેશને સંઘર્ષનો માર્ગ છોડી વાતચીતથી સમાધાન સાધવા અનુરોધ કર્યો હતો. અન્ય મધ્યસ્થીની ભૂમિકા ભજવવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. દરમ્યાન મોડી સાંજે પાકિસ્તાન સામેની લડાઈ સમાપ્ત કરી વાતચીત માટે અફઘાનિસ્તાન તૈયાર થયું હોવાનું અહેવાલોમાં જણાવ્યું હતું. પાકિસ્તાને અફઘાનિસ્તાનના આક્રમણના જવાબમાં `ગઝબ લિલ હક' શરૂ કર્યું હતું. જેમાં કાબુલ, નંગરહાર, પક્તિકા, પક્તિયા, લગમાન, ખોસ્ત પ્રાંત સહિતના વિસ્તારમાં એરસ્ટ્રાઈક કરી હતી. આ એરસ્ટ્રાઈકમાં પાકિસ્તાને 133 અફઘાની સૈનિકોને માર્યાનો દાવો કર્યો હતો. બીજી તરફ અફઘાનિસ્તાન સરકારે દાવો કર્યો હતો કે, 23 પાકિસ્તાની સૈનિકોના મૃતદેહ તેમની પાસે છે, કુલ 55 પાકિસ્તાની સૈનિકો ઠાર કર્યા છે તેમજ પાકિસ્તાની સેનાના એક હેડક્વાર્ટર સહિત 19 ચોકી ઉપર કબજો કરી લેવાયો છે. આ દરમિયાન ભડકેલા પાકિસ્તાની રક્ષામંત્રી ખ્વાજા આસિફે અફઘાનિસ્તાન સામે ખુલા જંગનું એલાન કરી દીધું હતું. આ ભીષણ સંઘર્ષમાં 200થી વધારે લોકો માર્યા ગયાના અહેવાલ સામે આવ્યા છે. અહેવાલ અનુસાર અફઘાની એરફોર્સે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ફૈઝાબાદ શહેર પાસે એક મિલિટ્રી કેમ્પ ઉપર હુમલો કર્યો હતો. સાથેસાથે ખૈબર પખ્તુનખ્વાના નૌશેરામાં આર્મી બેરેક અને દારૂગોળાની મિલિટ્રી સાઈટને નિશાન બનાવ્યા હતા. આ ઉપરાંત એબટાબાદમાં પણ અફઘાનિસ્તાનની વાયુસેનાએ ડ્રોન હુમલો કર્યો હતો. એવા અહેવાલ પણ સામે આવ્યા હતા કે અફઘાનિસ્તાને પાકિસ્તાની પરમાણુ પ્લાન્ટને નિશાન બનાવવાની કોશિશ કરી છે. આ હુમલાના જવાબમાં પાકિસ્તાન દ્વારા કાબુલ સહિતના સ્થળોએ હુમલો કર્યો હતો અને બન્ને દેશ વચ્ચે તનાવ ચરમસીમાએ પહોંચી ગયો હતો અને યુદ્ધ શરૂ થયું હતું. આ દરમિયાન ડુરંડ લાઈન ઉપર અફઘાનિસ્તાનના સૈનિકોએ કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને દાવો કર્યો હતો અને 13-14 પાકિસ્તાની પોસ્ટ ઉપર કબજો કરી લેવામાં આવ્યો છે અને 60 જેટલા પાકિસ્તાની સૈનિકને ઠાર કરવામાં આવ્યા છે. અફઘાનિસ્તાને પાકિસ્તાની વાયુસેનાના એક યુદ્ધ વિમાનને તોડી પાડયું હોવાનો પણ દાવો કર્યો હતો. બીજી તરફ પાકિસ્તાન દ્વારા આ તમામ દાવાને નકારી કાઢવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાને કરેલી કાર્યવાહીથી ભડકી ઉઠેલા પાકિસ્તાની રક્ષા મંત્રી ખ્વાજા આસિફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં એક પોસ્ટ મારફતે કહ્યું હતું કે, યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. પાકિસ્તાની સહનશક્તિની પરીક્ષા લેવાઈ ગઈ છે. હવે આ એક યુદ્ધ છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં દુનિયાભરના દેશો દ્વારા શાંતિની અપીલ કરવામાં આવી હતી. જેમાં રશિયા, ઈરાન, મલેશિયા, ચીન, બ્રિટન સહિતના દેશ સામેલ છે. ઈરાને બન્ને દેશ વચ્ચે મધ્યસ્થતાની પણ અપીલ કરી હતી. જ્યારે તુર્કીએ આ મામલે ઘણા મુસ્લિમ દેશો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન ભારતે અફઘાનિસ્તાન ઉપર પાકિસ્તાની હુમલાની નિંદા કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે પવિત્ર રમઝાન મહિનામાં થયેલા હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત સામાન્ય નાગરીકોએ જીવ ગુમાવ્યા છે. પાકિસ્તાન પોતાના આંતરીક મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે કોશિશ કરી રહ્યું છે. ભારતે દોહરાવ્યું છે કે તે અફઘાનિસ્તાનની સંપ્રભુતા, ક્ષેત્રીય અખંડતા અને સ્વતંત્રતાનું સમર્થન કરે છે.  

Panchang

dd