• મંગળવાર, 30 એપ્રિલ, 2024

છત્તીસગઢમાં 29 નકસલવાદીનો ખાતમો

કાંકેર, તા. 16 (પીટીઆઈ)  લોકસભા ચૂંટણી અગાઉ છત્તીસગઢના કાંકેર જિલ્લામાં નકસલવાદીઓ સાથેની ભીષણ અથડામણમાં સુરક્ષા દળોએ રૂા. 25 લાખનું ઈનામ હતું તેવા ટોચના કમાન્ડર શંકર રાવ અને લલિતા માડવી સહિત ઓછામાં ઓછા 29 નકસલવાદી ઠાર માર્યા હતા. તમામના મૃતદેહ કબજે કરાયા હતા. સીમા સુરક્ષા દળે જણાવ્યું હતું કે, ત્રણ જવાનને ભીષણ અથડામણ દરમ્યાન ગોળી વાગતાં ઈજા થઈ હતી. જેમાં બે ડીઆરજી જવાન હતા. પોલીસના અહેવાલ મુજબ ઘટનાસ્થળેથી વિશાળ માત્રામાં હથિયારો પ્રાપ્ત થયા હતા. અથડામણથી હાપટોલા જંગલ ગોળીબારથી ધણધણી ઊઠયું હતું. અથડામણ પાંચ કલાક ચાલી હતી. બીએસએફ અને રાજ્ય પોલીસના જિલ્લા અનામત ગાર્ડ (ડીઆરજી)ની સંયુક્ત ટુકડી નક્સલવિરોધી અભિયાન હેઠળ નીકળી હતી, ત્યારે છોટે બેઠિયા પોલીસ મથકની હદમાં આવેલા બીનાગુંડા અને કોરોનોર ગામ  વચ્ચેનાં હાપટોલા જંગલમાં આજે બપોરે બે વાગ્યે ભીષણ અથડામણની શરૂઆત થઈ હતી,  એમ બસ્તર રેન્જના આઈજીપી સુંદરરાજ પી. જણાવ્યું હતું. પ્રતિબંધિત  સીપીઆઈ (માઓવાદી)ના બસ્તર વિભાગના શંકર, લલિતા, રાજુ સહિતના ટોચના નેતાઓ સહિત  નક્સલવાદીઓ જંગલમાં એકઠા થયા હોવાની નક્કર બાતમીના આધારે અભિયાન હાથ ધરાયું હતું, એમ તેમણે કહ્યું હતું. સલામતી દળોની ટુકડી જ્યારે જંગલમાં પહોંચી ત્યારે નક્સલીઓએ ગોળીબાર કરતાં ભીષણ અથડામણ શરૂ થઈ હતી, જે મોડી સાંજ સુધી આશરે પાંચ કલાક સુધી ચાલી હતી. સલામતી દળોની ટુકડી હજુ ઘટનાસ્થળેથી પરત આવી હોવાથી ઘટના વિશે વધુ વિગતો મળી શકી નથી. અથડામણના અંતે સલામતી દળોએ 29 નકસલવાદીઓના મૃતદેહ ઉપરાંત એકે-47, એસએલઆર, ઈન્સાસ અને 303 રાઈફલ સહિત હથિયારોનો મોટો જથ્થો કબજે કર્યો હતો, એમ આઈજીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બસ્તર લોકસભામાં ચાર દિવસ પછી 19 એપ્રિલે મતદાન થવાનું છે, જ્યારે કાંકેર લોકસભામાં બીજા તબક્કામાં મતદાન થવાનું છે. માટે ઉમેદવારી ફોર્મ પણ ભરાયા છે. કાંકેરમાં 26મી એપ્રિલે મતદાન થશે. ઉલ્લેખનીય છે કે, એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા શંકર રાવ અને લલિતા માડવી ડીવીસી રેન્કના નક્સલવાદી નેતાઓ હતા. બંને પર 25-25 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.  ડીઆઈજી (ઈન્ટેલિજન્સ) આલોક કુમાર સિંહે જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી કાંકેર વિસ્તારમાં નકસલવાદીઓની હિલચાલ અંગેના ઈનપુટ મળી રહ્યા હતા. પછી પોલીસ અને બીએસએફએ ઓપરેશનની તૈયારી કરી. જે અંતર્ગત આજની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું. નકસલવાદીઓને બપોરે એક વાગ્યાની આસપાસ ઘેરી લીધા હતા. જે ત્રણ સલામતી જવાનોને અથડામણ દરમ્યાન ઈજા થઈ હતી. તેઓની સ્થિતિ ખતરાની બહાર બતાવવામાં આવી છે એમ આઈજીએ કહ્યું હતું. અથડામણ બાદ વર્ષે અત્યાર સુધીમાં કાંકેર સહિત સાત જિલ્લા ધરાવતા બસ્તર વિસ્તારમાં 79 નકસલવાદી માર્યા ગયા છે. ઉલ્લેખનીય છે કે, બીજી એપ્રિલે બીજાપુર જિલ્લામાં સલામતી દળો સાથેના સંઘર્ષમાં ઓછામાં ઓછા 13 નક્સલવાદી માર્યા ગયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang