• મંગળવાર, 30 એપ્રિલ, 2024

યુપીએસસીમાં આદિત્ય ઝળહળ્યો

નવી દિલ્હી, તા. 16 : સનદી સેવામાં જોડાઈને દેશની સેવા કરવા ઈચ્છતા ઉમેદવારો માટે મહત્ત્વની ગણાતી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ની સિવિલ સેવાની મે-2023માં લેવાયેલી પરીક્ષાના પરિણામ મંગળવારે જાહેર કરાયા હતા. પરીક્ષામાં 1016 ઉમેદવાર ઉત્તીર્ણ થયા છે, જેમાં ઉત્તરપ્રદેશના આદિત્ય શ્રીવાસ્તવે આઈએએસમાં દેશમાં પહેલું સ્થાન મેળવ્યું હતું, જ્યારે અનિમેષ પ્રધાન અને અનન્યા રેડ્ડી અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે રહ્યા હતા, તો ઈતિહાસમાં પહેલીવાર ગુજરાતના 25  ઉમેદવારે પણ સફળતા મેળવી છે. મૂળ લખપત તાલુકાના ઘડુલી ગામના ચંદ્રેશ સાંખલાએ ફરી યુપીએસસીની કઠીન પરીક્ષા પાસ કરી છે, તેમણે 432મો ક્રમાંક મેળવ્યો છે. એક મીડિયાના હેવાલ મુજબ, યુપીએસસી દ્વારા લેવાયેલી સિવિલ સર્વિસ પરીક્ષામાં બેઠેલા 1143 પૈકી 1016 પરીક્ષાર્થીએ સફળતા મેળવી છે, જેમાં ટોપ 100માંથી ત્રણ ગુજરાતીનો સમાવેશ થાય છે, જ્યારે જનરલ કેટેગરીમાં 347, ઈડબ્લ્યુએસમાં 115, ઓબીસીમાં 303, એસસીમાં 165 અને એસટીમાં 86 ઉમેદવાર પાસ થયા હતા. દેશમાં પહેલો ક્રમ મેળવનારા  કરનારા ઉત્તરપ્રદેશના લખનઉના રહેવાસી આદિત્યએ આઈઆઈટી કાનપુરથી ઈલેક્ટ્રોનિકલમાં એન્જિનીયરિંગમાં બીટેક કર્યું છે, તો દોઢ વર્ષ સુધી મલ્ટિનેશનલ કંપનીમાં કામ પણ કર્યું છે. જો કે, ત્યારબાદ તેણે નોકરી છોડી સિવિલ સેવાની તૈયારીઓ શરૂ કરી હતી અને 2022માં આપીએસની પરીક્ષા પાસ કરી હાલમાં હૈદરાબાદમાં માસથી તાલીમ લઈ રહ્યો છે. પરીક્ષામાં પસંદગી પામેલા પૈકી આઈએએસ માટે 180, આઈએફએસ 37, આઈપીએસ માટે 200 અને સેન્ટ્રલ સર્વિસીસ, ગ્રુપ- માટે 613 અને બી માટે 113 ઉમેદવાર ટૂંક સમયમાં દેશની સેવામાં જોડાશે. ગુજરાતમાંથી પહેલીવાર 25 ઉમેદવારે મેદાન માર્યું છે, જેમાં પાંચ યુવતીનો પણ સમાવેશ થાય છે.  વિષ્ણુ શશીકુમારે 31મો, ઠાકુર અંજલિ અજયએ 43મો, અતુલ ત્યાગીએ 62મો, પટેલ મિત્તુલકુમારે 139મો, રમેશચંદ્ર વર્માએ 150મો, પટેલ અનિકેતએ 183મો ઝા સમીક્ષાએ 362મો, પટેલ હર્ષએ 392મો અને ચંદ્રેશ સાંખલાએ 432મો ક્રમ મેળવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang