• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

શેરોમાં કડાકો : સેન્સેક્સ 1272 અંક તૂટયો

મુંબઇ, તા. 30 : મધ્ય-પૂર્વમાં વધતા ભૂ-રાજકીય તણાવ, જાપાની શેરબજારમાં નબળાઇ તેમજ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ ચેરોમ પોવેલનાં ભાષણ અગાઉ ઘરેલુ સ્તરે બેન્કિંગ, ઓટો અને રિયલ્ટી શેરોમાં નફારૂપી પ્રચંડ વેચવાલીએ સેન્સેક્સ અને નિફટીમાં 1.5 ટકા જેટલો મોટો કડાકો સર્જાયો હતો. ગયા સપ્તાહે 1027 અંક વધેલો સેન્સેક્સ એક જ કારોબારી દિને 1272.07 અંક (1.49 ટકા) પટકાઇને 84299.78 બંધ આવ્યો હતો. આજના મોટા કડાકાથી રોકાણકારોને 3.57 લાખ કરોડ રૂા.નું નુકસાન થયું હતું. સેન્સેક્સની સૂચિબદ્ધ કંપનીઓની મૂડી ઘટીને રૂા. 474.35 લાખ કરોડ થઇ હતી. નિફટી પણ 368.10 અંક તૂટીને 25810.85 બંધ આવ્યો હતો. બીએસઇ મિડકેપ 138.41 (0.28 ટકા) ઘટી 49351.91, જ્યારે સ્મોલકેપ 39.57 (0.07 ટકા) વધીને 57130.93 રહ્યો હતો. કામકાજના અંતે સેન્સેક્સ 1272.07 પોઈન્ટ્સ અથવા 1.49 ટકા ઘટીને 84,299.78 પોઈન્ટસ બંધ થયો તે પહેલાં કારોબાર દરમિયાન  1314.71 અંક જેટલો ગગડી 84257.14ના નીચલા સ્તરને સ્પર્શ્યો હતો. નિફ્ટી 368.20 પોઈન્ટસ અથવા1.41 ટકા ઘટીને 25810.80 પોઈન્ટસ બંધ રહ્યો હતો. નબળા વૈશ્વિક સંકેતો પાછળ બજાર નીચામાં ખૂલ્યું હતું અને ઘટાડો લંબાયો હતો કારણ કે મેટલ અને મીડિયા શેરો સિવાયનાં તમામ ક્ષેત્રોમાં વેચવાલી જોવાઈ હતી. નિફ્ટીમાં સૌથી વધુ ઘટનારા શેર્સમાં હીરો મોટોકોર્પ, ટ્રેન્ટ, એક્સિસ બેન્ક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભારત ઈલેક્ટ્રોનિક્સ જ્યારે જેએસડબ્લ્યુ સ્ટીલ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, એનટીપીસી, તાતા સ્ટીલ અને બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ ટોચના વધનાર શેર્સ હતા. મેટલ અને મીડિયા (દરેક એક ટકા) સિવાય અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઓટો, બેન્ક, આઈટી, ટેલિકોમ, ફાર્મા અને રિયલ્ટી 1-2 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા. ઈઝરાયલના વધતા હુમલા સાથે મધ્ય-પૂર્વમાં ચિંતા વધી રહી છે, જેનાં કારણે મોટાં યુદ્ધની સ્થિતિ છે. જો મોટું યુદ્ધ થશે તો ઈરાન અને અમેરિકા દખલ કરે તેવી આશંકા છે. વિશેષજ્ઞોનાં કારણે આવી સ્થિતિમાં રોકાણકારોનું ધ્યાન સોના જેવા સુરક્ષિત રોકાણ તરફ વધ્યું છે. આ ઉપરાંત ભારતીય શેરબજાર ગયા અઠવાડિયે દરેક દિવસે નવો રેકોર્ડ બનાવી રહ્યું હતું. રિટેલ રોકાણકારો ખૂબ પૈસા લગાડી રહ્યા છે, પણ રોકાણકારોને હાઈ વેલ્યુએશનનો પણ ડર છે, જેના કારણે પ્રોફિટ બુકિંગ વધ્યું છે. વધુમાં રોકાણકારો એક નવા સ્ટાર્ટ માટે કંપનીઓનાં ત્રિમાસિક પરિણામોની રાહ જોઈ રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang