• મંગળવાર, 30 એપ્રિલ, 2024

ચૂંટણીપંચે 44 દિવસમાં સાડાચાર હજાર કરોડ જપ્ત કર્યા

નવી દિલ્હી, તા. 15 : દેશના ચૂંટણીપંચે લોકસભા ચૂંટણીથી પહેલાં પહેલી માર્ચથી 13મી એપ્રિલ દરમ્યાન 44 દિવસમાં દેશભરમાંથી સાડાચાર હજાર કરોડથી વધુ રૂપિયા જપ્ત કર્યા છે. જો કે, તેમાં રોકડની સાથોસાથ સોના-ચાંદી, શરાબ, ડ્રગ્સ અને અન્ય કિંમતી સામાન પણ સામેલ છે. લોકસભા ચૂંટણીના 75 વર્ષના ઈતિહાસમાં રોકડ અને કિંમતી સામગ્રી જપ્ત કરવાની સૌથી મોટી કાર્યવાહી છે. ચૂંટણીપંચે 2019ની લોકસભા ચૂંટણી પહેલાં 3475 કરોડ જપ્ત કર્યા હતા. અત્યારે 44 દિવસ દરમ્યાન 4658.13 કરોડ રૂપિયા જપ્ત કરાયા છે. ચૂંટણીપંચે સોમવારે જણાવ્યું હતું કે, ચૂંટણીની સત્તાવાર ઘોષણાથી પહેલાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમા કુલ્લ 7502 કરોડ રૂપિયા કબજે કરાયા હતા.આમ, જાન્યુઆરીથી એપ્રિલ મહિના સુધી કુલ્લ 12 હજાર કરોડ રૂપિયાથી વધુના રોકડ અને કિંમતી સામાન જપ્ત કરાયા છે. ગુજરાત રાજ્યમાં સૌથી વધારે લગભગ 485.99 કરોડ રૂપિયાના ડ્રગ્સ (નશીલા દૃવ્યો) કબજે કરાયા છે. તામિલનાડુમાંથી 293.02 કરોડ, પંજાબમાં 280.81 કરોડ, મહારાષ્ટ્રમાં 213.56 કરોડ અને દિલ્હીમાં 189.94 કરોડનાં ડ્રગ્સ ઝડપાયાં છે. તામિલનાડુમાં સૌથી વધુ 53 કરોડ રોકડા જપ્ત કરાયા છે. તેલંગાણામાં 49 કરોડ, મહારાષ્ટ્રમાંથી 40 કરોડ, કર્ણાટક, રાજસ્થાનમાં 35-35 કરોડ રૂપિયાથી વધુ રોકડ કબજે કરાઈ છે. કર્ણાટકમાં સૌથી વધુ 124.3 કરોડનો શરાબ જપ્ત કરાયો છે, ત્યારબાદ બંગાળમાંથી 51.7 કરોડ, રાજસ્થાનમાં 40.7 કરોડ, ઉત્તરપ્રદેશમાં 35.3 કરોડ અને બિહારમાં 31.5 કરોડ રૂપિયાનો શરાબ જપ્ત કરાયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang